રીડ, કૅરલ (સર) (જ. 30 ડિસેમ્બર 1906, લંડન; અ. 25 એપ્રિલ 1976) : ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. શ્રમજીવી વર્ગની જિંદગીની હાડમારીઓ અને તેમની સમસ્યાઓનું પડદા પર વાસ્તવિક નિરૂપણ કરીને ખ્યાતિ મેળવનારા ચિત્રસર્જક સર કૅરલ રીડે તેમની કારકિર્દી 1927માં બ્રિટિશ લંડન ફિલ્મ્સ ખાતે એડ્ગર વૉલેસના સહાયક દિગ્દર્શક તરીકે શરૂ કરી હતી. 1935માં ‘મૅન ઑવ્ ધ સી’ ચિત્રનું પ્રથમ વાર તેમણે દિગ્દર્શન કર્યું તે પહેલાં તેમણે સંવાદ-નિર્દેશક તરીકે પણ ફરજ બજાવી હતી. ‘બૅંક હૉલિડે’, ‘થ્રી ઑન એ વીકએન્ડ’, ‘ધ સ્ટાર્સ લુક ડાઉન’ અને એચ. જી. વેલ્સની નવલકથા પર આધારિત ‘કીપ્સ’ ચિત્રોએ તેમને પ્રારંભથી જ એટલી ખ્યાતિ અપાવી કે તેમની ગણના અગ્રણી હરોળના દિગ્દર્શક તરીકે થવા માંડી. યુદ્ધની પશ્ચાદભૂમાં આકાર લેતું એક હળવી શૈલીનું રહસ્ય-ચિત્ર ‘નાઇટ ટ્રેઇન ટુ મ્યૂનિક’ પણ નોંધપાત્ર બન્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કૅરલ રીડે ‘આર્મી સિનેમેટૉગ્રાફ સર્વિસ’ માટે કામ કર્યું અને ‘ધ વે અહેડ’ જેવાં પ્રચારાત્મક ચિત્રોનું દિગ્દર્શન કર્યું. યુદ્ધ દરમિયાન મિત્રરાજ્યોના સૈન્યના છબિકારોએ યુદ્ધમેદાન પરથી ઝડપેલી તસવીરોનું સંકલન કરીને તેમણે દિગ્દર્શક ગારસન કેનિન સાથે મળીને બનાવેલા દસ્તાવેજી ચિત્ર ‘ધ ટ્રૂ ગ્લૉરી’(1945)ને શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્રનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો. યુદ્ધ પછીનાં વર્ષોમાં તેમણે બનાવેલાં ચિત્રો ‘ઑડ મૅન આઉટ’, ‘ધ ફૉલન આઇડલ’, ગ્રેહામ ગ્રીનની નવલકથા પર આધારિત ‘ધ થર્ડ મૅન’ વગેરે ચિત્રો બનાવ્યાં, જે બ્રિટિશ ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહન ગણાય છે. 1950ના દાયકામાં અને 1960ના દાયકાના પ્રારંભે હૉલિવુડ માટે તેમણે બનાવેલાં ‘ટ્રેપીઝ’ (1956), ‘ઍગની ઍન્ડ ધી એક્સ્ટસી’ (1965) જેવાં કેટલાંક ચિત્રોને કારણે તેમની પ્રતિષ્ઠા થોડી ઝંખવાઈ હતી, પણ 1968માં ચાર્લ્સ ડિકન્સની નવલકથા ‘ધી ઑલિવર ટ્વિસ્ટ’ પર આધારિત એક સંગીતપ્રધાન ચિત્ર ‘ઑલિવર !’ બનાવીને તેમણે પ્રતિષ્ઠા પુન: હાંસલ કરી લીધી હતી. આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિતના છ ઑસ્કર ઍવૉર્ડ મળ્યા હતા. 1949માં ‘ધ ફૉલન આઇડલ’ અને 1950માં ‘ધ થર્ડ મૅન’ ચિત્રો માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે ઑસ્કર માટે નામાંકન મળ્યાં હતાં. બ્રિટિશ ચલચિત્ર-ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરવા બદલ 1952માં તેમને ‘નાઇટહુડ’ એનાયત કરાયું હતું.
નોંધપાત્ર ચિત્રો : ‘ધ સ્ટાર્સ લુક ડાઉન’ (1939), ‘નાઇટ ટ્રેઇન ટુ મ્યૂનિક’ (1940), ‘કીપ્સ’ (1941), ‘ધ યંગ મિ. પિટ’ (1942), ‘ધ વે અહેડ’ (1944), ‘ઑડ મૅન આઉટ’ (1947), ‘ધ ફૉલન આઇડલ’ (1948), ‘ધ થર્ડ મૅન’ (1949), ‘આઉટકાસ્ટ ઑવ્ ધી આઇલૅન્ડ’ (1951), ‘ધ મૅન બિટ્વીન’ (1953), ‘ધ રનિંગ મૅન’ (1953), ‘ઑલિવર !’ (1968), ‘ફ્લૅપ’ (1970), ‘ધ પબ્લિક આઇ’ (1972).
હરસુખ થાનકી