રુઇસ્ડાયલ, જેકબ વાન (જ. 1628/1629, હાર્લેમ, હોલૅન્ડ; દફનવિધિ : 14 માર્ચ 1682, ઍમ્સ્ટરડૅમ, હોલૅન્ડ) : નિસર્ગચિત્રો સર્જનાર મહાન ડચ બરોક ચિત્રકાર. ચિત્રકાર પિતા આઇઝેક દ ગોયરનો તે શિષ્ય. પિતાએ પાછળથી રુઇસ્ડાયલ અટક અપનાવેલી. હાર્લેમના નિસર્ગ-ચિત્રકાર કૉર્નેલિસ વ્રૂનની ઊંડી અસર તરુણ રુઇસ્ડાયલ પર પડી. 1640થી તેણે ચિત્રસર્જન શરૂ કર્યું અને 1648માં તે હાર્લેમના ચિત્રકારોના સંગઠન ‘ગિલ્ડ ઑવ્ સેંટ લ્યૂક’નો સભ્ય બન્યો. 1650થી 1653 લગી તેણે હોલૅન્ડનો તેમજ જર્મનીના પડોશી જિલ્લાઓનો પ્રવાસ કર્યો. આશરે 1655માં તે ઍમ્સ્ટરડૅમમાં સ્થિર થયો. 1659માં તે ઍમ્સ્ટરડૅમનો નાગરિક બન્યો. અહીં જ તેને પોતાનો ખ્યાતનામ વિદ્યાર્થી મીન્ડેર્ટ હોબ્બેમા પ્રાપ્ત થયો.
એનાં આરંભિક ચિત્રોમાં ‘ડ્યૂન્સ’ મુખ્ય છે. એનાં ચિત્રોમાં વૃક્ષો અત્યાર લગીના ડચ ચિત્રકારોમાંનાં ચિત્રોની જેમ શોભાનાં લટકણિયાં જેવાં નહિ, પણ જોરદાર વ્યક્તિત્વ ધરાવતાં જોવા મળે છે. એ હંમેશાં જાડા રંગો વાપરતો, એને કારણે ‘ઇમ્પૅસ્ટો’ (impasto) અસર તુરત જ વરતાઈ આવે છે. 1650માં તેનાં નિસર્ગ-ચિત્રોમાં ભવ્યતાનું તત્ત્વ પ્રવેશ્યું. રંગો પણ હવે એકદમ તેજસ્વી થયા. 1660માં દોરેલું ચિત્ર ‘ધ જૂઈશ સેમેટરી’ તેનું સર્વોત્તમ ચિત્ર ગણાય છે. અહીં બધી જ આનુષંગિક આકૃતિઓ કબ્રસ્તાનની મુખ્ય આકૃતિની ભેંકારતા વધારવામાં ફાળો આપે છે. એનાં અન્ય મુખ્ય ચિત્રોમાં ‘માર્શ ઇન ધ વુડ્ઝ’, ‘બેન્થાઈમ કૅસલ’, ‘વિન્ડમિલ ઍટ વીક બીજ ડૂર્સ્ડીડ’ તથા ‘વ્હીટફીલ્ડ’નો સમાવેશ થાય છે. એની કલામાં ડચ નિસર્ગ સોળે કળાએ પૂર્ણ રીતે ખીલી ઊઠતી હોવાની માન્યતા વ્યાપક છે. એના મૃત્યુ પછી એનાં નિસર્ગ-ચિત્રોમાં ચિત્રકારો એડ્રિયાન ફાન દે વેલ્ડી, જોહાનિસ લિન્ગલબાક, ફિલિપ્સ વૂવર્માન અને ક્લાએસ બર્કેમે નાનકડી માનવ-આકૃતિઓ ઉમેરેલી.
રુઇસ્ડાયલે એચિંગ પ્રકારનાં છાપચિત્રો પણ સર્જ્યાં છે, જેમાંથી ‘કૉર્નફીલ્ડ’ સૌથી વધુ પ્રખ્યાત છે.
અમિતાભ મડિયા