રીડ, જૉન (જ. 3 જૂન 1928, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-ખેલાડી. નૉર્ધન ડિસ્ટ્રિક્ટ્સ સામે વેલિંગ્ટન વતી 1963માં 296 રનના દાવમાં તેમણે વિશ્વવિક્રમ રૂપે 15 છક્કા લગાવીને દડાને જોરદાર રીતે ફટકારવાના પોતાના કૌશલ્યની પ્રતીતિ કરાવી હતી. ટેસ્ટ-કારકિર્દીનો આરંભ તેમણે 1940માં ઇંગ્લૅન્ડ સામે કર્યો અને ત્યારથી માંડીને તેઓ ન્યૂઝીલૅન્ડ વતી ઉત્તરોત્તર 58 ટેસ્ટ-મૅચ રમ્યા; 16 વર્ષ પછી તેઓ નિવૃત્ત થયા ત્યારે તેમને વિશ્વના એક ઉત્તમ સર્વક્ષેત્રીય (all-rounder) ખેલાડી તરીકે પ્રતિષ્ઠા મળી ચૂકી હતી અને તેમાં તેમની જોશીલી બૅટિંગ ઉપરાંત મધ્યમ ઝડપી અથવા ઑવ્ બ્રેક ગોલંદાજીનો, બૅટ્સમૅનની નિકટ રહી (close) કરાતી સુંદર રીતની ફિલ્ડિંગ અને પ્રસંગોપાત્ત, વિકેટ-કીપિંગનો સમાવેશ થતો હતો. 1956થી એક દાયકા સુધી ન્યૂઝીલૅન્ડ વતી 34 ટેસ્ટમાં તેમણે કપ્તાનપદ સંભાળ્યું હતું. ન્યૂઝીલૅન્ડે દક્ષિણ આફ્રિકાનો 1961–62માં પ્રવાસ કર્યો ત્યારે એ ગાળા દરમિયાન તેમણે 68.39 રનની સરેરાશથી વિક્રમરૂપ 1,915 રન ખડક્યા હતા; તેમાં ટેસ્ટ-શ્રેણીમાંના 546 રનનો અને 11 વિકેટનો સમાવેશ થતો હતો.

તેમને ‘ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’(OBE)નું બહુમાન અપાયું હતું. તેમણે ન્યૂઝીલૅન્ડ તથા દક્ષિણ આફ્રિકા માટે પ્રશિક્ષક (coach) તરીકે કામગીરી બજાવી હતી.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1949–65 : 58 ટેસ્ટ; 33.28 રનની સરેરાશથી 3,428 રન; 6 સદી; એક દાવમાં સૌથી વધુ જુમલો 142 રન; 33.35 રનની સરેરાશથી 85 વિકેટો; ઉત્તમ ગોલંદાજી : 60 રનની સરેરાશથી 6 વિકેટ; 43 કૅચ; 9 સ્ટમ્પિંગ.

(2) 1947 –65 : પ્રથમ કક્ષાની મૅચ; 41.35 રનની સરેરાશથી 16,128 રન; 39 સદી; એક દાવમાં સૌથી વધુ જુમલો 296 રન; 22.60 રનની સરેરાશથી 466 વિકેટો; ઉત્તમ ગોલંદાજી : 20 રનની સરેરાશથી 7 વિકેટો; 240 કૅચ; 7 સ્ટમ્પિંગ.

મહેશ ચોકસી