રુદાલી : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1992. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-સંસ્થા : રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ. દિગ્દર્શક : કલ્પના લાઝમી. કથા : બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીની વાર્તા પર આધારિત. પટકથા-સંવાદ-ગીત : ગુલઝાર. સંગીત : ભૂપેન હઝારિકા. છબિકલા : સંતોષ સિવન. મુખ્ય કલાકારો : ડિમ્પલ કાપડિયા, રાખી, સુસ્મિતા મુખરજી, દીના પાઠક, રાજ બબ્બર, અમજદખાન, રઘુવીર યાદવ, મનોહર સિંહ, સુનીલ સિંહા.
રાજસ્થાનનાં ગામોમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે રોવા-કૂટવા માટે ધંધાદારી સ્ત્રીઓને બોલાવવામાં આવે છે. આવી સ્ત્રીઓને રુદાલી કહે છે. આવી જ એક રુદાલી અને વર્ષો પહેલાં તેણે તરછોડી દીધેલી તેની દીકરીની કહાણી આ ચિત્રમાં ખૂબ પ્રભાવક રીતે રજૂ કરાઈ છે. દીકરી શનિવારે જન્મી હતી એટલે તેનું નામ શનિચરી છે. શનિચરી ગામમાં અભાગણી ગણાય છે, કારણ કે એક દારૂડિયા સાથે તેનાં લગ્ન થયાના થોડા જ સમયમાં તે વિધવા બને છે. તેને એક દીકરો છે, એ પણ કજિયાળી અને ચરિત્રહીન વહુને પરણી લાવે છે. પરિણામે શનિચરીનાં દુ:ખોમાં વધારો જ થતો રહે છે. શનિચરી ઘરનું ગુજરાન ચલાવવા ઠાકુર રામઅવતારસિંહની હવેલીમાં નોકરાણી તરીકે કામ કરે છે. તેની મા એક રુદાલી હોવા છતાં તે સહજતાથી રડી પણ શકતી નથી, એવું શુષ્ક તેનું જીવન છે. ઠાકુરનો નાનો ભાઈ ગોપાલસિંહ શનિચરી પર ઓળઘોળ થઈ જાય છે. તે તેનું શારીરિક શોષણ કરે છે. દરમિયાનમાં ઠાકુર મરણપથારીએ પડ્યા હોવાથી તેમના મૃત્યુ વખતે રડવા માટે એક રુદાલી ભીકનીને બોલાવવામાં આવે છે. ઠાકુરના મોતની રાહ જોતી ભીકની શનિચરીની ઝૂંપડીમાં રહે છે. થોડા સમયનો સંગાથ બંને વચ્ચે આત્મીયતા પેદા કરે છે. ભીકની ઇચ્છે છે કે શનિચરી પણ રુદાલી બની જાય. એક દિવસ ભીકનીને નજીકના ગામમાં કોઈના મૃત્યુ-પ્રસંગે રોવા જવાનું થાય છે. તેના ગયા પછી તેના મૃત્યુના સમાચાર શનિચરીને મળે છે. સાથે તેને એ પણ ખબર પડે છે કે ભીકની જ તેની સગી જનેતા હતી. આ દુ:ખમાં હવેલીમાંથી ઠાકુરના મોત પર રોવા માટેનું તેડું આવતાં રુદાલી તરીકે શનિચરી પહોંચી જાય છે અને વર્ષોથી તેની ભીતર ધરબાઈ રહેલી પીડા હૈયાફાટ રુદન સાથે, ચોધાર આંસુ સાથે બહાર આવે છે. ચિત્રમાં શનિચરીની ભૂમિકા માટે ડિમ્પલ કાપડિયાને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો હતો. લોકસંગીતનો અસરકારક ઉપયોગ કરવા માટે જાણીતા સંગીતકાર ભૂપેન હઝારિકાનું સંગીત પણ આ ચિત્રનું નોંધપાત્ર પાસું હતું. ‘દિલ હૂમહૂમ કરે…..’ ગીત કર્ણપ્રિય બન્યું હતું.
હરસુખ થાનકી