રિવાઇવલિઝમ : પ્રાચીન સ્થાપત્યના પુનરુજ્જીવનની ચળવળ (હિલચાલ). સંસ્કૃતિના પુનરુજ્જીવનનો યુગ (1800–1900). ફ્રાન્સમાં રેનેસાંસ સ્થાપત્યનો છેલ્લો તબક્કો ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોની એમ્પાયર શૈલી; અને ઇંગ્લૅન્ડમાં જ્યૉર્જિયન શૈલી, જેમાં ક્યારેક લગભગ 1820–30માં પ્રચલિત હતી તે આનંદદાયક રીજન્સી શૈલીનો હતો. આ તમામ શૈલીઓ સુસંગતપણે પ્રાચીન ગ્રીક અને લૅટિન સ્થાપત્યનું પુનરુજ્જીવન હતું. પરંતુ ત્યારપછીનાં વર્ષોમાં ગ્રીક અને ગૉથિક એ બંને રિવાઇવલિઝમની પ્રતિસ્પર્ધી શાખાઓ વચ્ચે સંઘર્ષ અને સ્પર્ધા ચાલ્યાં, જે ઇંગ્લૅન્ડ, યુરોપ ખંડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટિશ વસાહતો, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટિશ હિંદમાં પણ ઓગણીસમી સદીના અંતે અટક્યાં.

મુખ્યત્વે સદીના મધ્યભાગમાં ગ્રીક પુનરુજ્જીવન અંગે ઇંગ્લૅન્ડમાં વિલ્કિન્સ, બર્ટન અને ઇન્વુડ દ્વારા; સ્કૉટલૅન્ડમાં પ્લેફેર અને ગ્રીક ટૉમ્સન દ્વારા; જર્મનીમાં શિન્કલ અને વૉન ક્લૅન્ઝ દ્વારા; અન્ય સ્થળોએ અન્ય સ્થપતિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવવામાં આવી હતી. ગ્રીક પુનરુજ્જીવનની સાથોસાથ ગૉથિક પુનરુજ્જીવન સમૃદ્ધ બન્યું. ખ્યાતનામ લેખક અને કલામર્મજ્ઞ હૉરેસ વૉલપૉલ દ્વારા 1753માં મિડલસેક્સમાં ટ્વિકનહેમ નજીક બાંધેલા સ્ટ્રૉબેરી હિલ તરીકે જાણીતા અતિઅલંકૃત અને મનોહર વિહારધામથી ઘણા લાંબા વખત પહેલાં તેનો પ્રારંભ થયેલો. તે માત્ર ધનવાનોનો વિચિત્ર શોખ હતો, પરંતુ ટૂંક સમયમાં બીજા લહેરી ઉમરાવો ઇમારતના નકલી અવશેષોને તેમનાં ઉદ્યાનોમાં ખુલ્લા મૂકવા લાગ્યા. ચર્ચ માટેનું ગૉથિક સ્થાપત્ય બે સદીઓ સુધી અવનતિને માર્ગે હતું. 1550થી 1660 વચ્ચે ઇંગ્લૅન્ડમાં ઘણાં ઓછાં ચર્ચ બંધાયાં હતાં. રેન દ્વારા ડિઝાઇન તૈયાર કરાયેલ તેમજ 1680 પછી જ બાંધવામાં આવેલ બિનપુષ્ટિવાદી સમિતિ-ગૃહો ઉત્તમ શૈલીનાં હતાં. 1818માં નવાં ઍંગ્લિકન ચર્ચ માટે સંસદે દસ લાખ પાઉન્ડ મંજૂર કર્યા અને તે પૈકી પોણા ભાગનાં ચર્ચની ડિઝાઇન ગૉથિકને મળતી શૈલીમાં તૈયાર કરવામાં આવી. એક વાર શરૂઆત થતાની સાથે તે શૈલી ખૂબ ઝડપથી પ્રસરી અને 1818 પછી, આશરે એક સદી સુધી, ઇંગ્લૅન્ડમાં અને દરિયાપારના ઘણા દેશોમાં લગભગ બધાં નવાં ચર્ચ ગૉથિક શૈલીમાં રચાયાં.

જાહેર મકાનો માટે ગૉથિક શૈલી દાખલ કરવામાં કેટલીક નાખુશી હતી. પરંતુ વેસ્ટમિન્સ્ટર નજીક લંડનમાં (1834) નવા સંસદ ભવન માટે ગૉથિક ડિઝાઇનનું અમુક સ્વરૂપ સૂચવાયું અને તેણે ક્રાંતિ સર્જી. બર્મિંગહામ (1832–50) અને લીડ્ઝ(1853–58)ના ટાઉનહૉલ, લિવરપૂલ (1842) ખાતે ઉમદા સેંટ જ્યૉર્જ હૉલ જેટલા જ શ્રેષ્ઠ હતા; પરંતુ માન્ચેસ્ટર (1868) ખાતેનો હૉલ ગૉથિક હતો. 1855–72 દરમિયાન સંસદમાં ભયંકર ‘શૈલી-યુદ્ધ’ ચાલ્યું, જ્યારે વ્હાઇટ હૉલમાં નવી વિદેશી તથા હિંદ કચેરીઓ માટે ગૉથિક અને પ્રાચીન ગ્રીક સંસ્કૃતિની જે તે શ્રેષ્ઠતા અંગે કંટાળાજનક દલીલો ચાલી. મોટાભાગના બીજા દેશોમાં પણ આ તબક્કો અનુભવાયો હતો.

ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં ઇંગ્લૅન્ડે જેકૉબિયન અને ‘ક્વીન ઍન’ તરીકે જાણીતું પુનરુજ્જીવન અપનાવ્યું. અમેરિકામાં એચ. એમ. રિચાર્ડસન દ્વારા અને ઇંગ્લૅન્ડમાં એ. વૉટરહાઉસ દ્વારા સ્થાપત્યની વિશિષ્ટ શૈલી અપનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા; પરંતુ 1900માં તમામ પુનરુજ્જીવનને લગભગ પૂર્ણ થાય ત્યાં સુધી વળગી રહ્યા. નવી જ કલા તરીકે જાણીતો ટૂંકો અને આશ્ચર્યજનક કાર્યક્રમ શરૂ થયો; દરમિયાનમાં મૅકિન્ટૉશ, વૉયઝી અને ફિલિપ વેબ જેવા સંશોધકોએ રિવાઇવલિઝમનાં તમામ સ્વરૂપો ટાળીને પોતાની રીતે સ્થિરપણે આગળ વધવા માંડ્યું અને એવી જ પ્રક્રિયાએ વિદેશમાં પણ સ્થાન લીધું. તે હિલચાલમાં લોખંડના બાંધકામ તથા ભારે શક્યતા ધરાવતી નવી સામગ્રી તરીકે પ્રબલિત કૉન્ક્રીટનો ઝડપી વિકાસ થવા લાગ્યો, જે મહત્વની ઘટના હતી.

સ્નેહલ શાહ