રિવર્સ, લૅરી (Rivers, Larry) (જ. 17 ઑગસ્ટ 1923, ન્યૂયૉર્ક સિટી) : અમૂર્ત અભિવ્યક્તિવાદી અમેરિકન ચિત્રકાર. ચિત્રમાં બળૂકો આવેગ દર્શાવતા લસરકા માટે તે જાણીતો છે. મૂળ નામ ઇટ્ઝ્રોખ લોઇઝા ગ્રોસ્બર્ગ (Yitzroch Loiza Grossberg).

‘જિલિયાર્ડ સ્કૂલ ઑવ્ મ્યુઝિક’માં રિવર્સે સંગીતસંરચના(composition)નો અભ્યાસ કર્યો અને ધંધાદારી સેક્સોફૉનિસ્ટ બન્યો. 1947થી 1948 સુધી ન્યૂયૉર્ક નગર અને મૅસેચૂસેટ્સમાં અમૂર્ત અભિવ્યક્તિવાદી અગ્રિમ ચિત્રકાર હાન્સ હૉફમૅન પાસે અમૂર્ત અભિવ્યક્તિવાદી કલાનો અભ્યાસ કર્યો. આ પછી ન્યૂયૉર્ક યુનિવર્સિટી કૉલેજમાં અભ્યાસ કરી 1951માં તે ચિત્રકલાનો સ્નાતક બન્યો. આરંભકાલીન ચિત્રોનું પ્રદર્શન 1949માં ન્યૂયૉર્ક નગરમાં યોજાયેલું.

રિવર્સની પહેલી મહત્વની ચિત્રકૃતિ ‘ધ બરિયલ’ (1951) તેની દાદીની દફનવિધિનું નિરૂપણ કરે છે. તેનું બીજું એક ચિત્ર ‘વૉશિંગ્ટન ક્રૉસિંગ ધ ડેલાવારે’ (1953) ઓગણીસમી સદીના અમેરિકન ચિત્રકાર ઇમૅન્યુઅલ લુત્ઝેના તે જ નામના ચિત્ર પર આધારિત છે. 1951થી 1957 સુધી તેણે તેની સાસુનાં અસંખ્ય વ્યક્તિચિત્રો ચીતર્યાં. તેમાંથી ‘ડબલ પૉર્ટ્રેટ ઑવ્ બર્ડી’ નામનું ચિત્ર (1955, હાલ વ્હિટની મ્યુઝિયમ ઑવ્ અમેરિકન આર્ટ) તેમાં રહેલી કઠોર વાસ્તવિકતા માટે ખૂબ જાણીતું બન્યું છે. રિવર્સનાં ચિત્રો તેમાં રહેલી ઝીણી કારીગરી (draftsmenship) અને સુંદર રંગસંયોજનને કારણે આકર્ષક બને છે. ચિત્રોમાં ઘણી વાર એકથી વધુ દૃષ્ટિકોણને સાંકળી લેવામાં આવ્યા છે. 1961 પછી સિગારેટનાં ખોખાં રિવર્સનાં ચિત્રોમાં વારંવાર દેખા દે છે. પછી તે પૉપ આર્ટ તરફ વળ્યો. 1963 પછી તેણે શિલ્પ, ચિત્ર અને કૉલાજ(collage)ને સાંકળી લેતા બહુમાધ્યમી (mixed media) કલાકૃતિઓ સર્જી. આનું એક ઉદાહરણ છે : ‘ધ હિસ્ટરી ઑવ્ ધ રશિયન રિવોલ્યૂશન ફ્રૉમ માર્કસ ટુ મેયાસ્કોવ્સ્કી’ (1965).

આ કલાકૃતિ એક મશીનગન ઉપરાંત નાનીમોટી કેટલીક ચીજવસ્તુઓ ઉપરાંત આશરે 30 જેટલાં અલગ અલગ ચિત્રોના સંયોજનથી સર્જાઈ છે અને હાલમાં ન્યૂયૉર્ક નગરના ‘હિર્શોર્ન કલેક્શન’માં સંગ્રહાયેલી છે.

અમિતાભ મડિયા