રુરકી : ઉત્તરાંચલ રાજ્યના હરદ્વાર જિલ્લાનું તાલુકામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 29° 52´ ઉ. અ. અને 77° 5૩´ પૂ. રે.. તે શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું છે. અહીં ફળદ્રૂપ જમીન છે તથા ઉપલી ગંગા નહેર પસાર થતી હોવાથી પાણીનો પૂરતો પુરવઠો મળી રહે છે. આ તાલુકામાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીં ડાંગર, મકાઈ, કઠોળ, કપાસ, શેરડી અને તેલીબિયાંની પેદાશો લેવાય છે. આજુબાજુના વિસ્તાર માટે રુરકી ખેતપેદાશોનું મુખ્ય કેન્દ્ર બની રહેલું છે.
આ શહેર નઝિબાબાદ અને સહરાનપુર બ્રૉડગેજ રેલમાર્ગ પર આવેલું છે. ઉત્તરે આવેલું મુઝફ્ફરાબાદ, પૂર્વે સહરાનપુર અને ઈશાનમાં હરદ્વાર સાથે તે પાકા માર્ગોથી જોડાયેલું છે. અહીં લોખંડ-પોલાદના અને રસાયણો બનાવવાના એકમો આવેલા છે. અહીંની યુનિવર્સિટી તથા તેની સાથે સંલગ્ન કૉલેજોના શિક્ષણની ભારતમાં સારી પ્રતિષ્ઠા અને નામના છે. સિંચાઈનું સંશોધન એકમ અહીં કાર્યરત છે. શહેરનો વહીવટ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે. અહીં કૅન્ટૉન્મેન્ટ વિસ્તાર છે. તાલુકાનું મુખ્ય ચિકિત્સાલય પણ અહીં છે.
નીતિન કોઠારી