રુક્મણી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ixora arborea Roxb. syn. I. parviflora Vahl. (સં. નવમલ્લિકા, વનમાલિની; હિં. નીવારી, કોથાગંધાલ; મ. નેવાળી, વેક્ષમોગરી, માકડી, રાનમોગરી; ગુ. નેવારી નીમાળી; ક. નીકાડમલ્લિગે; અં. ટૉર્ચ વુડ ઇક્ઝોરા) છે. તે નાનું, બહુશાખિત, સદાહરિત વૃક્ષ કે ક્ષુપ છે અને ભારતમાં ગંગાનાં મેદાનોથી શરૂ થઈ આસામ સુધી અને દક્ષિણમાં કેરળ અને નિકોબારના દ્વીપકલ્પોમાં થાય છે. પર્ણો સાદાં, સંમુખ, લંબચોરસ, ઉપવલયી (elliptic) અથવા અંડાકાર-લંબચોરસ (ovate-oblong), 7.5 સેમી.થી 15 સેમી. જેટલાં લાંબાં, ચર્મિલ (coriaceous), નીલાભ (glaucous) અને ઉપપર્ણીય (stipulate) હોય છે. ઉપપર્ણો આંતરવૃંતીય (interpetiolar) હોય છે. પુષ્પો અગ્રસ્થ પરિમિત સમશિખ (corymb) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તે નાનાં, અસંખ્ય, સફેદ કે ગુલાબી રંગનાં અને સુગંધિત હોય છે. પુષ્પો બારેમાસ બેસે છે, છતાં શિયાળામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ફળ અનષ્ઠિલ, કાળાં, ગોળ તથા યુગ્મિત (didymous) હોય છે, અને લગભગ 0.6 સેમી. જેટલો વ્યાસ ધરાવે છે. બીજ સમતલ-બહિર્ગોળ (plano-convex) હોય છે.
તે ભેજવાળી જગ્યાએ તેમજ પાણીના વહેણની બાજુમાં સહેલાઈથી ઉછેરી શકાય છે. ઉદ્યાનોમાં તેને શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તેનું પ્રસર્જન કટકારોપણ, દાબ કે ગુટી દ્વારા કરવામાં આવે છે.
ફળ અને મૂળનો રંગીન મૂત્ર માટે વિષપ્રતિકારક (antidote) તરીકે ઉપયોગ થાય છે. દૂધમાં પુષ્પોને કચરીને ઉટાંટિયામાં આપવામાં આવે છે. છાલનો ક્વાથ અરક્તતા (anaemia) અને સામાન્ય અશક્તિમાં વપરાય છે. પાકાં ફળો ખાદ્ય છે. પર્ણોનો ઢોરો માટે ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર તે તીખી, કડવી, શીતળ, સુરભિત અને લઘુ છે તેમજ ત્રિદોષ, નેત્રરોગ, કર્ણરોગ આદિની નાશક છે. મૂત્રાઘાતમાં તેનાં બીજ ઠંડા પાણીમાં ઘસી ચટાડવામાં આવે છે.
તેનું કાષ્ઠ બદામી, સખત અને ભારે (વજન 912 કિગ્રા.થી 1,057 કિગ્રા./ઘમી.), સંકુલિત-કણયુક્ત (close-grained) અને લીસું હોય છે. તે પૉલિશ સારી રીતે પકડે છે અને નકશીકામ (engraving) તથા ખરાદીકામ માટે અનુકૂળ હોય છે. તે નાનાં કદોમાં પ્રાપ્ય હોવા છતાં રાચરચીલા અને મકાનના બાંધકામમાં ઉપયોગી છે. તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે, કેમ કે તેની ડાળીઓ ખૂબ સહેલાઈથી સળગે છે.
ઇક્ઝોરાની વિવિધ જાતિઓ દુનિયાના ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં ક્ષુપ અને નાનાં વૃક્ષો સ્વરૂપે થાય છે. ભારતમાં તેની 30 જેટલી જાતિઓ નોંધાઈ છે, જે પૈકી મોટા ભાગની વિદેશી (exotic) છે અને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. I. brachiata Roxb., I. coccinea Linn. (ઈક્સ્વાફુ), I. chinensis L., I. lutea Bl., I. rosea A. Juss. અને I. singaporensis Ck., I. acuminata Roxb., I. cuneifolia Roxb., I. grandiflora Zoll & Moritzi, I. lobbii Loud., I. nigricans R. Br., I. notoniana Wall. વગેરે તેની જાણીતી જાતિઓ છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ