રિલ્કે, રાઇનર મારિયા (જ. 4 ડિસેમ્બર 1875, પ્રાગ, બોહેમિયા, ઑસ્ટ્રિયા-હંગેરી (અત્યારે ઝેક પ્રજાસત્તાકમાં); અ. 29 ડિસેમ્બર 1926, વાલ્મૉન્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઑસ્ટ્રો-જર્મન કવિ. મૂળ નામ રેને મારિયા રિલ્કે. ઑસ્ટ્રો ‘દુઇનો એલિજિઝ’ અને ‘સૉનેટ્સ ટુ ઑર્ફિયસ’ માટે જગવિખ્યાત.
ખાસ સુખી નહિ તેવા પરિવારનું એકનું એક સંતાન. તેમના પિતા જોસેફ મુલકી સેવામાં હતા. તેમનાં માતા ઉચ્ચ મધ્યમવર્ગનાં હતાં. તે 1884માં પતિને છોડીને વિયેના ચાલ્યાં ગયાં હતાં. નાનપણથી રિલ્કે અત્યંત સંવેદનશીલ હતા. લગભગ છોકરી જેવો તેમનો સ્વભાવ હતો. 1886થી 1891 સુધી તેમને મિલિટરી શાળામાં મૂકવામાં આવ્યા હતા. શરીર પૂરું તંદુરસ્ત નહિ હોવાના કારણે તેમને મિલિટરી શાળા છોડવી પડી હતી. 1892થી 1895 દરમિયાન તેમણે ખાનગી ટ્યૂશન દ્વારા શિક્ષણ મેળવ્યું. 1895–96માં તેમણે પ્રાગ ખાતે ચાર્લ્સ યુનિવર્સિટીમાં સાહિત્ય અને કલાના ઇતિહાસનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેઓ પ્રાગનાં ઝેક સાહિત્યિક વર્તુળોના સંપર્કમાં આવ્યા. ઝેકની સ્વાતંત્ર્ય-ચળવળ માટે તેમને ઘણી સહાનુભૂતિ હતી. 1894માં તેમણે કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો. પોતાની સાહિત્યિક કારકિર્દી માટે તેમને પૂરી શ્રદ્ધા હતી. 1896માં તેઓ તેમના પરિવારથી અલગ થઈ ગયા. તેમણે પ્રાગ છોડ્યું અને બાકીનો અભ્યાસ મ્યૂનિક યુનિવર્સિટીમાં મ્યૂનિક ખાતે પૂરો કર્યો. ત્યાં તેઓ મે 1897માં લૂ ઍન્ડ્રિયાસ સલૉમી(1861–1937)ને મળ્યા. થોડા સમયમાં જ તે તેમની પ્રેયસી બની. 36 વર્ષની લૂ પિટ્સબર્ગથી આવેલ રશિયન જનરલ અને જર્મન માતાની પુત્રી હતી. જુવાનીમાં તે એક ફિલૉસોફર દ્વારા પ્રેમ પામી હતી, પણ પછી એ ફિલૉસોફરે તેને ત્યજી દીધી હતી. તે રિલ્કેને મળી તેના 10 વર્ષ પહેલાં તેણે એક જર્મન અધ્યાપક સાથે લગ્ન કરેલાં. લૂ સાથેનો પ્રણય રિલ્કેના જીવનનો મહત્ત્વનો વળાંક બની રહ્યો. લૂ રિલ્કેની સ્વામિની ઉપરાંત માતા જેવી પણ હતી. પ્રણયજીવનના અંત પછી પણ લૂ તેની અંગત મિત્ર બની રહેલી. લૂએ રિલ્કેને રશિયાનો પરિચય કરાવ્યો. રિલ્કેના જીવનમાં રશિયા એક સીમાસ્તંભ જેવું હતું. લૂ અને રિલ્કે 1899ની વસંતમાં સૌપ્રથમ વાર રશિયા ગયાં હતાં અને ત્યારપછી 1900ના ઉનાળામાં. તેમની લાગણીઓના આદર્શ પ્રતીક રૂપે જોયેલું આંતર-વાસ્તવ તેમણે રશિયામાં બાહ્ય-વાસ્તવ રૂપે શોધ્યું. તેમના માટે રશિયા અસ્તિત્વનો તથા પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવનારું હતું. રશિયાએ તેમનામાં કાવ્યતત્વસંબંધી પ્રતિક્રિયાઓ જગાવી. પરિણામે તેમનાં ગંભીર કામોની સાચી શરૂઆત થઈ ‘દાસ સ્ટનડન બુશ’ (1905)થી; તેમાં કાવ્યતત્વસંબંધી ‘હું’ પોતાની જાત જુવાન સાધુના રૂપમાં વાચકને સમર્પે છે. તેમાં કવિએ ઈશ્વરને ‘જીવન’ના અવતાર રૂપે ઘડ્યો છે.
રશિયાની બીજી મુસાફરી બાદ રિલ્કે વર્પસ્વેડની કલાકારોની કૉલોનીમાં જોડાયા. એપ્રિલ 1901માં તેમણે શિલ્પી યુવતી ક્લારા વેસ્થૉફ સાથે લગ્ન કર્યાં. ત્યારબાદ તેમણે ‘દાસ સ્ટનડન બુશ’ના બીજા ભાગ માટે કામ કર્યું; તથા કલાકારોની કૉલોની વિશે એક પુસ્તક લખ્યું. ડિસેમ્બર 1901માં ક્લારાએ પુત્રીને જન્મ આપ્યો. ત્યારબાદ રિલ્કે અને ક્લારા સમજપૂર્વક છૂટાં પડ્યાં. બંનેએ પોતપોતાની કારકિર્દી માટે એકમેકને મુક્ત કર્યાં. ત્યારબાદ રિલ્કે રૉદિન વિશેના પુસ્તકના લેખન માટે પૅરિસ ગયા. 12 વર્ષ તેમણે પૅરિસમાં ગાળ્યાં. અવારનવાર તેઓ પૅરિસથી અન્ય નગરો તથા દેશોની મુલાકાતે જતા. 1903ની વસંતમાં તે વાઇરેગિયો ઇટાલી ગયા. ત્યાં તેમણે ‘દાસ સ્ટનડન બુશ’નો ત્રીજો ભાગ લખ્યો. 1903–04 દરમિયાન રોમ તથા 1904માં તેમણે સ્વીડનમાં કામ કર્યું. તેમણે દક્ષિણ ફ્રાન્સ, સ્પેન, ટ્યૂનિશિયા તથા ઇજિપ્તની યાત્રા કરી. તેઓ જર્મની તથા ઑસ્ટ્રિયા અવારનવાર જતા. રશિયા પછી પૅરિસમાં તેમનું મનપસંદ ઘર હતું. રિલ્કેનું પૅરિસ તે ભોગવિલાસમાં ડૂબેલું પાટનગર નહોતું, પણ ભય, ગરીબી અને મૃત્યુનું પાટનગર હતું. કલાકાર રાદાં સાથેની મૈત્રીના કારણે રિલ્કેમાં કળા તથા સર્જકતાની જાગરુકતામાં નવાં પરિમાણો ઉમેરાયાં. એકાગ્રતા તથા વસ્તુલક્ષિતાના સંદર્ભે ‘આકાર’ની શોધ શરૂ થઈ. પૅરિસના વસવાટ દરમિયાન રિલ્કેએ ‘ઑબ્જેક્ટ પોએમ’ તરીકે ઊર્મિકાવ્યોની એક નવી શૈલી વિકસાવી. આમાંની કેટલીક ખૂબ સફળ કાવ્યરચનાઓમાં તેમણે દૃશ્યકલાનાં ચોક્કસ કામોનું કલ્પનાજન્ય શાબ્દિક રૂપાંતર કર્યું છે. બીજી કેટલીક કાવ્યરચનાઓ કોઈ ચિત્રકાર ભૂદૃશ્યો, છબીચિત્રો, બાઇબલ વિશે તથા પુરાણકથા સંબંધી વિષયો સાથે કાળજીપૂર્વક કામ પાર પાડતો હોય તે પ્રકારની છે. આ કાવ્યરચનાઓ ‘ન્યૂ ગેડિરત’ (1907–08) પરંપરાગત જર્મન ઊર્મિકાવ્યોથી સાવ જુદા જ પ્રકારની છે. રિલ્કે ભાષાને રહસ્યમય સૂક્ષ્મ દૃષ્ટિનાં અંતિમો તરફ લઈ જાય છે અને અન્ય કલાઓ પૈકી એક નિરાળી કલા તરીકે ઉપસાવે છે તેમજ વિદ્યમાન ભાષાઓ પૈકી એક જુદી જ કાવ્ય-ભાષા નિપજાવે છે. કવિ ચાર્લ્સ બૉદલેરથી તેઓ ખૂબ પ્રભાવિત હતા. ‘ઑઝીચનંગન’ અસ્તિત્વવાદી લખાણનું શરૂઆતનું નામાંકિત ઉદાહરણ છે.
રિલ્કેએ મુખ્યત્વે પ્રેમ, મૃત્યુ, ભય, નારીમાં દેવીનો આવિર્ભાવ અને ઈશ્વર જેવા વિષયો સફળતાપૂર્વક ખેડ્યા છે. લખવાનું છોડી દેવાનું મન થઈ આવે એટલી હદે તેમણે હતાશા-શૂન્યતાની પીડા ભોગવી હતી. તેમની ઉત્તમ કૃતિઓના સર્જન પાછળ આ પીડા પણ રહેલી છે.
પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે રિલ્કે મ્યૂનિકમાં હતા. ડિસેમ્બર 1915માં તેમને વિયેના ખાતે ઑસ્ટ્રિયન સેના સાથે જોડાવા માટે બોલાવાયા; પરંતુ જુલાઈ 1916માં તેઓ પાછા ફર્યા. આ સમયનું સામાજિક વાતાવરણ તેમને કવિતાનો કે ‘જીવન’નો શ્વાસ લેવા દે તેમ નહોતું. યુદ્ધના દિવસો દરમિયાન તો તેઓ જાણે સંપૂર્ણ લકવાગ્રસ્ત થઈ ગયા હોય તેવું અનુભવ્યું. ત્યારપછીનાં 7 વર્ષ તેમણે સ્વિટ્ઝર્લૅન્ડમાં ગાળ્યાં.
ફેબ્રુઆરી 1922માં થોડા જ દિવસોના ગાળામાં તેમણે ‘દુઇનો સાઇકલ’ કાવ્યમાળા પૂરી કરી, જેનો વિષય તથા ભાવ કરુણપ્રશસ્તિગીતો(elegies)ની અત્યંત નિકટનાં છે. તેવાં ઉત્તમ 55 કાવ્યો અનાયાસ ફૂટ્યાં ‘સૉનેટ્સ ટુ ઑર્ફિયસ’. ‘દુઇનો એલિજીઝ’ એ રિલ્કેની કવિતાના વિકાસનું ઉચ્ચતમ શિખર ગણાય છે. આ કાવ્યોમાં ‘આધુનિક’ માણસની પરિસ્થિતિના પ્રતિબિંબને રજૂ કરતું નવું પુરાકલ્પન (myth) રચાયેલું જોઈ શકાય છે.
નિત્શેની જેમ રિલ્કેએ પણ ક્રિશ્ચિયન દ્વૈતમતનો વિરોધ કર્યો હતો. 1925ની શરૂઆતમાં રિલ્કે ફરી પૅરિસ ગયા. આન્દ્રે ગીદ તથા પૉલ વૅલેરી જેવા તેમના જૂના મિત્રો તથા નવા પ્રશંસકો દ્વારા તેઓ ખૂબ સત્કાર પામ્યા.
1923થી તેઓ માંદા રહેતા, પરંતુ માંદગીનું સાચું કારણ પકડાતું નહોતું. તેમના મરણનાં થોડાં અઠવાડિયાં અગાઉ જ તેમનો રોગ પકડાયો. લોહીના અસાધ્ય કૅન્સર(leukemia)થી તેઓ મૃત્યુ પામ્યા.
તેમની કેટલીક કૃતિઓ આ પ્રમાણે છે : પદ્ય : ‘ઍડવેન્ટ’ (1898), ‘દાસ સ્ટુન્ડન બુશ’ (1905), ‘ધ બુક ઑવ્ અવર્સ’ (1961), ‘ન્યૂ પોએમ્સ’ (1964), ‘રેક્વિયમ ઍન્ડ અધર પોએમ્સ’ (1949), ‘ધ લાઇફ ઑવ્ ધ વર્જિન મેરી’ (અનુ. સ્ટીફન સ્પેન્ડર 1951), ‘દુઈ નો એલિજીઝ’ (ચોથી આવૃત્તિ, 1963), ‘સૉનેટ્સ ટુ ઑર્ફિયસ’ (બીજી આવૃત્તિ, 1946), ‘લેટર પોએમ્સ’ (1938); ગદ્ય : ‘સ્ટોરિઝ ઑવ્ ગૉડ’ (1932), ‘ઑગસ્ટ રૉડિન’ (1903), ‘ધ ટેલ ઑવ્ ધ લવ ઍન્ડ ડેથ ઑવ્ કૉર્નેટ ક્રિસ્ટોફર રિલ્કે’ (1932), ‘ધ નોટબુક ઑવ્ માલ્તે લોરિડ્ઝ બ્રિગ’ (1930).
યોગેશ જોશી