રુબ્લિયૉવ, આન્દ્રેઇ (જ. આશરે 1360થી 1370, રશિયા; અ. આશરે 1430, રશિયા) : મધ્યયુગની રશિયન ચિત્રકલાના સૌથી વધુ પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ચિત્રકારોમાંના એક. મધ્યયુગમાં ગ્રીસથી રશિયા આવી વસેલા અને ‘થિયોપેન્સ ધ ગ્રીક’ નામે જાણીતા બનેલા મહાન ચિત્રકારના તેઓ મદદનીશ બન્યા; આથી તેમણે ગ્રીસ અને કૉન્સ્ટૅન્ટિનોપલમાં તત્કાલ પ્રવર્તમાન ખ્રિસ્તી ધાર્મિક મૂર્તિગત લક્ષણવિદ્યા, લક્ષણશાસ્ત્ર (iconography) આત્મસાત્ કર્યાં. સત્તરમી સદીના પ્રારંભ લગી રશિયન ચિત્રકારો ચિત્રો પર સહી કરતા ન હોવાથી અન્ય સાબિતીઓ કે પરોક્ષ અનુમાનો પરથી જ આજે રુબ્લિયૉવનાં ચિત્રોની ઓળખ કરવામાં આવે છે. ‘થિયોપેન્સ ધ ગ્રીક’ અને રુબ્લિયૉવનાં ચિત્રો પર પૂર્વ યુરોપીય બાઇઝેન્ટાઇન શૈલીનો ઘેરો પ્રભાવ જોવા મળે છે. આ શૈલીમાં એકસરખી અને અક્કડ આકૃતિઓ વડે આધ્યાત્મિક અભિવ્યક્તિ કરવાની નેમ રાખવામાં આવે છે, પરંતુ રુબ્લિયૉવ આ શૈલીને અતિક્રમીને પોતાનાં ચિત્રોમાં અપાર્થિવ (unworldliness) લાવણ્ય નિરૂપી શક્યા એ તેમની સૌથી મોટી સિદ્ધિ ગણી શકાય. ન તો કોઈ એમનો સમકાલીન કે અનુગામી રશિયન ચિત્રકાર તેમના જેવું અપાર્થિવ લાવણ્ય ચીતરી શક્યો છે.
તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં વ્લાદિમીર ખાતે કથીડ્રલ ઑવ્ ધ ડૉર્મિશન ઑવ્ ધ વર્જિનમાંનાં ભીંતચિત્રો, સેંટ પીટર, સેંટ જૉન ધ બૅપ્ટિસ્ટ, સેંટ પૉલ અને એસેન્શન ગણાય છે. હાલમાં મૉસ્કોની ત્રેત્યાકૉવ ગૅલરીમાં સચવાયેલ ‘ધી ઓલ્ડ ટેસ્ટામેન્ટ ટ્રિનિટી’ તેમનું સર્વોત્તમ ચિત્ર ગણાય છે.
અમિતાભ મડિયા