રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી – તિરુવનન્તપુરમ્ (RRL)
January, 2004
રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી, તિરુવનન્તપુરમ્ (RRL) : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સ્વાયત્ત સંસ્થા દ્વારા સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. તેના મુખ્ય ઉદ્દેશોમાં પ્રાદેશિક/રાષ્ટ્રીય કુદરતી સ્રોતોના ઇષ્ટતમ ઉપયોગ માટે સંશોધન અને વિકાસને લગતું કાર્ય, પર્યાવરણવિજ્ઞાન અને અપશિષ્ટ જળની માવજતને લગતું સંશોધન, જાતિગત (generic) ટૅકનૉલૉજી અંગે અતિ આધુનિક સંશોધન અને માનવ સંસાધન વિકાસને લગતાં સંશોધનોનો સમાવેશ થાય છે.
સંસ્થાએ ઉચ્ચ કક્ષાના સંશ્લેષિત રૂટાઇલ(rutile)ના ઉત્પાદન, અનાજ-આધારિત આલ્કોહૉલ બનાવવાની, પૉલિકૉઇર નામે અગ્નિ-પ્રતિરોધી કાષ્ઠવિકલ્પ તેજાનામાંથી ઓલિયોરેઝિન બનાવવાની નવી રીત, અપઘર્ષક (abrasive) પાઉડર વગેરે માટેની ટેક્નૉલોજી વિકસાવી છે.
સંસ્થા યાંત્રિક કસોટી (mechanical testing) માટેનાં સાધનો, SEM અને TEM જેવી સૂક્ષ્મદર્શક સુવિધાઓ, કૃષિ/ખનિજ માટેના નાના પાઇલોટ પ્લાન્ટ, પાણીની ગુણવત્તા-માપન માટેની સુવિધાઓ તથા અનુકરણ-અભ્યાસ (simulation studies) અને પૃથક્કરણ માટેની કમ્પ્યૂટર પ્રતિરૂપણ (modeling) પ્રયોગશાળા ધરાવે છે.
અમૃતભાઈ પટેલ
અનુ. પ્રહલાદ બે. પટેલ