રુધિર (blood) : શરીરની નસોમાં વહેતું લાલ રંગનું પ્રવાહી. શરીરમાં પ્રવાહીનું વહન કરતી નસોના મુખ્ય 3 પ્રકાર છે : ધમનીઓ (arteries), શિરાઓ (veins) અને લસિકાવાહિનીઓ (lymphatics). ધમનીઓ અને શિરાઓમાં વહેતા પ્રવાહીને રુધિર કહે છે, જ્યારે લસિકાવાહિનીઓમાંના પ્રવાહીને લસિકાતરલ (lymph) કહે છે. રુધિરને લોહી અથવા રક્ત પણ કહે છે. લોહી પ્રવાહી પેશી (ઊતક, tissue) છે.

શરીરમાંનું પ્રવાહી મુખ્ય 2 ભાગમાં વહેંચાય છે. કોષોની અંદર રહેલું અંત:ષ્કોષીય (intracellular) પ્રવાહી અને કોષોની બહાર રહેલું બહિષ્કોષીય (extracellular) પ્રવાહી. બહિષ્કોષીય પ્રવાહીના પણ 2 પ્રકાર છે : નસોમાં રહેલું પ્રવાહી અને નસોની બહારનું પ્રવાહી. નસોમાં વહેતા પ્રવાહી(રુધિર તથા લસિકાતરલ)ને અંતર્વાહિનીય (intravascular) પ્રવાહી કહે છે. નસોની બહાર તથા કોષોની બહાર જે પ્રવાહી છે તેને કોષાંતરાલીય કે અંતરાલીય તરલ (interstitial fluid) અથવા આંતરકોષીય પ્રવાહી (intercellular fluid) કહે છે. તેને પેશીપ્રવાહી અથવા ઊતકતરલ (tissue fluid) પણ કહે છે. નસોમાંનું પ્રવાહી (લોહી અને લસિકાતરલ) જુદા જુદા અવયવો અને પેશીઓ સાથે રાસાયણિક દ્રવ્યોની આપલે કરે છે તથા ચલનશીલ કોષો(wandering cells)નું વહન કરે છે, જ્યારે પેશીમાંના પ્રવાહીમાં પેશીના કોષો ઝબોળાયેલા રહે છે. તે કોષો અને લોહી તથા લસિકાતરલ વચ્ચે રાસાયણિક દ્રવ્યોના વિનિમયમાં માધ્યમ રૂપે કાર્ય કરે છે. લોહી તથા પેશીમાંના ચલનશીલ કોષો પણ પેશીપ્રવાહીમાં હોય છે. આમ વિવિધ કોષો, પેશીઓ અને અવયવો વચ્ચેનાં રાસાયણિક દ્રવ્યોના તથા ચલનશીલ કોષોના વહનમાં સમગ્ર પ્રવાહીતંત્ર સક્રિય છે, જેમાં મહત્વનું સ્થાન લોહીનું છે. લોહી વાતાવરણ તથા કોષો સાથે ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડ જેવાં વાયવી દ્રવ્યોનું પણ વિનિમયકાર્ય કરે છે અને તે આમ કોષીય શ્વસનમાં મહત્વનો ભાગ ભજવે છે. તે જઠરાંત્રમાર્ગમાં પચેલાં દ્રવ્યોનું તથા કોષીય ચયાપચય (metabolism) સમયે ઉત્પન્ન થયેલાં ઉત્સર્ગને લાયક દ્રવ્યોનું વહન કરીને કોષોનું પોષણ તથા કચરાનો ઉત્સર્ગ કરવામાં મદદરૂપ રહે છે. લોહી આ ઉપરાંત અન્ય કાર્યો પણ કરે છે, જેથી આંતરિક વાતાવરણ (milieu interior) જાળવી રાખવું શક્ય બને છે. નસો(વાહિનીઓ, vessels)માં વહેતા લોહીને હૃદય ધકેલે છે. શરીરમાં લોહીને ફરતું રાખતા તંત્રને રુધિરાભિસરણતંત્ર (circulatory system) અથવા હૃદવાહિનીતંત્ર (cardiovascular system) કહે છે.

લોહીના ભૌતિક ગુણધર્મો : લોહી શ્યાનતા (viscosity) ધરાવતું તરલ (પ્રવાહી) છે અને તે પાણી કરતાં જાડું, ભારે તથા વધુ પ્રમાણમાં ચોંટતું હોય છે. જો પાણીની શ્યાનતા 1 ગણવામાં આવે તો લોહીની શ્યાનતા 4.5થી 5.5 ગણાય. વધુ શ્યાનતાને કારણે તે પાણી કરતાં ધીમે વહે છે. તેનું સામાન્ય તાપમાન 38° સે. (100.4° ફે.) તથા pH મૂલ્ય 7.35થી 7.45. (થોડુંક આલ્કેલાઇન) હોય છે. તેની ક્ષારતા (salinity) 0.85 % થી 0.9 % NaCl જેટલી હોય છે. લોહીનું કદ સામાન્ય કદના પુરુષમાં 5થી 6 લીટર જેટલું તથા સામાન્ય કદની સ્ત્રીમાં 4થી 5 લીટર જેટલું હોય છે.

લોહીનાં કાર્યો : લોહી સંકુલ પ્રવાહી પેશી છે અને તેમાંનાં કોષો, પ્રવાહી તથા દ્રાવ્ય અને નિલંબિત રસાયણોને કારણે તે અનેક પ્રકારનાં મહત્વનાં કાર્યો કરે છે : (1) ફેફસાંમાંથી ઑક્સિજન મેળવીને તે દરેક કોષને પહોંચાડે છે. (2) પેશીમાં ઉત્પન્ન થતા કાર્બન ડાયૉક્સાઇડને તે ફેફસાં સુધી લઈ જાય છે, જેથી તેને ઉચ્છસમાં બહાર કાઢી શકાય. (3) પાચનતંત્રમાંથી પચેલાં દ્રવ્યોને કોષો સુધી પહોંચાડે છે. (4) શરીરમાંનાં ઉત્સર્ગશીલ દ્રવ્ય(કચરો)ને મૂત્રપિંડ, ફેફસાં અને પ્રસ્વેદગ્રંથિ સુધી પહોંચાડે છે. (5) અંત:સ્રાવી ગ્રંથિઓમાંથી અંત:સ્રાવો(hormones)ને શરીરના કોષો સુધી પહોંચાડે છે. (દા.ત., ઇન્સ્યુલિન). (6) ચયાપચય(metabolism)માંના ઉપયોગી ઉત્સેચકો(enzymes)ને કોષો સુધી પહોંચાડે છે. (7) એમીનો ઍસિડ તથા બફર દ્રવ્યો વડે શરીરનું pH મૂલ્ય જાળવી રાખે છે. (8) તે શરીરમાંના પ્રવાહીનાં કદ અને વહનની જાળવણી દ્વારા શરીરનું તાપમાન જાળવે છે. (9) કોષોના પ્રવાહીનું સ્તર જાળવી રાખે છે. (10) લોહીગંઠનની ક્રિયા દ્વારા તે શરીરમાંના પ્રવાહીને બહાર વહી જતું અટકાવે છે. (11) તેમાંના રોગપ્રતિકાર કરી શકે તેવા પ્રતિરક્ષાક્ષમ કોષો અને રસાયણો વડે તે જીવાણુઓ અને ઝેર સામે રક્ષણ આપે છે.

લોહીના ઘટકો : લોહીના મુખ્ય 2 ઘટકો છે : ઘન દ્રવ્યો અને પ્રવાહી. લોહીના પ્રવાહી ભાગને રુધિરપ્રરસ (blood plasma) અથવા ટૂંકમાં પ્રરસ (plasma) કહે છે. તે આશરે 55 % જેટલું કદ ધરાવે છે. તેમાં વિવિધ અને નિલંબિત (suspended) દ્રવ્યો હોય છે. બાકીનો 45 % ભાગ કોષો અને કોષસમ સંરચનાઓનો બનેલો હોય છે. તેને પ્રસર્જિત તત્વો (formed elements) કહે છે. તેના મુખ્ય 3 પ્રકાર છે : રક્તકોષો (erythrocytes) અથવા રક્ત (લાલ) રુધિરકોષો (red blood cells), શ્વેતકોષો (leucocytes) અથવા શ્વેત (સફેદ) રુધિરકોષો (white blood cells) અને ગંઠનકોષો (thrombocytes) અથવા ત્રાકકોષો (platelets). તેમને સંયુક્તરૂપે રુધિરકોષો (blood cells) કહે છે. અગાઉ આ કોષોને કણ (corpuscles) કહેતા હતા, પરંતુ તે સજીવ કોષો છે એવી માન્યતાને કારણે હાલ રક્તકણ કે શ્વેતકણને બદલે અનુક્રમે રક્તકોષ કે શ્વેતકોષ કહેવાય છે.

શ્વેતકોષોના મુખ્ય 5 પ્રકારો છે અને તેમને 2 જૂથમાં વહેંચવામાં આવે છે : કણિકાકોષો (granulocytes) અને અકણિકાકોષો (agranulocytes). કણિકાકોષોના જૂથમાં 3 પ્રકારના કોષોનો સમાવેશ કરાય છે : તટસ્થરાગી કોષો (neutrophils) અથવા બહુરૂપકેન્દ્રી (polymorphonuclear) કોષો, ઇયોસિનરાગી કોષો (eosinophils) અને બેઝોરાગી કોષો (basophils). અકણિકાકોષોના જૂથમાં બે પ્રકારના કોષોનો સમાવેશ થાય છે : લસિકાકોષો (lymphocytes) અને એકકેન્દ્રી કોષો (monocytes).

વીજકણીય સૂક્ષ્મદર્શક વડે લેવાયેલા રુધિરકોષોનાં ચિત્રો

લોહીના કોષોનું ઉત્પાદન : લોહીના કોષો અસ્થિમજ્જા(bone marrow)માં બને છે. હાડકાંના પોલાણમાં આવેલી મૃદુપેશીને અસ્થિમજ્જા કહે છે. તેમાં લોહીના કોષો બને છે. (જુઓ વિ. ગ્રં. 1 નવી આવૃત્તિ, પૃ. 675, અસ્થિમજ્જા). લોહીના કોષોના ઉત્પાદનની ક્રિયાને રુધિરપ્રસર્જન (haemopoiesis અથવા heamatopoiesis) કહે છે. ગર્ભાવસ્થામાં લોહીના કોષો જુદા જુદા સમયે યૉકસેક, યકૃત, બરોળ, વક્ષસ્થ ગ્રંથિ (thymus), લસિકાગ્રંથિઓ (lymphnodes) તથા અસ્થિમજ્જામાં બનતા હોય છે. પુખ્ત વયની વ્યક્તિમાં તે વક્ષાસ્થિ (sternum), પાંસળીઓ, કરોડના મણકા તથા કેડનાં હાડકાંમાં બને છે. છાતીની વચ્ચે આવેલા હાડકાને વક્ષાસ્થિ કહે છે. આ હાડકાંમાંની લાલ રંગની અસ્થિમજ્જાની પેશીમાં રુધિરપ્રસર્જન થાય છે. તેમાં રક્તકોષો, ગંઠનકોષો તથા કણિકાકોષો બને છે. રુધિરકોષો બનાવતી અસ્થિમજ્જાને મજ્જાભ પેશી (myeloid tissue) કહે છે. તે લાલ રંગની હોય છે. બાકીની અસ્થિમજ્જા પીળા રંગની હોય છે અને તેમાં મુખ્યત્વે મેદકોષો (fat cells) હોય છે. શ્વેતકોષોમાં લસિકાકોષો અને એકકેન્દ્રી કોષોમાં કણિકાઓ (granules) હોતી નથી અને તેથી તેમને અકણિકાકોષો કહે છે. તેઓ અસ્થિમજ્જામાંની મજ્જાભ પેશી તથા બરોળ, કાકડા તથા લસિકાગ્રંથિમાંની લસિકાભ પેશી(lymphoid tissue)માં બને છે.

મજ્જાપેશીમાંના અવિભેદિત મધ્યોતક કોષો (mesenchymal cells) રુધિરબીજકોષ (haematocytoblast) નામના કોષમાં પરિવર્તિત થાય છે. લોહીના કોષો બનાવતા તે આદિકોષો છે અને તે મુખ્યત્વે 5 પ્રકારના બહુક્ષમ (pluripotent) કોષોમાં રૂપાંતરિત થાય છે : (1) પ્રાભિરક્તબીજકોષ (proerythroblasts), જેમાંથી પુખ્ત રક્તકોષો બને છે. (2) મજ્જાભ-બીજકોષ (myeloblast), જેમાંથી પુખ્ત કણિકાકોષો (શ્વેતકોષો) બને છે (જેમ કે તટસ્થકોષો, ઇયોસિનરાગી કોષો અને બેઝોરાગી કોષો). (3) મહાકેન્દ્રીબીજકોષો (megakaryoblasts), જેમાંથી પુખ્ત ત્રાકકોષો (platelets) અથવા ગંઠનકોષો (thrombocytes) બને છે, (4) લસિકાબીજકોષો (lymphoblasts), જેમાંથી લસિકાકોષો બને છે. તથા (5) એકકેન્દ્રી બીજકોષો (monoblasts), જેમાંથી એકકેન્દ્રીકોષો બને છે.

રક્તકોષો (red blood cells, erythrocytes) : સૂક્ષ્મદર્શક વડે તપાસતાં તે 7.7 માઇક્રોમીટર વ્યાસવાળા બંને બાજુથી અંતર્ગોળ ચકતી જેવા કોષો છે. તેમનામાં કોષકેન્દ્ર હોતું નથી અને તેથી તેઓ પ્રજનન કરતા નથી કે સંકુલ પ્રકારની ચયાપચયી (રાસાયણિક) પ્રક્રિયાઓ પણ કરી શકતા નથી. તેના બહારના આવરણને પ્રરસકલા (plasma membrane) કહે છે અને તે પ્રોટીન અને ચરબીનું બનેલું હોય છે. તેની અંદર કોષરસ (cytoplasm) અને લાલ રંગનું રંગદ્રવ્ય (વર્ણકદ્રવ્ય, pigment) હોય છે. આ રક્તરંગી વર્ણકદ્રવ્યને હીમોગ્લોબિન અથવા રક્તવર્ણક કહે છે. રક્તવર્ણક(haemoglobin)ને કારણે લોહી લાલ રંગનું દેખાય છે. તે રક્તકોષના વજનના 33 % જેટલું વજન ધરાવે છે. હીમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ ઉંમર તથા જાતિલિંગ પ્રમાણે જુદું જુદું હોય છે  શિશુઓમાં 14થી 20 ગ્રા./100 મિલી., પુખ્ત સ્ત્રીમાં 12થી 15 ગ્રા./100 મિલી., અને પુખ્ત પુરુષમાં 14થી 16.5 ગ્રા./100 મિલી. લોહી જેટલું હોય છે. રક્તકોષોમાંનું હીમોગ્લોબિન શ્વાસમાં લેવાયેલા ઑક્સિજન જોડે સંયોજાઈને ઑક્સિ-હીમોગ્લોબિન બનાવે છે અને તેને પેશીમાંના કોષો સુધી લઈ જાય છે. તેવી રીતે પેશીમાંના કાર્બન ડાયૉક્સાઇડ સાથે સંયોજાઈને તે કાર્બામિનો-હીમોગ્લોબિન બનાવીને તેને ફેફસાં સુધી લાવે છે, જ્યાં તે ઉચ્છવાસમાં બહાર ફેંકાય છે.

હીમોગ્લોબિનના અણુમાં લોહ(iron)તત્વ ધરાવતું વર્ણકદ્રવ્ય હોય છે. તેને લોહવર્ણક (haem) કહે છે. આ ઉપરાંત તેમાં ગોલિનત્રલ (globin) નામનું પ્રોટીન હોય છે. ગ્લોબિનની 4 શૃંખલાઓ હોય છે, જેમાં કુલ 4 લોહવર્ણક હોય છે. આમ તેમાં લોહતત્વના 4 પરમાણુ હોય છે. લોહી જ્યારે ફેફસાંમાંના વાયુપોટાઓ(alveoli)ની આસપાસની કેશવાહિનીઓમાં ફરતું હોય છે, ત્યારે લોહના દરેક પરમાણુ સાથે ઑક્સિજનનો એક પરમાણુ સંયોજાય છે. આ સ્થિતિમાં ઑક્સિજનનું પેશી સુધી વહન કરાય છે. પેશીમાં લોહ-ઑક્સિજનનું સંયોજન વિખૂટું પડે છે અને છૂટો પડેલો ઑક્સિજન પેશી-પ્રવાહીમાં પ્રસરે છે. પેશીમાંના કાર્બન-ડાયૉક્સાઇડના અણુઓ સાથે હીમોગ્લોબિનમાંની ગ્લોબિનની શૃંખલાઓ જોડાઈને કાર્બામિનો- હીમોગ્લોબિન બનાવે છે. આ સંકુલનું ફેફસાં સુધી વહન કરાય છે, જ્યાં કાર્બન ડાયૉક્સાઇડ વિખૂટો પડે છે. પેશીમાંના કુલ કાર્બન-ડાયૉક્સાઇડના 23 % ભાગનું આ રીતે વહન થાય છે અને બાકીના મોટાભાગનું વહન રુધિરપ્રરસમાં બાયકાર્બોનેટ આયન(HCO)ના રૂપમાં થતું હોય છે, એક ગણતરી પ્રમાણે એક રક્તકોષમાં 2,800 લાખ જેટલા હીમોગ્લોબિનના અણુઓ હોય છે. હીમોગ્લોબિનના અણુઓ નાના હોય છે અને તેથી તેમને રક્તકોષની પોટલીમાં રખાય છે. જો તે રુધિરપ્રરસમાં છૂટા હોત તો તે મૂત્રપિંડમાંથી ગળાઈને શરીરની બહાર મૂત્રમાં વહી જાત. બેઉ બાજુથી અંતર્ગોળ સપાટીને કારણે રક્તકોષની સપાટી વધે છે તથા સાંકડી નસોમાંથી રક્તકોષો વળીને વહી જઈ શકે છે.

રક્તકોષોનું આયુષ્ય 120 દિવસનું છે. પુખ્ત વયે પુરુષોમાં દર મિલી. લોહીમાં 540 લાખ રક્તકોષો હોય છે. સ્ત્રીઓમાં આ સંખ્યા 480 લાખ જેટલી છે. તેમની આ સંખ્યા જાળવવા માટે શરીરમાં દર સેકન્ડે 20 લાખ જેટલા નવા રક્તકોષો બને છે. પુખ્તવયની વ્યક્તિમાં વક્ષાસ્થિ (sternum), કરોડના મણકાની કાય તથા જંઘાસ્થિ તથા ભુજાસ્થિના નજીકના છેડે આવેલા છિદ્રાળુ હાડકામાંની રક્ત અસ્થિમજ્જામાં તે બને છે. રક્તકોષના ઉત્પાદનને રક્તકોષપ્રસર્જન (erythropoiesis) કહે છે. રુધિરબીજકોષમાંથી સૌપ્રથમ પ્રાભિરક્તબીજકોષ બને છે. તેમાંથી અનુક્રમે પ્રારંભી રક્તબીજકોષ (early erythroblast), અંતરાલીય (intermediate) રક્તબીજકોષ તથા અંતિમ રક્તબીજકોષ બને છે. સામાન્ય પ્રકારના રક્તકોષના ઉત્પાદન વખતે પ્રારંભી રક્તબીજકોષને સમરૂપ-બીજકોષ (normoblast) તથા અંતરાલીય અને અંતિમ રક્તબીજકોષને અનુક્રમે પ્રારંભી (early) અને અંતિમ (late) સમરૂપકોષ (normocyte) પણ કહે છે. અંતિમ સમરૂપકોષમાંથી તનુતન્ત્વીકોષ (reticulocyte) બને છે. તે એક દિવસ અસ્થિમજ્જામાં, 2 દિવસ બરોળમાં અને ચોથે દિવસે લોહીમાં જોવા મળે છે. તેમાંથી પુખ્ત રક્તકોષ બને છે. તનુતન્ત્વીકોષ બને ત્યારે તેમાંનું કોષકેન્દ્ર બહાર ફેંકાઈ જાય છે. તનુતન્ત્વીકોષની લોહીમાંની સંખ્યા જાણવાથી રક્તકોષના ઉત્પાદનનો દર જાણી શકાય છે. વૃદ્ધ થયેલા રક્તકોષો બરોળ અને યકૃતના તનુતન્ત્વી અંતશ્છદીય કોષો(reticulo-endothelial cells)માં નાશ પામે છે. ત્યાં હીમોગ્લોબિનને છૂટું પડાય છે. તેમાંના લોહતત્વનો ફરી ઉપયોગ થાય છે, જ્યારે અન્ય દ્રવ્ય પર ચયાપચયી પ્રક્રિયા થાય છે.

આકૃતિ 2 : (અ) સામાન્ય સ્થિતિ, (આ) શોથજન્ય સ્થિતિ લોહીની નસોમાં સામાન્ય સંજોગોમાં અને શોથગત (inflammatory) સંજોગોમાં લોહીનું વહન.

રક્તકોષોના નાશ અને તેમના ઉત્પાદનની પ્રક્રિયા એકસરખી હોય છે. જો પેશીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટે (દા.ત., પર્વતની ઊંચાઈ પર વસવાટ હોય કે લોહીમાં હીમોગ્લોબિનની ઊણપ થાય) તો ઑક્સિજનનું વહન વધારવા માટે રક્તકોષનું ઉત્પાદન (પ્રસર્જન) વધારવું પડે. તે માટે મૂત્રપિંડમાંથી વૃક્કીય રક્તકોષપ્રસર્જક ઘટક (renal erythropoietin factor) નામનો એક ઉત્સેચક લોહીમાં પ્રવેશે છે, જે લોહીમાંના એક પ્રોટીનને રક્તકોષપ્રસર્જક (eryhropoietin) નામના દ્રવ્યમાં ફેરવે છે. આ દ્રવ્ય અસ્થિમજ્જામાં રક્તકોષનું ઉત્પાદન વધારે છે. રક્તકોષના ઉત્પાદનમાં પ્રોટીન, લોહતત્વ તથા ફૉલિક ઍસિડ અને વિટામિન બી-12 જેવા પ્રજીવકોનું ઘણું મહત્વ છે. તેની ઊણપમાં રક્તકોષોની સંખ્યા અને હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે. તેને પાંડુતા (anaemia) કહે છે. વિટામિન બી-12ના અવશોષણ માટે જઠરમાં અંતર્ગત ઘટક (intrinsic factor) નામનું એક દ્રવ્ય ઝરે છે. તેની ખામી પણ પાંડુતા કરે છે. પાંડુતા થવાનાં અનેક કારણો હોય છે. (જુઓ પાંડુતા).

શ્વેતકોષો (white blood cells, leucocytes) : લોહીના સફેદ કોષોમાં કોષકેન્દ્ર હોય છે અને તેમાં હીમોગ્લોબિન હોતું નથી. તેમાં મુખ્ય 2 જૂથના કોષો આવેલા છે – કણિકા(granules)વાળા કણિકાકોષો (granulocytes) અને કણિકા વગરના અકણિકાકોષો (agranulocytes). કણિકાકોષો લાલ અસ્થિમજ્જામાં બને છે. તેમના 3 પ્રકાર છે : તટસ્થરાગી (neutrophil) કે બહુરૂપકેન્દ્રી (polymorph) કોષો, ઇયોસિનરાગી (eosinophil) તથા બેઝોરાગી (basophil) કોષો. કોષોનું અભિરંજન (staining) કરવામાં આવે ત્યારે તેમાંની કણિકાઓ જે પ્રકારનો રંગ સ્વીકારે તે પ્રમાણે તેમને ઇયોસિનરાગી, બેઝોરાગી કે તટસ્થરાગી કોષો કહેવામાં આવે છે. તટસ્થરાગી કોષોના (કોષ)કેન્દ્રમાં 3થી 5 કે વધુ ખંડિકાઓ હોય છે; તેથી તેમને બહુરૂપકેન્દ્રી કોષો પણ કહે છે. તટસ્થરાગી તથા ઇયોસિનરાગી કોષો સહેજ મોટા હોય છે અને તેમનો વ્યાસ 10થી 12 માઇક્રોમીટરનો હોય છે. જ્યારે બેઝોરાગી કોષોનો વ્યાસ 8થી 10 માઇક્રોમીટર જેટલો હોય છે. અકણિકાકોષોના જૂથમાં લસિકાકોષો (7થી 15 માઇક્રોમીટર વ્યાસ) તથા એકકેન્દ્રી કોષો(14થી 19 માઇક્રોમીટર વ્યાસ)નો સમાવેશ થાય છે. તેઓ અસ્થિમજ્જા તથા લસિકાભ પેશીમાં વિકસે છે અને તેમનું કોષકેન્દ્ર ગોળ હોય છે તથા કોષરસમાં કણિકાઓ હોતી નથી.

શ્વેતકોષો શરીરમાં પ્રવેશતા અને ચેપ કરતા સૂક્ષ્મજીવોનું કોષભક્ષણ (phagocytosis) કરવાનું અથવા પ્રતિરક્ષાલક્ષી રસાયણો (પ્રતિદ્રવ્યો, antibodies) બનાવીને તેમનો નાશ કરવાનું કાર્ય કરે છે. તટસ્થરાગી કોષો અને એકકેન્દ્રી કોષો કોષભક્ષણના કાર્યમાં સક્રિય હોય છે. તેઓ સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરીને પોતાના ઉત્સેચકો વડે પાચન કરી નાંખે છે; તેથી જ્યારે પણ જીવાણુઓ દ્વારા કોષોને ઈજા પહોંચે ત્યારે પ્રથમ પ્રતિભાવરૂપે તટસ્થરાગી શ્વેતકોષો ત્યાં પહોંચે છે. તેઓ પ્રથમ હરોળના સૈનિકો જેવું કાર્ય કરે છે. તેઓ તે ઉપરાંત વિલયનકારી ઉત્સેચકો(lysozymes)નું ઉત્પાદન કરીને તેમનું વિસ્રવણ કરે છે. આ રીતે પણ જીવાણુઓનો નાશ કરે છે. એકકેન્દ્રી કોષો જીવાણુવાળા સ્થાને પહોંચતાં થોડો વધુ સમય લે છે; પરંતુ જ્યારે તે ત્યાં પહોંચે છે ત્યારે તે વધુ પ્રમાણમાં જીવાણુઓને મારે છે. જે એકકેન્દ્રી કોષો પેશીમાં પ્રવેશીને આ કાર્ય કરતા હોય તેમને ચલનશીલ મહાભક્ષી કોષો (wandering macrophages) કહે છે. તેઓ જીવાણુઓને કારણે જો કોષોને ઈજા થઈ હોય તે કોષકચરાને પણ દૂર કરે છે. પેશીમાં જ્યારે ચેપ લાગે ત્યારે ઈજાગ્રસ્ત કોષોમાંથી કેટલાંક રસાયણો ઝમે છે. તેઓ ભક્ષકકોષો(phagocytes)ને આકર્ષે છે. આવાં દ્રવ્યોને કોષાકર્ષક ઘટકો (chemotactic factors) કહે છે અને આ ક્રિયાને રાસાયણિક કોષાકર્ષણ (chemotaxis) કહે છે. પેશીમાં પ્રવેશવા માટે શ્વેતકોષો કેશવાહિનીઓમાંનાં છિદ્રોમાંથી તથા કોષો વચ્ચેની સાંકડી જગ્યામાંથી વાંકાચૂકા થઈને બહાર સરકી શકે છે. આવી ચલનક્ષમતાને પારપાદતા (diapedesis) કહે છે. અમીબા નામનો સૂક્ષ્મજીવ પણ આવી રીતે ગતિ કરે છે. તેમાં સૌપ્રથમ કોષના બહારના આવરણરૂપની કોષકલા એક છદ્મપાદ (pseudopodium)ના રૂપે લંબાય છે અને તેમાં પાછળથી કોષરસ અને કોષકેન્દ્ર પણ વહે છે. બાકીની કોષકલા પણ તેની સાથે ખેંચાઈને આવે છે. આમ કોષ કોઈ એક દિશામાં ગતિ કરે છે. ઇયોસિનરાગી કોષો મુખ્યત્વે વિષમોર્જા (allergy) સાથે સંબંધિત હોય છે. તેઓ પણ છિદ્ર દ્વારા નસની બહાર સરકે છે અને તેમાંની કણિકાઓમાંના ઉત્સેચકો પ્રતિ-હિસ્ટામિનની માફક વર્તીને ઍલર્જી કરતા પ્રતિજન-પ્રતિદ્રવ્ય સંકુલોનો નાશ કરે છે. તેઓ કદાચ કોષભક્ષણ પણ કરે છે. બેઝોરાગી કોષો ઍલર્જિક પ્રતિક્રિયાઓમાં ભાગ લે છે. તેઓ પેશીમાં પ્રવેશીને કાર્ય કરે છે ત્યારે હિસ્ટામિન, હિપેરિન અને સીરૉટૉનિન જેવાં રસાયણોનું ઉત્પાદન કરે છે. આ સમયે આ કોષોને દંડિકાકોષ (mast cell) કહે છે.

લસિકાકોષો રોગપ્રતિકારની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે, તેઓ રોગપ્રતિકારની ક્રિયા (પ્રતિરક્ષા, immunity) કરે છે. તે બે પ્રકારની છે : કોષીય (cellular) અને રાસાયણિક (humoral). તેથી મુખ્ય બે પ્રકારના લસિકાકોષો હોય છે  ‘ટી’ અને ‘બી’ કોષો. વક્ષસ્થ ગ્રંથિ(thymus)માં વિકાસ પામતા કોષોને ‘ટી’ કોષો કહે છે અને તે કોષીય પ્રતિરક્ષામાં સક્રિય હોય છે; જ્યારે અસ્થિમજ્જા(bone marrow)માં વિકાસ પામતા લસિકાકોષોને ‘બી’ કોષો કહે છે. તેઓ પ્રરસ કોષો(plasma cells)માં રૂપાંતરિત થાય છે અને પ્રતિદ્રવ્યો (antibodies) અથવા પ્રતિરક્ષાલક્ષી ગોલનત્રલ (immunoglobulin) પ્રકારના પ્રોટીનના અણુઓ બનાવે છે. આ પ્રતિદ્રવ્યો બાહ્ય સૂક્ષ્મજીવ કે ઝેરમાંના પ્રોટીન સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય કરે છે. આ પ્રક્રિયાને પ્રતિજન-પ્રતિદ્રવ્ય પ્રતિક્રિયા (antigen-antibody reaction) કહે છે. આમ રસાયણોની મદદથી રોગપ્રતિકાર થતો હોવાથી તેને રાસાયણિક પ્રતિરક્ષા કહે છે.

લોહીનું પરીક્ષણ કરવામાં આવે ત્યારે બધા જ શ્વેતકોષોને એકસાથે ગણીને કુલ શ્વેતકોષ-સંખ્યા(total white cell count)ના રૂપે દર્શાવાય છે. તે સામાન્ય મનુષ્યમાં 4,000થી 10,000 પ્રતિ મિમી. લોહીના જેટલી હોય છે. ચેપ લાગે ત્યારે તેની સંખ્યામાં વધારો થાય છે. જો કોઈ કારણસર શ્વેતકોષોની સંખ્યા ઘટે તો દર્દીને ચેપ લાગવાની સંભાવના વધે છે. તેને ચેપવશ્યતા કહે છે. બધા શ્વેતકોષોની કુલ સંખ્યા દર્શાવ્યા પછી તેના પાંચેય પ્રકારોનું વિશિષ્ટ પ્રમાણ દર્શાવવા માટે વિભેદિત સંખ્યાગણન (differential count) કરાય છે. તેમાં તેમને ટકાવારીના રૂપે દર્શાવાય છે. કુલ શ્વેતકોષોના 100 % ગણવામાં આવે તો તટસ્થરાગી કોષો 60 %થી 70 %, ઇયોસિનરાગી કોષો 2 %થી 4 %, બેઝોરાગી કોષો 0.5 %થી 1 %, લસિકાકોષો 20 %થી 25 % તથા એકકેન્દ્રી કોષો 3 %થી 8 % હોય છે.

શ્વેતકોષોનો જીવનકાળ થોડાક કલાકો(જો જીવાણુજન્ય ચેપ લાગેલો હોય તો)થી માંડીને થોડાક દિવસો (સામાન્ય સ્થિતિ) સુધીનો હોય છે. રક્તકોષો અને શ્વેતકોષોની સંખ્યાનો ગુણોત્તર 700 : 1 હોય છે. જો શ્વેતકોષોની સંખ્યા વધે તો તેને શ્વેતકોષ-અધિકતા (leucocytosis) કહે છે. (10,000/ઘન મિમી.થી વધુ) અને જો તે ઘટે તો તેને શ્વેતકોષ-અલ્પતા (leucopenia) કહે છે. (4,000/ઘન મિમી.થી ઓછી). જો કણિકાકોષો ઘટે તો તેને કણિકાકોષ-અલ્પતા (granulocytopenia) અથવા અલ્પકણિકાકોષિતા (agranulocytosis) કહે છે. તે સમયે જીવનને જોખમી ચેપ લાગવાની સંભાવના વધે છે. અસ્થિમજ્જામાંના મજ્જાભબીજકોષ (myeloblast)માંથી ક્રમશ: પ્રાભિમજ્જાભકોષ (promyleocyte), પરામજ્જાભકોષ (metamyelocyte), મજ્જાભકોષ (myelocyte), કેન્દ્રપટ્ટકોષ (band cell) અને પુખ્ત તટસ્થરાગી, ઇયોસિનરાગી તથા બેઝોરાગી શ્વેતકોષો બને છે. તેવી જ રીતે એકકેન્દ્રી બીજકોષ (monoblast) અને લસિકાબીજકોષ(lymphoblast)માંથી પુખ્ત કોષો રૂપે અનુક્રમે એકકેન્દ્રી કોષ અને લસિકાકોષ બને છે. આ કોષશ્રેણીઓમાંના વચલા સ્તરના કોષોરૂપે પ્રાભિએકકેન્દ્રી કોષ (promonocyte) તથા પ્રાભિલસિકાકોષ (prolymphocyte) હોય છે.

ગંઠનકોષો (thrombocytes) અથવા ત્રાકકોષો (platelets) : રુધિરબીજકોષ (haematocytoblast)માંથી લાલ(રક્ત)કોષો તથા સફેદ(શ્વેત)કોષો ઉપરાંત ગંઠનકોષો પણ બને છે. રુધિરબીજકોષમાંથી વિભેદિત થઈને મહાકેન્દ્રી બીજકોષ (megakaryoblast) બને છે, જેમાંથી મહાકેન્દ્રી કોષ (megakaryocyte) બને છે. તે એક મોટા કદનો કોષ છે અને તેના કોષરસના ટુકડા છૂટા પડે છે. આ છૂટા પડેલા કોષરસના ટુકડાઓને કોષકલા(cell membrane)નું આવરણ મળતાં તે કોષકેન્દ્ર વગરના કોષ બને છે, જેને ગંઠનકોષ અથવા ત્રાકકોષ કહે છે. તે ચપટા અને નાની તાસક (plate) જેવા કોષો છે અને તેમનો વ્યાસ 2થી 4 માઇક્રોમીટર જેટલો હોય છે.

સામાન્ય રીતે નસોમાં વહેતા લોહીમાંના ત્રાકકોષો ઋણભાર ધરાવે છે અને તેવી રીતે નસની અંદરની દીવાલ પર આવરણ બનાવતું અંતશ્છદ (endothelium) નામનું સ્તર પણ ઋણભાર ધરાવે છે. માટે તેમની વચ્ચે અપાકર્ષણ રહે છે અને ગંઠનકોષો (ત્રાકકોષો) નસની દીવાલ પર ચોંટતા નથી. જ્યારે પણ નસ કપાય ત્યારે તેમાંથી લોહી વહે છે. ઈજાને કારણે અંતશ્છદના આવરણમાં પણ છેદ પડે છે. તેની સપાટી ખરબચડી બને છે અને તેનો ઋણભાર જતો રહે છે. તેથી તે સ્થળે ગંઠનકોષો ચોંટે છે. આ રીતે ગંઠનકોષોના ગઠ્ઠા બને છે. તેને કારણે તેમનું બંધારણ ક્ષતિગ્રસ્ત થાય છે તથા તેમાંના લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ, clot) બનાવતા ઘટકો લોહીના રુધિરપ્રરસમાં છૂટા પડે છે. જો નસમાંનો છેદ નાનો હોય તો રુધિરગુલ્મનની એટલે કે રુધિરગંઠનની ક્રિયા (blood coagulationની પ્રક્રિયા) વગર જ ગંઠનકોષોના ગઠ્ઠાથી જ તે છેદ પુરાઈ જાય છે, પરંતુ જો છેદ મોટો હોય તો ગંઠનકોષમાંના 4 ગુલ્મન- ઘટકો અથવા ગંઠકઘટકો (coagulation factors) – pf1, pf2, pf3 અને pf4 ગુલ્મનની ક્રિયાના આંતરિક પથ માટેના 7 ગુલ્મનઘટકો અથવા ગંઠકઘટકો (IV, V, VIII, IX, X, XI અને XII) સાથે ક્રમિક રાસાયણિક પ્રક્રિયાઓ કરીને આંતરિક ગંઠિલકારક (intrinsic thromboplastin) બનાવે છે. લોહીના પ્રરસમાં પૂર્વગંઠિલ (prothrombin) નામનું દ્રવ્ય હોય છે. પૂર્વગંઠિલનું આંતરિક ગંઠિલકારક વડે ગંઠિલ(thrombin)માં રૂપાંતર થાય છે. તે સમયે રુધિરગુલ્મનના 4 ઘટકો (IV, V, VII અને X) પણ સક્રિય હોય છે. લોહીમાં તન્વિલજનક (fibrinogen) નામનું દ્રવ્ય હોય છે, જે ગંઠિલ તથા ગુલ્મનઘટકો(IV અને XIII)ની હાજરીમાં રુધિરતન્વિલ અથવા તન્વિલ(fibrin)માં રૂપાંતરિત થાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં કૅલ્શિયમના આયનોની જરૂર પડે છે. તન્વિલ તંતુમય (તાંતણા જેવું) હોય છે અને તેની જાળીમાં લોહીના કોષો ફસાય છે. ગંઠિલ તન્વિલના ઉત્પાદન ઉપરાંત ગંઠનકોષોમાંથી વધુ ગુલ્મનઘટકોને મુક્ત કરે છે તથા તેમને એકબીજા સાથે ચોંટાડે છે. આમ તન્વિલની જાળીમાં ચોંટેલા લોહીના રક્તકોષો, શ્વેતકોષો તથા ગંઠનકોષો લોહીનો ગઠ્ઠો (clot) બનાવે છે. આ પ્રક્રિયાને લોહીનું ગંઠાવું (રુધિરગંઠન, blood clotting) અથવા રુધિરગુલ્મન (blood coagulation) કહે છે.

ગંઠનકોષોનો જીવનકાળ 5થી 9 દિવસ છે, પણ લોહી વહે તેવી સ્થિતિમાં તે ઘટીને થોડા કલાકો જેટલો થઈ જાય છે. 1 ઘન મિલિમીટર લોહીમાં 1.5થી 4.5 લાખ ગંઠનકોષો હોય છે. તેમનું ઉત્પાદન લાલ અસ્થિમજ્જામાં થાય છે.

રુધિરપ્રરસ (blood plasma) : લોહીમાંથી કોષોને દૂર કર્યા પછી જે પ્રવાહી રહે તેને રુધિરપ્રરસ અથવા પ્રરસ (plasma) કહે છે. તે લોહીના કુલ કદના 55 % જેટલું કદ ધરાવે છે. તેમાં પાણી તથા વિવિધ દ્રાવ્ય પદાર્થો (solutes) હોય છે. પાણીનું પ્રમાણ 91.5 % હોય છે, જ્યારે 8.5% જેટલા દ્રાવ્ય પદાર્થો હોય છે. મોટાભાગનું પાણી (90 %) પાચનમાર્ગમાંથી અવશોષિત થયેલું હોય છે, જ્યારે 10 % પાણી પેશીમાં થતા કોષોના શ્વસન વખતે ઉત્પન્ન થયેલું હોય છે. તે દ્રવ્યો અને કોષોના વાહક તરીકે, વિવિધ રસાયણોના દ્રાવક તરીકે કે નિલંબન માધ્યમ (suspending medium) તરીકે તથા ઉષ્માના અવશોષક અને વાહક તરીકે કાર્ય કરે છે. પ્રરસમાંનાં રાસાયણિક દ્રવ્યોમાં વિવિધ પ્રકારનાં પ્રોટીનો (નત્રલો), અનત્રલીય નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો, આહારી દ્રવ્યો, નિયમનકારી રસાયણો, શ્વસનજન્ય વાયુઓ તથા વીજવિભાજ્યો (electrolytes) હોય છે. લોહીમાંનાં મુખ્ય પ્રોટીનો છે  શ્વેતનત્રલ (albumin), ગોલનત્રલ (globulin),  તન્વિલજનક (fibrinogen) તથા અન્ય પ્રકારનાં પ્રોટીનો. આલ્બ્યુમિનનું કદ સૌથી નાનું છે. તે યકૃતમાં ઉત્પાદિત થાય છે અને લોહીને તેની શ્યાનતા (viscosity) આપે છે. તે લોહીનું દબાણ જાળવવામાં પણ મદદ કરે છે. તેની હાજરીને કારણે આસૃતિદાબ (osmotic pressure) ઉદભવે છે, જે લોહી તથા પેશીમાંના પાણીના કદનું નિયમન કરે છે. ગ્લોબ્યુલિનના વિવિધ પ્રકારો છે  આલ્ફા, બીટા, ગૅમા. તેમાંના ગૅમા પ્રકારના ગ્લોબ્યુલિનના અણુઓ (38 %) રોગપ્રતિકાર માટે સક્રિય પ્રતિદ્રવ્યો (antibodies) રૂપે કાર્ય કરે છે, માટે તેમને પ્રતિરક્ષા-ગોલનત્રલો (immunoglobulins) પણ કહે છે. નસ કપાય અને લોહી વહે ત્યારે ત્યાં લોહીનો ગઠ્ઠો કરતા વિવિધ ગુલ્મનકારક (ગંઠનકારક) ઘટકો તથા તન્વિલજનક (fibrinogen) પણ લોહીમાં હોય છે.

શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓને ચયાપચય (metabolism) કહે છે. તે વખતે અવશિષ્ટ દ્રવ્યો ઉત્પન્ન થાય છે; જેમ કે, યુરિયા, યુરિક ઍસિડ, ક્રિયેટિન, ક્રિયેટિનિન તથા એમીનોપિય ક્ષારો. આ બધાં અનત્રલીય નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો છે. તેમનું વહન રુધિરપ્રરસમાં થાય છે. પાચન પામેલાં અને અવશોષાયેલાં આહારી દ્રવ્યો એમીનો ઍસિડ, ગ્લુકોઝ, મેદ-અમ્લો, ગ્લિસેરૉલ, વિવિધ વિટામિનો (પ્રજીવકો) પણ લોહીના પ્રરસ દ્વારા વહન પામે છે. વળી અગાઉ દર્શાવ્યું છે તે પ્રમાણે શ્વસનક્રિયાથી વાયુઓ  ઑક્સિજન અને અંગારવાયુ  પણ અમુક અંશે ઓગળીને વહન પામે છે. જોકે તેમની મુખ્ય વહનપ્રક્રિયા રક્તકોષોમાંનું હીમોગ્લોબિન કરે છે. સોડિયમ, પોટૅશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ ક્લોરાઇડ, ફૉસ્ફેટ, સલ્ફેટ, બાયકાર્બોનેટ વગેરે આયનોનું પણ લોહી વહન કરે છે. તે લોહી અને પેશીઓનું pH મૂલ્ય તથા તેમના પ્રવાહીઓના આસૃતિદાબનું નિયમન કરવામાં મદદરૂપ હોય છે.

રુધિરકોષગણન : લોહીના રક્તકોષો, શ્વેતકોષો તથા ગંઠનકોષોની સંખ્યા જાણવી રોગનિદાન તથા સ્વાસ્થ્ય-નિશ્ચયન માટે ઘણી જરૂરી ગણાય છે. દર 1 ઘન મિલિમીટર લોહીમાં 45થી 54 લાખ રક્તકોષો હોય છે; જેમાંના 0.8થી 1.5 % તનુતંત્વી કોષો (reticulocytes) હોય છે. કોષકેન્દ્ર વગરના આ કોષો અસ્થિમજ્જામાં બને છે અને 1 દિવસ ત્યાં રહે છે. ત્યારબાદ તે 2 દિવસ બરોળમાં અને 1 દિવસ શરીરમાં ફરતા લોહીમાં રહે છે. અંતે તે પુખ્ત રક્તકોષમાં પરિવર્તિત થાય છે. તેમની સંખ્યા જાણવાથી રક્તકોષોનો ઉત્પાદનદર કેટલો છે તે સમજી શકાય છે. તેમને ‘ટકા’ના રૂપમાં દર્શાવાય છે; તેથી ખરેખરી સંખ્યા જાણવા માટે પુખ્ત રક્તકોષોની સંખ્યા અથવા રુધિરઘનકોષ પ્રમાણ (haematocrit) જાણી લઈને ગણતરી કરી શકાય છે. સામાન્ય માણસમાં દર ઘન મિલિમીટર લોહીમાં તેની સંખ્યા 40,000 જેટલી હોય છે. રક્તકોષો અંગેની માહિતી મેળવવા માટે એક વધુ પદ્ધતિ પણ છે. તે છે રુધિર ઘનકોષપ્રમાણ (haematocrit) અથવા ઘટ્ટ રુધિરકોષ કદ (packed cell volume, PCV) જાણવું તે. લોહીને કસનળીમાં ભરીને અતિશય ઝડપે ગોળ ગોળ ફેરવવાથી લોહીનાં ઘનદ્રવ્યો (કોષો) નીચે તરફ જમા થાય છે. તેમનું પ્રમાણ સ્ત્રીઓમાં 42 % અને પુરુષોમાં 47 % જેટલું (એકંદર 45 %) હોય છે. રક્તકોષોની સંખ્યા ઘટે કે વધે ત્યારે PCV પણ ઘટે કે વધે છે. જો તે 55 %થી વધુ હોય તો બહુકોષરુધિરતા (polycythaemia) નામનો રોગ થયો હોવાની સંભાવના છે. ઊંચાઈ પર રહેતી વ્યક્તિમાં પણ તેમની સંખ્યા વધે છે.

શ્વેતકોષોની સંખ્યા ગણવામાં મુખ્ય 2 પદ્ધતિઓ છે – એક પદ્ધતિમાં બધા જ શ્વેતકોષોની ઘનમિલિમીટર લોહીમાં કુલ કેટલી સંખ્યા છે તે જાણવી (4,000થી 10,000 / ઘન મિમી.) અને બીજી પદ્ધતિ છે કયા પ્રકારના શ્વેતકોષોનું કેટલું પ્રમાણ છે તે જાણવું. તેને વિભેદન-ગણન (differential count) કહે છે અને તેમાં શ્વેતકોષોના વિવિધ પ્રકારોની સંખ્યા ટકામાં દર્શાવાય છે. (સારણી 1). કોઈ એક પ્રકારના શ્વેતકોષોની ખરેખરી સંખ્યા કાઢવા યથાર્થ ગણન (absolute count) કરવા માટે આ ટકાવારી તથા કુલ શ્વેતકોષોની સંખ્યાનો ગુણાકાર કરાય છે. જુદા જુદા રોગોમાં જુદા જુદા પ્રકારના કોષોની સંખ્યા વધે છે. તટસ્થરાગી શ્વેતકોષોના (કોષ)કેન્દ્રમાં ખંડિકાઓ (lobes) હોય છે. કોષકેન્દ્રની ખંડિકાઓ કેટલી છે (2, 3, 4, 5 કે વધુ) તેના આધારે કોષોનું વિભાજન કરીને તેમનું ગણન કરાય છે. તેને આર્થર કુકનું ગણન (Arther Cook Count) અથવા કેન્દ્રખંડિકાગણન કહે છે. તેનો આલેખ દોરવામાં આવે છે. જો ઓછી ખંડિકાવાળા કોષો વધુ હોય તો આલેખ ડાબી બાજુ ખસે છે તેને વામસ્થ આલેખ (shift to left) કહે છે, જે તીવ્ર ચેપમાં જોવા મળે છે. જો વધુ ખંડિકાઓવાળા કોષો વધુ હોય તો આલેખ જમણી બાજુ ખસે છે. તેને દક્ષિણસ્થ આલેખ (shift to right) કહે છે. તે વિટામિન B12ની ઊણપ હોય ત્યારે જોવા મળે છે. ગંઠનકોષોને સૂક્ષ્મદર્શક વડે ગણવામાં આવે છે.

રુધિરવિકલ્પ (blood substitute) : લોહીની ઑક્સિજનવહન-ક્ષમતાનું કાર્ય કરી શકે તેવાં દ્રવ્યોની મદદથી શરીરમાં હીમોગ્લોબિનની ઊણપમાં તાત્કાલિક કાર્ય કરી શકાય તે માટેનાં સંશોધનો થઈ રહ્યાં છે. તેના માટે હીમોગ્લોબિન-વિકલ્પ સંજ્ઞા યોગ્ય છે. તેમનો ઉપયોગ કાર્બન મૉનૉક્સાઇડની ઝેરી અસર, દાત્રકોષિતા (sickle cell anaemia), લકવો કે હૃદયરોગનો હુમલો તથા દાઝી જવાની સ્થિતિમાં થઈ શકે. જો આ પ્રયોગો સફળ થાય તો લોહી આપવાથી ઉદભવતાં જોખમો ઘટાડી શકાય. હાલ ફ્લ્યૂઓસોલ-ડી તથા અન્ય રસાયણો પર આવા પ્રયોગો ચાલે છે.

શિલીન નં. શુક્લ

અશ્વિન ન. પટેલ