રીયુનિયન : હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 21° 00´ દ. અ. અને 56° 00´ પૂ. રે. તે માડાગાસ્કરથી પૂર્વમાં આશરે 650 કિમી. તથા મૉરિશિયસથી નૈર્ઋત્યમાં 180 કિમી. અંતરે આવેલો છે. આ ટાપુ જ્વાળામુખી-પ્રસ્ફુટનની ક્રિયાથી તૈયાર થયેલો છે. તેનો વિસ્તાર 2,512 ચોકિમી. જેટલો છે. સેન્ટ ડેનિસ તેનું પાટનગર (વસ્તી : 1.23 લાખ) છે. તે માસ્કેરેન્સ સમૂહમાં આવેલો છે. આ ટાપુનો મોટો ભાગ જંગલોથી આચ્છાદિત છે. અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ પિટોન દ નીગેસ (3,069 મી.) છે.
અહીંની મુખ્ય પેદાશોમાં વેનિલા, તમાકુ, શેરડી, ચા, સુગંધી દ્રવ્યો અને મકાઈનો સમાવેશ થાય છે. અહીં વસતા મોટાભાગના લોકો ફ્રેન્ચ-ક્રિયોલ છે, તે સિવાય ભારતીયો અને ચીની લોકો પણ અહીં વસે છે. આ ટાપુની કુલ વસ્તી 1999ના અંદાજ મુજબ આશરે 7,07,200 જેટલી છે.
સોળમી સદીની શરૂઆતમાં પૉર્ટુગીઝોએ આ ટાપુ શોધી કાઢેલો. 1513માં ફ્રેન્ચોએ તેનો કબજો મેળવ્યા પછી ફ્રાન્સના લુઈ 13માએ 1642માં તેને ફ્રાન્સના શાસન હેઠળ મૂકેલો. તે પછીથી અહીં વસાહતોની શરૂઆત થઈ, ત્યારે તેનું નામ બૉર્બોન હતું. 1848માં તેનું નામ રીયુનિયન રાખવામાં આવેલું છે. 1946થી તે ફ્રાન્સનું દરિયાપારનું સંસ્થાન રહ્યું છે. તેનો વહીવટ સ્થાનિક લોકો દ્વારા ચૂંટાયેલા 36 સભ્યોની બનેલી કાઉન્સિલ સંભાળે છે.
જાહ્નવી ભટ્ટ