રુધિરવર્ગો (blood groups) : પ્રતિરક્ષાવિદ્યા(immunology)ને આધારે જુદા જુદા પ્રકારના રક્તકોષોને કારણે બનતાં રુધિરનાં જુદાં જુદાં જૂથો. એક પ્રાણીના લોહીને બીજા પ્રાણીના લોહી સાથે ભેળવવામાં આવે તો તેમાંના રક્તકોષો પુંજીકૃત (agglutinated) થઈને ગઠ્ઠા (clumps) બનાવે છે. તેવી જ રીતે એક જ પ્રકારનાં પ્રાણીઓ(દા.ત., માણસો)માં વિવિધ પ્રકારના રુધિરવર્ગો હોવાને કારણે જુદા જુદા રુધિરવર્ગના, પણ એક જ પ્રકારનાં પ્રાણીઓના લોહીને એકબીજાં સાથે ભેળવવામાં આવે ત્યારે પણ તેવું જ બની શકે છે. માણસના રક્તકોષો પર વિવિધ પ્રકારના પ્રોટીનના અણુઓ આવેલા હોય છે. તેમાંથી કેટલાક પ્રતિરક્ષાજનક (antigenic) હોય છે. તેમના વડે તે રક્તકોષ આ શરીરનો છે એમ શરીર ઓળખી શકાય છે. પ્રોટીનનો અણુ પોતાનો કે પારકો છે તે જાણી શકવાની ક્ષમતા જ પ્રતિરક્ષા(immunity)ના પાયામાં છે. તેને કારણે પોતાનાનો સ્વીકાર અને ‘પારકા’નો અસ્વીકાર કરી શકાય છે. આવા અનેક પ્રકારના પ્રોટીન અણુઓ છે અને તેને આધારે વિવિધ પ્રકારની રુધિરવર્ગ-પ્રણાલીઓ (blood group systems) બને છે. તેમાંથી સૌથી વધુ મહત્વની પ્રણાલીઓ છે : ABO પ્રણાલી અને Rh પ્રણાલી. સામાન્ય રીતે જે તે પ્રણાલી પ્રમાણે રક્તકોષ પર કોઈ એક વર્ગના પ્રતિરક્ષાલક્ષી પ્રોટીન અણુ હોય તો તેના રુધિરરસ(serum)માં અન્ય વર્ગના અણુઓ સાથે પુંજીકરણ કરે તેવા વિરુદ્ધ અણુઓ હોય છે. આને લૅન્ડ સ્ટેનર(Landsteiner)નો નિયમ કહે છે.
તેમને અનુક્રમે પ્રતિજન (antigen) અથવા પુંજજનક (agglutinagen) તથા પ્રતિદ્રવ્ય (antibody) અથવા પુંજજનિકા (agglutinin) કહે છે. તેથી ‘એ’ વર્ગના રક્તકોષોવાળા લોહીના રુધિરરસમાં ‘બી’ વર્ગના રક્તકોષો સાથે પુંજીકરણ કરતા પુંજજનિકાના અણુ હોય છે. તેવી રીતે ‘બી’ વર્ગના રક્તકોષોવાળા રુધિરના રુધિરરસમાં ‘એ’ વર્ગના રક્તકોષો સાથે પુંજીકરણ કરતા પુંજજનિકાના અણુઓ હોય છે. તેથી ‘એ’ વર્ગના લોહી સાથે ‘બી’ વર્ગનું લોહી ભેળવવામાં આવે ત્યારે સામસામેના પુંજજનિકાના અણુઓ રક્તકોષોનું પુંજીકરણ કરીને તેના માટે વ્યક્તિનું રુધિરવર્ગ જાણવા માટે તેને જાણીતા રુધિરવર્ગવાળા લોહી સાથે ભેળવીને ગઠ્ઠા બનાવી દે છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિને બીજી વ્યક્તિનું લોહી ચડાવવાનું હોય ત્યારે તેના રક્તકોષોનો વર્ગ જાણી લઈને તેની સાથે તે જ વર્ગના રક્તકોષો(અથવા લોહી)ને ચડાવી શકાય છે. કોઈ વ્યક્તિનો રુધિરવર્ગ જાણવા માટે તેના રક્તકોષોને જાણીતા રુધિરવર્ગવાળા રુધિરપ્રરસ સાથે ભેળવીને પુંજીકરણ થાય છે કે નહિ તે જોવામાં આવે છે. માણસના લોહીનો રુધિરવર્ગ આખી જિંદગી નિશ્ચિત અને એક જ પ્રકારનો રહે છે કેમ કે તે અંગેના તેના રક્તકોષો પરના પુંજજનક અણુઓની હાજરીનું કારણ તેને વારસામાં મળેલાં રંગસૂત્રો (chromosomes) દ્વારા લવાયેલી માહિતી હોય છે, જેમ કે, ABO રુધિરવર્ગ પ્રણાલી અંગેની માહિતી રંગસૂત્ર–9 પર હોય છે; જ્યારે Rh રુધિરવર્ગ પ્રણાલી અંગેની માહિતી માટે રંગસૂત્ર–1 જવાબદાર હોય છે. દરેક રંગસૂત્રમાં 2 રંગસૂત્રિકાઓ (chromatins) હોય છે, જેમાંની એક તેની માતા પાસેથી અને બીજી તેના પિતા પાસેથી મળેલી હોય છે. આમ માતા અન પિતા બંને પાસેથી રુધિરવર્ગ પ્રણાલી અંગેની વારસાગત માહિતી મળે છે અને તેને આધારે સંતતિનો રુધિરવર્ગ નક્કી થાય છે.
દાખલા તરીકે ABO પ્રણાલીમાં 4 રુધિરવર્ગો છે – A, B, AB અને O. તેથી રુધિરવર્ગ Aમાં રક્તકોષ પર પુંજજનક ‘A’ અને રુધિરપ્રરસમાં પુંજજનિકા ‘પ્રતિ B’ હોય, તેવી રીતે જ રુધિરવર્ગ ‘B’માં રક્તકોષ પર પુંજજનક ‘B’ હોય અને રુધિરપ્રરસમાં પુંજજનિકા પ્રતિ A હોય. જો રુધિરવર્ગ AB હોય તો પુંજજનકો AB હોય અને કોઈ પુંજજનિકાઓ ન હોય. જ્યારે રુધિરવર્ગ Oમાં કોઈ પુંજજનક ન હોય પણ રુધિરપ્રરસમાં બંને પુંજજનિકાઓ – પ્રતિ A અને પ્રતિ B – હોય. રક્તકોષ પર આવતો પુંજજનક માતાપિતામાંથી મળતી નવમા રંગસૂત્રની એક એક રંગસૂત્રિકામાંથી હોય. હવે ધારો કે કોઈ વ્યક્તિને રુધિરવર્ગ A છે માટે તેની નવમા રંગસૂત્રની રંગસૂત્રિકાઓમાંથી એક ઉપર બીજા પર A માટેનો જનીન હોય અને બીજા પર A કે B માટેના જનીન ન હોય અથવા બંને રંગસૂત્રિકાઓ પર A માટેના જનીન હોય છે. તેવી રીતે રુધિરવર્ગ Bમાં નવમા રંગસૂત્રની રંગસૂત્રિકાઓમાંથી એક પર B રુધિરવર્ગનો જનીન હોય અને બીજી પર A કે B માટેના જનીન ન હોય અથવા બંને રંગસૂત્રિકાઓ પર B માટેના જનીનો હોય છે. AB રુધિરવર્ગમાં એક રંગસૂત્રિકા પર A અને બીજી પર B માટેના જનીનો હોય છે. O માટેનો જનીન અરૂપી (amorph) છે. તેથી તેમના જનીન-સ્વરૂપ (genotype) દર્શાવવા હોય તો A રુધિરવર્ગમાં OA (ફક્ત એક રંગસૂત્રિકા પર Aનો જનીન) અથવા AA (બંને રંગસૂત્રિકા પર Aનો જનીન); B રુધિરવર્ગમાં OB (એક રંગસૂત્રિકા પર Bનો જનીન) અથવા BB (બંને રંગસૂત્રિકાઓ પર Bનો જનીન), AB રુધિરવર્ગમાં AB (એક રંગસૂત્રિકા પર A અને બીજી રંગસૂત્રિકા પર B માટેના જનીનો) અને O રુધિરવર્ગમાં OO (બંને રંગસૂત્રિકાઓ પર A કે Bના જનીનોની ગેરહાજરી) છે એવું દર્શાવાય છે. આમ કુલ OO, AB, OA, AA, OB અને BB એમ 6 જનીનસ્વરૂપો (genotypes) છે; જેમાંથી કુલ 4 કાયસ્વરૂપો (phenotypes) બને છે – A, B, AB અને O. એટલે કે 6 પ્રકારના જનીની વારસામાંથી કુલ 4 પ્રકારના રુધિરવર્ગો બને છે. માતાપિતાના રુધિરવર્ગ પરથી સંતતિમાં કેવા પ્રકારના રુધિરવર્ગો બને છે, તે સારણી 3માં દર્શાવ્યું છે.
A અને B પુંજજનકો પ્રભાવી જનીનો (dominant genes) દ્વારા વારસામાં ઊતરે છે. સન 1900માં લૅન્ડસ્ટેનરની સંકલ્પના પરથી વારસાપ્રણાલી બર્ન સ્ટેઇન નામના ગણિતજ્ઞે 1920માં નક્કી કરી હતી.
ABO પ્રણાલીમાં પ્રતિજન (પુંજજનક) A 2 સ્વરૂપોમાં હોય છે : A1 અને A2. A2ની પ્રતિ A (પુંજજનિકા) સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે. પ્રતિજનકા A પણ 2 પ્રકારની હોય છે : પ્રતિ A1 (A1 સાથે પ્રતિક્રિયા) અને પ્રતિ A (A1 અને A2 બંને સાથે પ્રતિક્રિયા). આમ A2 પુંજજનક માટે કોઈ વિશિષ્ટ પુંજજનિકા (પ્રતિ A2) નથી. આશરે 80 % કિસ્સામાં પ્રતિ A1 રુધિરવર્ગ Aના રક્તકોષોનું પુંજીકરણ કરે છે. વળી A2 રુધિરવર્ગવાળી 1 % વ્યક્તિઓ અને A2 B ધરાવતી 25 % વ્યક્તિઓમાં પ્રતિ A1 હોય છે. આને કારણે A2 અને O રુધિરવર્ગોમાં કોઈ અન્ય પ્રતિરક્ષાલક્ષી દ્રવ્ય હોય એવું પ્રતિપાદિત થયું. તેને ‘H’ પ્રતિજન એવી સંજ્ઞા અપાઈ છે. આ ‘H’ અપૂરતો ‘A’ કે ‘B’ અણુ થતાં પહેલાંની પૂર્વાવસ્થા પણ હોઈ શકે. મુંબઈ પ્રકારના રુધિરવર્ગની સૌપ્રથમ માહિતી મુંબઈમાં થઈ તેની ABO પ્રણાલીમાં Oh એવી સંજ્ઞા અપાઈ છે. તેમાં જવલ્લે જ જોવા મળતા એક પ્રચ્છન્ન જનીન (recessive gene) hની બંને રંગસૂત્રિકાઓ પર હાજરી હોય છે. આ જનીન ABOના જનીન કરતાં અલગ પ્રકારનો છે.
આ પ્રચ્છન્ન જનીન hનો પ્રભાવી વિકલ્પીજનીન (allele) H gene છે, જે H પદાર્થ બનાવવામાં કારણરૂપ છે. આ H પદાર્થ A અથવા B પૂંજજનક બનવામાં અવસ્તરક (substrate) અણુ તરીકે કાર્ય કરે છે. મુંબઈ કાય પ્રકાર(રુધિરવર્ગ)ને Ohની સંજ્ઞાથી દર્શાવાય છે. એમાં A અથવા B પ્રકારના જે અણુના સર્જનને અસર પડે છે. તે પ્રમાણે તેને OAh અથવા OBh ની રીતે દર્શાવાય છે. કેટલાક રક્તકોષો પ્રતિ Hને બદલે પ્રતિ A કે પ્રતિ B સાથે પુંજીકરણ પ્રક્રિયા કરે છે. તેને Ah કે Bhની સંજ્ઞાથી વર્ણવાય છે અને તેવા રુધિરવર્ગને પરા-મુંબઈ (para-Bombay) રુધિરવર્ગ કહે છે.
રક્તકોષની સપાટી પરના A, B અને H અણુઓ મેદબહુશર્કરા- (lipopolysaccharide)ના બનેલા હોય છે, પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ તે દારૂ કે ક્લૉરોફૉર્મ જેવા મેદદ્રાવકોમાં ઓગળે છે. આશરે 80 % લોકોમાં તેમના જેવા જ જલદ્રાવ્ય અણુઓ વિવિધ ગ્રંથિમય પેશીઓમાં બને છે અને બહાર ઝરે છે. તેઓ જલદ્રાવ્ય શ્લેષ્મબહુશર્કરા(mucopoly- saccharide)ના અણુ હોય છે. આવી શ્લેષ્મબહુશર્કરાને લાળ, જઠરરસ તથા અન્ય શારીરિક પ્રવાહીઓમાં દર્શાવી શકાય છે. તેવી સ્થિતિને વિસ્રવણ (secretion) કહે છે અને તેવી વ્યક્તિને વિસ્રાવક (secretor) કહે છે. કેટલાક શારીરિક રોગોને વ્યક્તિની વિસ્રાવકતા સાથે સંબંધ છે એવું પણ દર્શાવાયું છે, દા.ત., જઠર કૅન્સર રુધિરવર્ગ Aના વિસ્રાવકો સાથે સંકળાયેલો રોગ છે. વિસ્રાવકતા (secretary status) ન હોવાપણા માટે Se (પ્રભાવી) અને Se (પ્રચ્છન્ન) – એમ બે પ્રકારના જનીનો પણ છે. વિસ્રાવકો SeSe અથવા Sese જનીન-સ્વરૂપ ધરાવે છે. ABO પ્રણાલી, Hh જનીન-સ્વરૂપો અને Se જનીન-સ્વરૂપની આંતરક્રિયા વડે A, B અને Oના જલદ્રાવી (પેશી પ્રવાહી) અને મેદદ્રાવી (રક્તકોષ) જોવા મળે છે, તેવું પણ દર્શાવાયેલું છે. (આકૃતિ 1).
પ્રતિ A અને પ્રતિ Bનું ઉત્પાદન કોઈ વિશિષ્ટ-જનીનીય નિયંત્રણ હેઠળ નથી; પરંતુ તે A અને B પ્રતિજન સાથેના સંસર્ગ (exposure) વડે પ્રતિરક્ષા-પ્રક્રિયા રૂપે થાય છે. A અને B પ્રતિજન જેવા અનેક અણુઓ પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિસૃષ્ટિ (આહારી દ્રવ્યો) તથા જીવાણુઓમાં હોય છે. જન્મસમયે નવજાત શિશુમાં પ્રતિ A કે પ્રતિ B હોતાં નથી, પરંતુ જન્મ પછી આહાર કે ચેપ વખતે A કે B જેવા અણુઓના સંસર્ગથી પ્રતિ A અને પ્રતિ B ઉત્પન્ન થાય છે. તેઓ Iga પ્રકારના પ્રતિરક્ષાલક્ષી રક્ષનત્રલો (globulins) છે અને તેથી વિસંગત (incompatible) લોહી ચડાવ્યા પછી, વિસંગત સગર્ભાવસ્થા પછી કે ફલૂ કે પ્લેગની રસી મૂક્યા પછી પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવરૂપે તેમનું પ્રમાણ વધે છે.
રહિસસ પ્રણાલી (Rh, Hr) : લેવાઇન અને સ્ટેટ્સને સૌપ્રથમ નોંધ્યું હતું કે ગર્ભશિશુમાં થતાં ગર્ભરક્તબીજકોષિતા (erythro-blastoris foetalis) નામના જીવલેણ રોગમાં વિસંગત અથવા કુમેળકારી લોહી ચડાવવાની ક્રિયા જ કારણરૂપ હોય છે. તેમણે દર્શાવ્યું હતું કે આમાં કારણરૂપ જે પ્રતિદ્રવ્ય છે તે રહિહ્સસ (rhesus) નામના વાંદરાના રક્તકોષને સસલામાં પ્રવેશ આપવાથી બનતા પ્રતિદ્રવ્ય જેવું જ છે. આ બંને પ્રતિદ્રવ્યો 85 % માણસોના રક્તકોષ પરના કોઈ ચોક્કસ અણુ સાથે સંયોજાય છે. તેથી તેમણે જણાવ્યું કે જે માતાના રક્તકોષો પર આ પ્રકારના અણુ ન હોય તે માતાના ગર્ભમાં જો આ અણુવાળા રક્તકોષો હોય (પિતા તરફથી મળેલો વારસો) તો તે માતામાં પ્રતિરક્ષા પ્રક્રિયારૂપે પ્રતિદ્રવ્યો બનાવી શકે જે અંતે ગર્ભશિશુના રક્તકોષોને નુકસાન કરીને તેનું મૃત્યુ નિપજાવે. માનવરક્તકોષો પરનો પ્રતિજન મૂળ RH0(D) પ્રતિજન નથી અને તેથી તેને લૅન્ડસ્ટેનર અને વાઇનરના નામ પરથી Lwની સંજ્ઞા અપાયેલી છે. વધુ સંશોધનોએ દર્શાવ્યું છે કે પ્રતિ Rhની સાથે અન્ય પ્રતિદ્રવ્યો પણ છે અને આમ આ એક સંકુલ પ્રણાલી છે. વાઇનરે (Wiener) એક જ રંગસૂત્ર પરના વિવિધ વૈકલ્પિક જનીનોની હાજરી વડે આ પ્રણાલી ઉદભવે છે, એવું વિચાર્યું હતું. હાલ તેને CDE-cde પ્રણાલીરૂપે સમજવામાં આવે છે; જે ફિશર અને રેસે સૌપ્રથમ વખત સમજાવી હતી. તેમના મતે રંગસૂત્ર 1 પર 3 એકબીજા સાથે સુસંકલિત (closely linked) જનીનો C અથવા C, D અથવા d તથા E અથવા e – વડે આ પ્રણાલી વારસાગત રીતે પેઢી દર પેઢી ઊતરે છે. આ પ્રણાલીમાં D જનીન C જનીન સાથે તથા C જનીન E જનીન સાથે સંકળાયેલો છે; પણ D જનીન E જનીન સાથે સંકળાયેલો નથી; માટે આ પ્રણાલીને CDE પ્રણાલીને બદલે DCE પ્રણાલી કહેવું વધુ યથાર્થ છે, એવું કેટલાક નિષ્ણાતોનું માનવું છે. Rh પ્રતિજનોને અંકીય પદ્ધતિ, ફિશર-રેસની પદ્ધતિ, વાઇનરની પદ્ધતિ તથા અન્ય પદ્ધતિઓ વડે દર્શાવી શકાય છે; પરંતુ વ્યવહારમાં ફિશરલેસની પદ્ધતિ(DCE)નો ઉપયોગ સરળ રહેલો છે. તેને આધારે વ્યક્તિઓને Rh+ve (રહિસસ ધારક) કે Rh–ve (રહિસસમુક્ત) એમ બે જૂથમાં વહેંચી શકાય છે. (સારણી 4)
સારણી 4નો અભ્યાસ કરતાં એ સ્પષ્ટ બને છે કે ‘D’ પ્રતિજન (Rh અથવા અંકીય પદ્ધતિમાં 1) હોય તો તે રહિસસ-ધારક (Rh+ve)ની સ્થિતિ સર્જે છે અને જો તે ન હોય (એટલે કે d, rh અથવા અંકીય પદ્ધતિમાં – 1 હોય) તો તે રહિસસમુક્ત(Rhve)ની સ્થિતિ સર્જે છે; જ્યારે પણ વિસંગત લોહી આપવામાં આવે કે વિસંગત સગર્ભાવસ્થા થાય ત્યારે Rh–પ્રતિદ્રવ્યો ઉત્પન્ન થાય છે. આ પ્રતિજનો ABO પ્રણાલીથી વિરુદ્ધ રૂપે ભાગ્યે જ કુદરતમાં જોવા મળે છે. સારણી 4માં દર્શાવ્યું છે તે પ્રમાણે, પ્રમુખ પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયા કરતો પ્રતિજન D છે. તેથી પ્રતિ D મહત્વનો પ્રતિદ્રવ્ય બને છે. તેથી જ્યાં અન્ય રીતે કોઈ સ્પષ્ટતા ન કરાઈ હોય ત્યાં Rh+veનો અર્થ D પ્રતિજનની હાજરી સૂચવે છે અને Rhveનો અર્થ D પ્રતિજનની ગેરહાજરી સૂચવે છે. જ્યારે Rhve વ્યક્તિને Rh+ve લોહી આપવામાં આવે અથવા તેવી સ્ત્રી સગર્ભા હોય અને તેનો ગર્ભ Rh+ve હોય તો પ્રતિ Rh એટલે કે પ્રતિ D પ્રતિદ્રવ્યો બને છે. ફરીથી જો તેને Rh+ve લોહી આપવામાં આવે કે Rh+ve ગર્ભ રહે તો વિસંગતતાની પ્રતિક્રિયા થાય છે. Rh પ્રતિદ્રવ્યોમાં પ્રતિ D, પ્રતિ D અને પ્રતિ C અથવા પ્રતિ D અને પ્રતિ E હોય છે. પ્રતિ D પછીનો મહત્વનો પ્રતિદ્રવ્ય પ્રતિ E છે. પ્રતિજન C અને eની પ્રતિદ્રવ્યજનકતા (immunogenicity) ઓછી છે. પ્રતિદ્રવ્ય Dનાં વિકલ્પધર્મી (variant) સ્વરૂપો પણ છે, જેમ કે, Du Rh પ્રતિદ્રવ્ય (પ્રતિ D) lgM પ્રકારનું પ્રતિરક્ષાલક્ષી ગોલનત્રલ (immunoglobulin) છે. વધુ ઉત્તેજન હોય તો IgG પ્રતિદ્રવ્ય પણ બને છે. હાલનાં સંશોધનો પ્રમાણે તે Rh પ્રણાલી રંગસૂત્ર-1 પર આવેલાં જનીનો સાથે સંકળાયેલી છે.
અન્ય રુધિરવર્ગ પ્રણાલીઓ રંગસૂત્ર 1, 2, 6, 7, 9, 19 વગેરે સાથે સંકળાયેલી વિવિધ રુધિરવર્ગ પ્રણાલીઓ પણ છે (સારણી 5), પરંતુ તેમનું વ્યાવહારિક મહત્વ ઓછું છે. ABO તથા Rh પ્રણાલીઓની ઉપર દર્શાવેલી કેટલીક મર્યાદાઓ તથા અન્ય રુધિરવર્ગ પ્રણાલીઓ ના હોવાપણાને લીધે વ્યક્તિના રુધિરના વર્ગને ABO તથા Rh પ્રણાલી પ્રમાણે નિશ્ચિત કર્યા પછી તેને જે રુધિર દાન સ્વરૂપે અપાતું હોય તે જે તે ABO તથા Rh પ્રણાલી પ્રમાણે સમાન વર્ગનું હોય તે જાણ્યા પછી ફરીથી પ્રતિ મેળ પ્રક્રિયા (cross matching) કરવામાં આવે છે. તેને લીધે અન્ય વિસંગતતાઓ (incompatibility) હોય તો તે પણ જાણી શકાય, અને તેવી વિસંગતતા હોય તો તેવું લોહી દરદીને અપાતું નથી. આમ દરદીને લોહી આપતાં પહેલાં દરદી તથા દાતાના ABO અને Rh પ્રણાલીઓ પ્રમાણે લોહીનું વર્ગીકરણ કરાય છે અને જો તે બંને સમાન હોય તો તેમને પ્રતિમેળ-પ્રતિક્રિયા માટે તપાસવામાં આવે છે; જેથી અન્ય વિસંગતતા હોય તો તે પણ જાણી લઈ શકાય.
રુધિરવર્ગપ્રણાલીઓનું મહત્વ રુધિરદાન અને લોહી વડે સારવાર કરવાની પ્રક્રિયામાં તો છે જ, પરંતુ તે ઉપરાંત તે જાણવાથી કેટલાક રોગો થવાની સંભાવના પણ જાણી શકાય છે. વળી રુધિરવર્ગ જાણવાથી બાળકનો કોણ પિતા છે તે નક્કી કરવામાં મદદ મળે છે. રુધિરવર્ગ અને પ્રતિદ્રવ્યોની વિવિધ પેશી – પ્રતિજનો – વચ્ચેની આંતરક્રિયા સમજવાનું અસ્થિમજ્જા અને અન્ય અવયવોના પ્રતિરોપણમાં ઘણું મહત્વનું છે.
શિલીન નં. શુક્લ
જયશ્રી શુક્લ