રુદ્ર ભટ્ટ (નવમી સદી) : પ્રાચીન ભારતીય આલંકારિક. રુદ્ર ભટ્ટ ‘શૃંગારતિલક’ નામના ગ્રંથના રચયિતા છે તથા ‘કાવ્યાલંકાર’ના કર્તા રુદ્રટથી ભિન્ન છે, પરંતુ બંને ગ્રંથોની પાંડુલિપિઓમાં, લેખકનાં નામોમાં ભટ્ટ રુદ્ર અને રુદ્રટ બંને વાંચવા મળે છે. વળી સુભાષિતસંગ્રહો પણ ભ્રમોત્પાદક બની રહે છે. કારણ કે શાર્ઙ્ગધરપદ્ધતિ વગેરેમાં રુદ્રટનાં ‘કાવ્યાલંકાર’નાં જ ઉદ્ધરણો રુદ્ર અને ભટ્ટ રુદ્રના નામે આપવામાં આવ્યાં છે. શ્રીધરદાસે પણ તેમની રચના ‘સદુક્તિકર્ણામૃત’માં કાવ્યાલંકાર અને શૃંગારતિલક બંનેનાં ઉદ્ધરણો રુદ્રટને નામે આપ્યાં છે. વેબર, ઑફ્રેટ વગેરે વિદ્વાનો રુદ્રટ અને રુદ્ર ભટ્ટને એક જ માનતા હતા. પરંતુ આ અંગે સર્વપ્રથમ પીટર્સને સંદેહ પ્રકટ કર્યો અને પં. દુર્ગાપ્રસાદ, યાકોબી વગેરે વિદ્વાનોએ રુદ્ર તથા રુદ્રટ બંને એક હોવાનો અસ્વીકાર કર્યો. યાકોબી તથા ડૉ. હરિચંદે અંતરંગ પ્રમાણોથી ‘શૃંગારતિલક’ અને ‘કાવ્યાલંકાર’ ઉભય ગ્રંથોના કર્તા રુદ્ર અને રુદ્રટ બંને ભિન્ન છે એવું પ્રતિપાદન કર્યું. ‘શૃંગારતિલક’, ‘કાવ્યાલંકાર’થી ઘણા પરવર્તી સમયમાં રચાયું છે.
‘શૃંગારતિલક’નો સમય દસમી સદીથી વહેલો નથી. ‘શૃંગારતિલક’ની રચના ત્રણ પરિચ્છેદમાં થઈ છે. પ્રથમ પરિચ્છેદમાં રસ, ભાવ તથા નાયક-નાયિકાભેદનું નિરૂપણ છે અને દ્વિતીય પરિચ્છેદમાં વિપ્રલંભ શૃંગાર, ખંડિતા નાયિકાના ભેદ તથા વિયોગની દસ અવસ્થાનું નિરૂપણ છે. તૃતીય પરિચ્છેદમાં શૃંગાર સિવાયના અન્ય 8 રસોની ચર્ચા છે. ઉપરાંત કૈશિકી વગેરે ચાર વૃત્તિઓનું નિરૂપણ છે. રસવિષયક તેમના મતમાં કાવ્ય રસથી ઓતપ્રોત હોવાનું તેમણે અનિવાર્ય ગણ્યું છે.
રુદ્ર ભટ્ટનાં ઉદ્ધરણો પણ કવિત્વથી ભરપૂર છે. ‘શૃંગારતિલક’માં અલંકારોનો પ્રભાવ નથી, છતાં ઉપમા-ઉત્પ્રેક્ષાનાં ઉદાહરણો રસથી ભરપૂર છે.
રુદ્ર ભટ્ટ શૈવ જણાય છે, કારણ કે ‘શૃંગારતિલક’માં શિવ-પાર્વતીની વંદના છે. એ સિવાય તેમના જીવન વિશે કશી માહિતી પ્રાપ્ત નથી.
પારુલ માંકડ