રીઝ, અર્નેસ્ટ પર્સિવલ (જ. 17 જુલાઈ 1859, લંડન; અ. 25 મે 1946, લંડન) : આંગ્લ સંપાદક અને લેખક. વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓની બિનખર્ચાળ આવૃત્તિઓની શ્રેણીના સંપાદનકાર્યનો તેમની પોતાની જ નહિ પણ અનુગામી પેઢીઓની સાહિત્યિક રુચિ પર ખૂબ પ્રભાવ પડ્યો હતો.
નબળા સ્વાસ્થ્યને કારણે તેમના અભ્યાસમાં વિક્ષેપ પડ્યો હતો, પણ ભાવિ વિકાસની આશા તેમણે નાનપણથી જ જન્માવી હતી. બચપણથી જ તેમને પુસ્તકો પ્રત્યે કુદરતી રીતે અનહદ પ્રેમ હતો. 1886માં તેમણે કાવ્યલેખન આરંભ્યું અને સાથોસાથ લંડનમાં વ્યવસાયી વિવેચક તથા તંત્રી બન્યા અને સમીક્ષાઓ લખવા માંડી. રાઇમર્સ ક્લબ તરફથી તેમણે બે ગ્રંથોનું સંપાદન કર્યું. ઊર્મિકાવ્યો(1894–99)ના સંપાદનકાર્ય નિમિત્તે તેઓ જે. એમ. ડેન્ટ જેવા પ્રકાશકના સંપર્કમાં આવ્યા; પરિણામે 1904માં ડેન્ટે તેમને ‘એવરીમૅન્સ લાઇબ્રેરી’નું સંપાદન કરવા નિમંત્રણ આપ્યું. આ શીર્ષક પણ રીઝે જ સૂચવ્યું હતું. આ શ્રેણીનો પ્રથમ ગ્રંથ 1906માં પ્રગટ થયો અને તેમનું અવસાન થતા સુધીમાં, યોજના મુજબના 1,000 ગ્રંથોમાંથી 983 ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યા હતા. સાહિત્યક્ષેત્રે આ તેમનું ચિરસ્થાયી અને મૂલ્યવાન પ્રદાન હતું. તેમનાં પોતાનાં લખાણોમાં સંસ્મરણોના બે ગ્રંથો ‘એવરીમૅન રિમેમ્બર્સ’ (1931) તથા ‘વેલ્સ ઇંગ્લૅન્ડ વેડ્ઝ’(1940)નો સમાવેશ થાય છે.
મહેશ ચોકસી