રિવેરા, ડિયેગો (જ. 8 ડિસેમ્બર 1886, ગ્વાનાહુઆતો, મેક્સિકો; અ. 25 નવેમ્બર 1957, મેક્સિકો સિટી, મેક્સિકો) : મેક્સિકોના આધુનિક ચિત્રકાર. 1896થી 1906 સુધી મેક્સિકોની સાન કાર્લોસ એકૅડેમીમાં તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. 1907થી 1921 સુધી તેમણે યુરોપમાં વસવાટ કરી સ્પેન, ફ્રાંસ અને ઇટાલીમાં વિવિધ કલામહાશાળાઓમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન માતીસ, પિકાસો ઇત્યાદિ ટોચના કલાકારો સાથે ઘનિષ્ઠ સંબંધ કેળવ્યા અને તેમની કલાનાં કેટલાંક તત્વોનો પોતાની કલામાં સમન્વય કર્યો. 1921માં સ્વદેશ મેક્સિકો પાછા ફર્યા અને મેક્સિકન સરકાર પ્રયોજિત મ્યુરલ પ્રોગ્રામના પ્રમુખ બન્યા અને સિક્વેરા, ઑરોઝ્કો ઇત્યાદિ સાથી ચિત્રકારો સાથે મેક્સિકન સરકારની માલિકીનાં જાહેર મકાનોને બહારની બાજુએથી વિરાટ કદનાં ભીંતચિત્રોથી અંકિત કરવાની મહત્વાકાંક્ષી યોજના હાથ પર લીધી. આ યોજના પાછળ મેક્સિકોની મૂળ સ્થાનિક પ્રજાની સંસ્કૃતિનાં મૂલ્યોને ઉજાગર કરવાની મેક્સિકન સરકાર તેમજ રિવેરાની નેમ હતી. આમાંનાં ઘણાં ચિત્રો એટલાં બધાં વિવાદાસ્પદ થઈ પડ્યાં કે મેક્સિકન પ્રજાનો રોષ ભભૂકી ઊઠ્યો અને તેના ફળસ્વરૂપે પ્રજાએ કેટલાંક ચિત્રોનો નાશ કર્યો. થોડાં જ વર્ષોમાં નવી સરકાર ચૂંટાઈ આવતાં પ્રજાના પરસેવાનાં નાણાં કલા જેવા બિનઉત્પાદક કાર્ય પાછળ વેડફાતાં હોવાના કારણસર આ યોજના કાયમ માટે પડતી મૂકવામાં આવી. 1930 સુધીમાં તો રિવેરાની ગણતરી સમગ્ર વિશ્વમાં એક શ્રેષ્ઠ આધુનિક ચિત્રકાર તરીકે થવા માંડી. 1930થી 1934 સુધી તેમણે યુ.એસ.માં નિવાસ કર્યો અને અહીં તેમને ટોચની ઘણી બધી ધનાઢ્ય કંપનીઓએ વિરાટકાય ભીંતચિત્રો સર્જવાનું કામ સોંપ્યું અને તે કામ તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. આમાંનાં મોટાભાગનાં ભીંતચિત્રો ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ડેટ્રૉઇટ નગરોમાં સર્જાયાં. ડેટ્રૉઇટની ફૉર્ડ કંપની માટે સર્જેલાં ભીંતચિત્રો સમગ્ર વિશ્વમાં ખૂબ વખણાયાં. આ ચિત્રોમાં રિવેરાએ અત્યાધુનિક ટૅકનૉલૉજીના બોજા હેઠળ ગૌરવ ગુમાવી બેઠેલા આધુનિક મજૂરને કેન્દ્રસ્થાને આલેખ્યો છે. આ કારણે તે સામ્યવાદી છે તેવા આક્ષેપો થયા અને તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં વધુ ચિત્રોનું કામ મળતું બંધ થઈ ગયું. ન્યૂયૉર્ક શહેરના આર.સી.એ. મકાન પર ચીતરેલ ‘મૅન ઍટ ધ ક્રૉસરોડ્ઝ’ ભીંતચિત્રે વિવાદનો વંટોળ જગાવ્યો. 1931માં ન્યૂયૉર્કના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમની ઘણી બધી ચિત્રકૃતિઓનું એક મહત્વાકાંક્ષી પ્રદર્શન યોજાયેલું; તેનાથી તેમની કીર્તિમાં ઘણો જ વધારો થયો હતો. 1934થી 1940 સુધી તેમણે ભીંતચિત્ર ત્યજી કૅન્વાસ પર તૈલચિત્રોનું સર્જન કર્યું; પણ 1940 પછી ફરીથી યુ.એસ. અને મેક્સિકોનાં ઘણાં નગરોમાં વિરાટકાય ભીંતચિત્રોનું સર્જન કર્યું. તેમાંથી મેક્સિકો સિટીના નૅશનલ પૅલેસ પર કરેલું ભીંતચિત્ર ઘણું જ લોકપ્રિય થયેલું; પરંતુ મેક્સિકો સિટીની હોટલ દેલ પ્રાડો પર આલેખેલ (1948) ભીંતચિત્ર વિવાદાસ્પદ થઈ પડ્યું હતું.
અમિતાભ મડિયા