રીડ, ફિલ (જ. 1 જાન્યુઆરી 1939, લુટન બેડફર્ડશાયર, યુ.કે.) : મોટર-સાઇક્લિંગના યુ.કે.ના ખેલાડી. તેઓ મોટર-સાઇક્લિંગના 8 વખત વિશ્વ-ચૅમ્પિયન બન્યા – 1964–65, 1968 અને 1971માં 2,500 સીસી, પર; 1973 –79માં એમવી માટે 500 સીસી પર અને 1977માં હૉન્ડા માટે ફૉર્મ્યુલા-I પર. 1961થી 1975 દરમિયાનની તેમની કારકિર્દી દરમિયાન તેઓ 52 વાર ગ્રૅન્ડ પ્રિક્સના વિજેતા બન્યા. 1961થી ’77 દરમિયાન તેઓ 8 વાર આઇલ ઑવ્ મૅન ટીટી રેસના વિજેતા બન્યા.

13 વર્ષની વયે, તેમણે 250 સીસીની પ્રથમ બાઇક ખરીદી; તેઓ તાલીમાર્થી ઇજનેર હતા ત્યારે 1956માં રેસિંગમાં ભાગ લેવાનો આરંભ કર્યો. 1957માં કૅસલ કૉમ્બ ખાતે તેમને પ્રથમ મહત્વનો વિજય સાંપડ્યો.

1963 પછી, તેમના અત્યંત સફળ યામાહા-યુગનો આરંભ થયો. તેઓ દૃઢ મનોબળ અને નિર્ધાર ધરાવનાર ખેલાડી બની રહ્યા.

1968માં તેમને બિલ આઇવી સાથે ઝઘડો થવાથી, તેઓ થોડા બદનામ થયા; વળી જિયાકૉમો ઍગોસ્તિની સાથે તેઓ તીવ્ર સ્પર્ધા ધરાવતા હતા.

1979માં તેમને ‘મેમ્બર ઑવ્ બ્રિટિશ એમ્પાયર’થી સન્માનવામાં આવ્યા હતા.

મહેશ ચોકસી