રિવર્સ, વિલિયમ હેલ્સ રિવર્સ (જ. 1864; અ. 1922) : ઇંગ્લૅન્ડના નૃવંશશાસ્ત્રી. તેમણે શાળાનું શિક્ષણ ટોનબ્રિજ સ્કૂલમાંથી લીધું. કૉલેજ-શિક્ષણ લંડનની સેન્ટ બોથોલોમ્યુ હૉસ્પિટલમાં મેળવ્યું. તબીબી પદવી મેળવ્યા પછી તેઓ રૉયલ કૉલેજ ઑવ્ ફિઝિશિયનમાં જોડાયા. ઈ. સ. 1879માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શરીરવિજ્ઞાન અને પ્રયોગાત્મક મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવા આપી. આ દરમિયાન તેમણે જ્ઞાનેન્દ્રિયોના સંબંધમાં અનેક મહત્વપૂર્ણ અભ્યાસો કર્યા. ઈ. સ. 1907માં ઇન્દ્રિયોના શરીરવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. આ પદ પર રહીને જ્ઞાનેન્દ્રિયોના સંબંધમાં ઘણો મહત્વપૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારપછી તેઓ આદિવાસીઓનાં સામાજિક સંગઠન અને સગાઈ સંબંધોના સંશોધન-અભ્યાસમાં વ્યસ્ત રહ્યા. આ કાર્ય માટે જરૂરી આંકડાઓ અંગે જાણકારી મેળવવા માટે એમણે વંશપરંપરાનો અભ્યાસ કરીને તેને એક નવીન અધ્યયન-પ્રણાલીનું સ્વરૂપ આપી દીધું. ઈ. સ. 1904માં રિવર્સ ભારત આવ્યા અને દક્ષિણ ભારતની ટોડા આદિવાસી જાતિનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ માટે તેમણે વંશાવળી પદ્ધતિનો ઉપયોગ કર્યો. ટોડા જનજાતિના અત્યંત જટિલ સામાજિક સંગઠનનો વિશદ અભ્યાસ કર્યા પછી તેમણે સગાઈ સંબંધો અને તેની શબ્દાવલીનો અભ્યાસ કર્યો.
1908માં રિવર્સે મલેશિયાની સંશોધનયાત્રા કરી. ત્યાં તેમણે આદિવાસી સંસ્કૃતિના પરિવર્તન, પ્રચાર અને સંક્રમણના સંબંધમાં વિશદ અભ્યાસ કર્યો. વિભિન્ન દેશોમાં સમાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સહજ અને સ્વતંત્ર ઉત્પત્તિ થાય છે એ સિદ્ધાંતનો તેમણે અસ્વીકાર કર્યો. માનસશાસ્ત્રમાં પણ રિવર્સની સૂઝ સારી હતી. તેમણે ફ્રૉઇડના સ્વપ્નના સિદ્ધાંતનો અસ્વીકાર કરતાં ઇચ્છાપૂર્તિના સિદ્ધાંતને બદલે સંઘર્ષના સિદ્ધાંતને પ્રતિષ્ઠિત કર્યો.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રિવર્સે વિકૃતિ મનોવિજ્ઞાની તથા માનસચિકિત્સક તરીકે મિલિટરી હૉસ્પિટલમાં વિશિષ્ટ સેવાઓ આપી. ફ્રૉઇડના કાર્ય સુધી પહોંચનાર રિવર્સ પ્રથમ બ્રિટિશ તબીબ હતા. તેમણે મનોવિકૃતિઓનો અભ્યાસ કરવામાં મહત્વનું પ્રદાન આપ્યું. તેમણે ફૉર્ટ એન્ડ્રૂ અને માંચેસ્ટર યુનિવર્સિટીમાંથી માનાર્હ પદવીઓ પ્રાપ્ત કરી. રૉયલ સોસાયટીના ફેલો બન્યા. 1921–22માં તેઓ રૉયલ ઍન્થ્રોપોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના આજીવન પ્રમુખ બન્યા. તેઓ અનેક કાર્યો સાથે સંલગ્ન હતા. રિવર્સ તબીબી મનોવિજ્ઞાન અને નૃવંશશાસ્ત્રમાં ઘણો રસ ધરાવતા હતા. રિવર્સે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સગાઈ સંબંધોની પરિભાષા અને તેની સમસ્યાઓના વિચારોમાં સારો એવો રસ દાખવ્યો.
રિવર્સે કેટલોક સમય કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સમાજ નૃવંશશાસ્ત્રવિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક લેખો અને પુસ્તકોનું લેખન કર્યું હતું. તેમનાં મહત્વનાં પ્રકાશનોમાં ‘ધ ટોડા’ (1906), ‘ધી ઇન્ફલ્યુઅન્સ ઑવ્ આલ્કોહૉલ ઍન્ડ અધર ડ્રગ્સ’ (1908), ‘ધ હિસ્ટરી ઑવ્ મલૅશિયન સોસાયટી’ (1914), ‘કિનશિપ ઍન્ડ સોશ્યલ ઑર્ગેનિઝેશન’ (1914), ‘હિસ્ટરી ઑવ્ એથ્નૉગ્રાફી’ (1922), ‘ઇન્સ્ટિંક્ટ ઍન્ડ અનકૉન્શ્યસનેસ’ (1920), ‘કૉનફ્લિક્ટ ઍન્ડ ડ્રીમ’ (1923), ‘સાઇકૉલૉજી ઍન્ડ પોલિટિક્સ ઍન્ડ અધર એસેઝ’ (1923), ‘મેડિસિન મૅજિક ઍન્ડ રિલિજિયન’ (1924), ‘સોશિયલ ઑર્ગેનિઝેશન’ (1924), ‘સાઇકૉલૉજી ઍન્ડ એથ્નૉલૉજી’ (1926) વગેરેનો સમાવેશ થાય છે.
હર્ષિદા દવે