રુબિન્સ્ટીન, ઍન્તૉન ગ્રિગૉરિયેવિચ (જ. 28 નવેમ્બર 1829, વિખ્વેટિનેટ્સ, પ્રાંત પોડોલિયા, રશિયા; અ. 20 નવેમ્બર 1894, પીટ ર્હોફ, રશિયા) : ઓગણીસમી સદીના સૌથી મહાન રશિયન પિયાનિસ્ટ સ્વરનિયોજક.
રુબિન્સ્ટીનના પિતા મૉસ્કોમાં નાનકડી ફૅક્ટરી ધરાવતા હતા. રુબિન્સ્ટીન તથા તેનો ભાઈ નિકોલય, બંનેને પહેલાં માતાએ તથા પછી ઍલેક્ઝાન્ડર વિલોઇન્ગે પિયાનો વગાડતાં શીખવ્યું. 18૩9માં રુબિન્સ્ટીને પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમ મૉસ્કોમાં આપ્યો. 1940માં વિલોઇન્ગ સંગીત-કાર્યક્રમો આપવાની ત્રણ વરસ માટેની લાંબી યાત્રામાં રુબિન્સ્ટીનને સાથે લઈ ગયો. પૅરિસ, લંડન, હોલૅન્ડ, જર્મની અને સ્વીડનમાં રુબિન્સ્ટીને વિલોઇન્ગ સાથે સંગીત-કાર્યક્રમ આપી શોપાં (Chopin) અને લીઝ (Liszt) જેવા મહાન સંગીતકારોનું તુરત જ ધ્યાન ખેંચ્યું. 1844થી 1846 લગી રુબિન્સ્ટીન અને તેનો ભાઈ બર્લિન ખાતે સંગીતના સિદ્ધાંતો શીખ્યા. આ પછી બંને વિયેનામાં સ્વરનિયોજન શીખ્યા અને રશિયામાં 1848માં પાછા ફરી સેંટ પીટર્સબર્ગમાં સ્થિર થયા. 1852માં અહીં રુબિન્સ્ટીનનો પ્રથમ ઑપેરા ‘દ્મીત્રી ડોન્સ્કૉય’ ભજવાયો. 185૩માં તેના બીજા બે ઑપેરા ‘ફોમ્કા ડુરાચોક’ અને ‘ધ સાઇબીરિયન હન્ટર્સ’ ભજવાયા. ઍલેના પાવલોવાના સહકારથી રુબિન્સ્ટીને ધ રશિયન મ્યૂઝિકલ સોસાયટીની સ્થાપના કરી, તથા તેનો વાદ્યવૃંદ સંચાલક (conductor) બન્યો. તે પછી તેણે ઑપેરા ‘ડેમૉન’, ‘દેર માક્કાબેર’ અને ‘ધ મર્ચન્ટ કાલાશ્નિકૉવ’ લખ્યા. તેણે છ સિમ્ફનીઓ પણ લખી છે.
અમિતાભ મડિયા