રિવર્ટન (Riverton) : યુ.એસ.ના વાયોમિંગ રાજ્યના મધ્ય-પશ્ચિમે આવેલા ફ્રીમૉન્ટ પરગણાનું શહેર. ભૌગોલિક સ્થાન : 43° 01´ ઉ. અ. અને 108° 22´ પ. રે. તે વિન્ડ નદીના મુખ ખાતે બિગહૉર્ન નદીથી રચાતા સંગમસ્થાને વસેલું છે. 1906માં તે ‘વર્ડ્ઝવર્થ’ નામથી સ્થપાયેલું, પરંતુ તે ચાર નદીઓના સંગમસ્થાન પર આવેલું હોવાથી તેને રિવર્ટન નામ અપાયું છે.
તે વિન્ડ રિવર થાળા માટેનું વહાણવટાનું કેન્દ્રસ્થાન બની રહેલું છે. અહીંના પ્રદેશને રિવર્ટન ઊર્જામથક અને ભૂમિસુધારણા પ્રકલ્પ દ્વારા સિંચાઈ ઉપલબ્ધ થાય છે. આ શહેરમાં પશુપાલન, યુરેનિયમ અને ગંધકના તેજાબના એકમો આવેલા છે. અહીં નજીકનાં સ્થળોમાં જ ખનિજતેલ અને કુદરતી વાયુના કૂવાઓ આવેલા છે. રિવર્ટન ખાતે 1968માં સેન્ટ્રલ કૉલેજની સ્થાપના થયેલી છે. આ શહેર વિન્ડ રિવર ઇન્ડિયન રિઝર્વેશનની નજીકમાં આવેલું છે.
જાહ્નવી ભટ્ટ