રિયો ડી જાનેરો : બ્રાઝિલમાં આવેલું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22° 54´ દ. અ. અને 43° 14´ પ. રે. આજુબાજુનો 1171 ચોકિમી.
જેટલો વિસ્તાર આવરી લે છે. દક્ષિણ અમેરિકામાં સૌથી મોટાં ગણાતાં શહેરોમાં તે સાઉ પાઉલોથી બીજા ક્રમે આવે છે. બ્રાઝિલમાં તે માત્ર ‘રિયો’ નામથી પણ ઓળખાય છે. દક્ષિણ અમેરિકામાં આવેલાં મહત્વનાં દરિયાઈ બંદરો પૈકીનું તે એક છે. રિયો ડી જાનેરોનું આ બંદર બ્રાઝિલના અગ્નિકોણમાં આટલાંટિક મહાસાગરના‘ગુઆના- બારા બે’ના મુખ આગળ આવેલું છે. આ ઉપરાંત તે અગત્યનું વિહારધામ તથા રિયો ડી જાનેરોના અલગ રાજ્યનું પાટનગર પણ છે. 1763થી 1960 સુધી તે બ્રાઝિલ દેશનું પાટનગર પણ હતું.
દક્ષિણ અમેરિકાના બધા જ દેશોમાં બ્રાઝિલનું આ શહેર કુદરતી દૃશ્યોથી ભરપૂર અને રમણીય છે. રિયો જંગલ-આચ્છાદિત પર્વતો, આટલાંટિક મહાસાગર(ગુઆનાબારા બે)નાં ભૂરાં જળ વચ્ચે આવેલું હોવાથી વધુ સુંદર દેખાય છે. સૂર્યતાપમાં ચમકતા શ્વેત રેતપટો અને તાડનાં ઊંચાં વૃક્ષો શહેરની શોભામાં વધારો કરે છે. ગુઆનાબારા બેમાં આવેલો શુગર લોફ પર્વત (404 મીટર) સુંદર ર્દશ્ય ઊભું કરતો હોવાથી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે.
શહેર : આ શહેર લગભગ મકરવૃત્ત પર આવેલું છે. ઍટલૅંટિક મહાસાગરનો કિનારો તેની દક્ષિણ સરહદ રચે છે, જ્યારે ગુઆનાબારા બે તેની પૂર્વ સરહદે તથા ઉત્તર અને પશ્ચિમ તરફ પહાડી પ્રદેશ આવેલો છે. શહેરમાં પણ ઉગ્ર ઢોળાવવાળી ઘણી ટેકરીઓ છે. કૉર્સોવેડો માઉન્ટન નામની ટેકરી અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ છે. તેની ટોચ પર મૂકેલા ક્રાઇસ્ટ ધ રિડીમરના બાવલાના સ્થળેથી આખુંય શહેર નિહાળી શકાય છે.
આ શહેર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે : ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિભાગ. આ પૈકી ઉત્તર વિભાગ સૌથી મોટો છે. તે મહાસાગરના કિનારાને સમાંતર આવેલી ટેકરીઓની શ્રેણીથી ઉત્તર તરફ આવેલો છે. તેમાં ઉપસાગરના કાંઠાવિભાગનો સમાવેશ થઈ જાય છે. આ વિભાગમાં ઘણી ગોદીઓ, કારખાનાં અને વિશાળ આવાસી વિસ્તારો છે. રિયો નિટેરૉઇ બ્રિજ જે 14 કિમી. સુધી વિસ્તરેલો છે, તે ઉપસાગરની પૂર્વમાં આવેલા શહેર નિટેરૉઇને ઉત્તર વિભાગ સાથે જોડે છે. ગુઆનાબારા ઉપસાગરનાં જળ તેના કેટલાક ભાગોમાં ગટરનાં પાણીથી દૂષિત થયેલાં છે.
શહેરનો મધ્ય વિભાગ નાનો છે. તેમાં મુખ્ય ધંધાદારી વિસ્તારનો સમાવેશ થાય છે. તે ઉપસાગરના મથાળા નજીક આવેલો છે. આ વિભાગમાં અઢારમી સદી દરમિયાન બંધાયેલાં ચર્ચ નજીક કાર્યાલયોની મોટી આધુનિક ઇમારતો આવેલી છે. અહીંના વિશાળ રાજમાર્ગો વાહનોની અવરજવરથી અત્યંત ભરચક રહે છે. આ વિભાગની અન્ય શેરીઓ ખૂબ જ સાંકડી છે. શહેરનાં પુસ્તકાલયો, સંગ્રહસ્થાનો અને થિયેટરો અહીં આવેલાં છે. રાજમહેલમાં આવેલી અહીંની મુખ્ય પોસ્ટ ઑફિસ એક જમાનામાં બ્રાઝિલના પૉર્ટુગીઝ શાસકોનું નિવાસસ્થાન હતી.
દક્ષિણ વિભાગ લાંબો, સાંકડો છે. તે મહાસાગર અને કાંઠા પરની ટેકરીઓની વચ્ચે આવેલો છે. અહીં રોદ્રિગો દ ફ્રીતાસ નામનું એક ખાડીસરોવર આવેલું છે. અહીં નજીકમાં જ એક વનસ્પતિ-ઉદ્યાન છે. તેમાં વિવિધ જાતના છોડવા જોવા મળે છે. અહીંના દરિયાઈ કંઠાર રેતપટ નજીક ઘણા ગગનચુંબી ફ્લૅટો આવેલા છે. કોપાકબાના રેતપટ તેની ભવ્ય હોટેલો અને રંગબેરંગી પથ્થરોથી સજાવેલી ફૂટપાથ/પગથીઓથી રમણીય લાગે છે. કોપાકાબાના રેતપટના સુંદર એશઆરામી આવાસોની સરખામણીએ ‘ફાવેલાસ’ નામથી ઓળખાતી ઝૂંપડપટ્ટીઓ કિનારાના કળણવાળા ભાગોમાં તેમજ ઉગ્ર ઢોળાવવાળી ટેકરીઓ પર જોવા મળે છે. રિયો નજીકના ખીણભાગોમાં પરાવિસ્તાર આવેલો છે. અહીં ઓછા પગારવાળા લોકોની અને શ્રમિકોની સંખ્યા વધુ છે.
આ શહેર વસ્યું ત્યારે શરૂઆતના અરસામાં રિયોમાં વસતા લોકો કૅરિયોકોસ તરીકે ઓળખાતા. ‘ગોરાઓનું ઘર’ એવા અર્થવાળા દક્ષિણ અમેરિકી ઇન્ડિયન શબ્દ પરથી પૉર્ટુગીઝ વસાહતીઓએ આવું ઉપનામ આપેલું. આજે તો ‘કૅરિયોકોસ’ નામ હેઠળ અમેરિકી ઇન્ડિયન ઉપરાંત યુરોપિયન અને આફ્રિકી વંશજોનો સમાવેશ થાય છે. તેઓ બધા જ પૉર્ટુગીઝ ભાષા બોલે છે.
રિયોમાં વસતા મોટાભાગના લોકો રોમન કૅથલિકધર્મી છે. તે પૈકીના કેટલાક કૅથલિક લોકો પ્રૉટેસ્ટન્ટ-સેવાઓમાં પણ હાજરી આપે છે. અહીંના બીજા કેટલાક માકુમ્બા ધાર્મિક પ્રસંગોમાં પણ ભાગ લે છે. માકુમ્બાના અનુયાયીઓ ખ્રિસ્તી સંતોને પણ પૂજે છે; એટલું જ નહિ, તેઓ આફ્રિકાના અમુક ધર્મોનાં દેવ-દેવીઓને પણ પૂજે છે. નૂતનવર્ષની સંધ્યાએ હજારો કૅરિયોકોસ લોકો રેતપટ પર એકઠા થાય છે. એ પ્રસંગ નિમિત્તે મીણબત્તીઓ જલાવે છે. એવા પ્રસંગો દરિયાઈ દેવી લેમન્ઝાના માનમાં ઊજવાય છે.
ઘણા કૅરિયોકોસ લોકો સૂર્યસ્નાન માટે, તરવા માટે અથવા ફૂટબૉલની રમત રમવા જાય છે. આ માટેનું મેદાન દુનિયાભરમાં રમાતી મોટી રમતોના મેદાન જેવડું છે. અહીં રાત્રિક્લબોની અને કાફેની સંખ્યા વિશેષ છે. ઘણા લોકો માત્ર સમય પસાર કરવા માટે રાત્રિક્લબોમાં કે કાફેમાં જાય છે. અહીં કાર્નિવલનો વાર્ષિક ઉત્સવ ચાર દિવસ અને ચાર રાત્રિ સુધી આનંદભેર ઊજવાય છે અને દુનિયાભરમાં તે ખ્યાતિ પામેલો છે.
શિક્ષણ–સંસ્કૃતિ : પુસ્તકાલયો, સંગ્રહાલયો વગેરે જેવી સંસ્થાઓથી આ શહેર બ્રાઝિલમાં સાંસ્કૃતિક મથક તરીકે જાણીતું બનેલું છે. રિયો ડી જાનેરોની ફેડરલ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણક્ષેત્રે મોટી ગણાય છે. અહીંની નૅશનલ લાઇબ્રેરીમાં આશરે 30 લાખ જેટલાં પુસ્તકો છે. નૅશનલ મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સ, ફોકલૉર મ્યુઝિયમ અને ઇન્ડિયન મ્યુઝિયમ જેવાં સંગ્રહસ્થાનો અહીં આવતા પ્રવાસીઓ પૈકીના ઘણા જિજ્ઞાસુઓને આકર્ષે છે. મ્યુનિસિપલ થિયેટરમાં તેમજ બીજાં પ્રેક્ષકગૃહોમાં અવારનવાર સંગીત-જલસાઓ અને નાટકો ભજવાય છે. 1996 મુજબ મુખ્ય શહેરની વસ્તી 55,51,538 અને મહાનગરની વસ્તી 1,01,92,097 જેટલી છે. રિયો ડી જાનેરો રાજ્યની વસ્તી આશરે 1,34,06,308 જેટલી છે.
જોવાલાયક સ્થળો :
(i) દરિયાઈ કંઠારનો રેતપટ : કોપાકાબાના રેતપટ નામથી ઓળખાતો કંઠારવિભાગ દુનિયાભરમાં ખૂબ જ જાણીતો છે. આ રેતપટને વિહારધામ તરીકે પણ વિકસાવાયો છે. પ્રવાસીઓની અહીં ખૂબ અવરજવર રહે છે. ભવ્ય હૉટેલો તેમજ રાત્રિક્લબોથી આ વિભાગ ધબકતો રહે છે. પ્રવાસીઓ અને રિયોના નિવાસીઓ પણ આ રેતપટનો આનંદ માણવા ઊમટી પડે છે.
(ii) ક્રાઇસ્ટ ધ રિડીમર : કૉર્સોવેડો માઉન્ટન પર ક્રાઇસ્ટ ધ રિડીમરનું બાવલું આવેલું છે. ત્યાંથી આખું શહેર અને શહેરના લગભગ બધા જ ભાગોમાંથી આ બાવલું નજરે પડે છે. કૉન્ક્રીટ અને સોપસ્ટોનમાંથી બનાવેલું, 30 મીટરની ઊંચાઈવાળું આ શિલ્પ ફ્રેન્ચ શિલ્પી પૉલ લૅન્ડોવસ્કીના માર્ગદર્શન હેઠળની ટુકડીએ 1931માં તૈયાર કરેલું. રાત્રિ દરમિયાન પણ તે રોશનીથી જોઈ શકાય છે.
(iii) લાર્જો દો બોટિકેરિયો પર અઢારમી સદીની અર્થાત્ બ્રાઝિલ પર પૉર્ટુગીઝોનું શાસન હતું ત્યારની પૉર્ટુગીઝ શૈલીની ઇમારતો આવેલી છે. રિયોની ઘણી વસાહતી ઇમારતોને સ્થાને હવે આધુનિક ઇમારતોનું નિર્માણ કરાયું છે.
(iv) ગ્લૉરિયા ચર્ચ : મધ્ય રિયોનું આ ભૂમિચિહ્ન ગણાય છે. ઊંચાઈ પર આવેલા આ ચર્ચ પરથી ગુઆનાબારા બે જોઈ શકાય છે. બ્રાઝિલિયન બરૉક સ્થાપત્યશૈલી મુજબ તે બનાવેલું છે.
(v) વનસ્પતિ-ઉદ્યાન : આ વનસ્પતિ-ઉદ્યાનમાં હજારો જાતના છોડ જોવા મળે છે. બાગના માર્ગોની ધારે ધારે તાડનાં ઊંચાં વૃક્ષો નજરે પડે છે. બાગના વાતાવરણમાં ત્યાંનાં ફૂલોની મીઠી સોડમ પ્રસરેલી રહે છે. નાનાં નાનાં તળાવોમાં પોયણીઓનું સુંદર દૃશ્ય જોવા મળે છે. 1808માં જ્યારે આ ઉદ્યાન સ્થાપવામાં આવ્યો ત્યારે તેની સાથે એક સંગ્રહસ્થાન પણ તેમાં બનાવાયું છે.
(vi) શુગર લોફ માઉન્ટન : બ્રાઝિલના અગ્નિભાગમાં ગુઆનાબારા બેના મુખ પાસે આવેલું પહાડી ભૂમિસ્વરૂપ. તેની ટોચ પરથી આખું રિયો શહેર નિહાળી શકાય છે. 404 મીટરની ઊંચાઈ ધરાવતા ગ્રૅનાઇટથી બનેલા શંકુઆકારના તેના વિશિષ્ટ સ્વરૂપ પરથી આવું નામ અપાયેલું છે. તેના તળેટીભાગમાં સાઓ જોઆઓ નામનો એક નાનો કિલ્લો આવેલો છે, તેની નજીકની ટેકરી અને શુગર લોફ માઉન્ટન વચ્ચે રજ્જુ માર્ગ તૈયાર કરાયો છે.
આ ઉપરાંત મિનારાઓ અને ઝરૂખાઓ ધરાવતું એક વિશિષ્ટ પ્રકારનું નિવાસસ્થાન પણ જોવાલાયક છે.
અર્થતંત્ર : રિયોમાં આવેલી બૅંકો અને સ્ટૉક એક્સચેંજને કારણે આ શહેર બ્રાઝિલનું નાણામથક બની રહેલું છે. શહેરનાં કારખાનાંમાંથી દેશની આશરે 10 % ઔદ્યોગિક પેદાશો ઉત્પન્ન થાય છે. અહીંથી ઉત્પન્ન થતી પેદાશોમાં પ્રક્રમિત ખાદ્યપેદાશો, રસાયણો, ઔષધો–દવાઓ અને ધાતુઓનો સમાવેશ થાય છે. શહેરમાં મોટા જહાજવાડા પણ છે.
રિયો પરિવહનનું મુખ્ય મથક પણ છે. અહીંના સડકમાર્ગો અને રેલમાર્ગો બ્રાઝિલનાં બીજાં મોટાં શહેરોને રિયો ડી જાનેરો સાથે જોડે છે. શહેરમાં બે મુખ્ય હવાઈ મથકો પણ છે. રિયો સ્વયં બ્રાઝિલનું મુખ્ય દરિયાઈ બંદર છે. ગુઆનાબારા બેમાં આવેલા પૅક્વેટા ટાપુ સાથે ફેરીસેવા દ્વારા અવરજવરની સુવિધા ઊભી કરેલી છે. શહેરના પરિવહન-ક્ષેત્રે ભૂગર્ભ માર્ગોનો પણ ઘણો મોટો ફાળો છે.
ઇતિહાસ : 1494માં પૉર્ટુગીઝો અહીં સર્વપ્રથમ આવેલા. 1502ના જાન્યુઆરીની પહેલી તારીખે જ્યારે તેઓ ગુઆનાબારાને કાંઠે આવ્યા ત્યારે પૉર્ટુગીઝોએ આ સ્થળને રિયો ડી જાનેરો (જાન્યુઆરીની નદી) નામ આપેલું; વાસ્તવમાં અહીં કોઈ નદી નથી. ત્યારે આ વિસ્તારમાં તુપી ઇન્ડિયનો રહેતા હતા.
1555માં અહીં ફ્રેન્ચો આવ્યા. તેમણે એક વસાહત સ્થાપી. તે પછી 1565માં પૉર્ટુગીઝોએ અહીં રિયોની સ્થાપના કરી અને 1567માં ફ્રેન્ચોને હાંકી કાઢ્યા. 1690ના દાયકામાં પૉર્ટુગીઝ પૂર્વેક્ષકો (prospectors)એ દક્ષિણ બ્રાઝિલમાં સોનાના નિક્ષેપો હોવાનું શોધી કાઢ્યું. સોનાનાં ધાતુખનિજોને જહાજોમાં ભરીને તેમણે પૉર્ટુગલ લઈ જવાનું શરૂ કર્યું. બ્રાઝિલમાં સોનાની ખાણો શરૂ થવાથી અઢારમી સદીમાં પૉર્ટુગલમાંથી ઘણા વસાહતીઓ દક્ષિણ બ્રાઝિલમાં તેમજ રિયો ખાતે રહેવા માટે આવ્યા. રિયોમાં વસ્તી વધતી ગઈ અને તે વિકસતું ગયું. 1763માં તે બ્રાઝિલનું પાટનગર બન્યું.
પૉર્ટુગલના તત્કાલીન શાસક પ્રિન્સ જૉન (પછીથી રાજા જૉન VI), ત્યાંના પાટનગર લિસ્બન પર ફ્રાન્સે કરેલા હુમલાથી બચવા 1808માં રિયો આવ્યા. તેમણે રિયોને પૉર્ટુગીઝ સામ્રાજ્યનું પાટનગર જાહેર કર્યું. તેની પાછળ હજારો શ્રીમંત પૉર્ટુગીઝો પણ રિયોમાં આવીને વસ્યા. તેમણે અહીં તબીબી શાળાઓ, લશ્કરી શાળાઓ તેમજ પુસ્તકાલયો સ્થાપ્યાં. 1821માં જૉન લિસ્બન પાછા ફર્યા અને લિસ્બનને ફરીથી પાટનગર જાહેર કર્યું.
1822માં બ્રાઝિલ સ્વતંત્ર બનતાં રિયો ડી જાનેરોને બ્રાઝિલનું પાટનગર બનાવવામાં આવ્યું. ઓગણીસમી સદીના મધ્યકાળમાં જહાજી સુવિધાઓ વધવાથી અને સેવાઓ વિસ્તરવાથી તે યુરોપ અને ઉત્તર અમેરિકા સાથે સંકળાયું, વેપાર વિસ્તર્યો. જાહોજલાલી વધતી ગઈ. ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં રિયોનો આજે સુંદર ગણાતો નિવાસી ભાગ સાન્ટા ટેરેસા નેબરહુડ નિર્માણ પામ્યો. 1890 સુધીમાં રિયોની વસ્તી 5 લાખ જેટલી થઈ ગઈ હતી. વીસમી સદીની શરૂઆતમાં બ્રાઝિલના ગ્રામીણ વિસ્તારોમાંથી લાખો લોકો સ્થળાંતર કરીને આ શહેરમાં આવીને વસ્યા. શહેરનો મધ્યભાગ પહોળા માર્ગો, ફ્લૅટો અને નવી ઇમારતોના નિર્માણથી આધુનિકીકરણ પામ્યો. 1912માં શુગર લોફ માઉન્ટન પરની અવરજવર માટે રજ્જુમાર્ગની સગવડ ઊભી કરવામાં આવી. પરંતુ આવાસોની તંગી ઊભી થતી ગઈ. આથી જ્યાં જગા મળી ત્યાં ઝૂંપડપટ્ટીઓ બની. 1960–80ના બે દાયકાઓ દરમિયાન, સમવાયી સરકારે ઓછી આવકવાળાં જૂથો માટે આવાસી યોજનાઓ અમલમાં મૂકી, તેમને રહેઠાણોની સ્વચ્છ જગાઓ પૂરી પાડી. આ જ ગાળા દરમિયાન, બ્રાઝિલના અંતરિયાળમાં નવું પાટનગર બ્રાઝિલિયા બનાવાયું અને રિયોથી પાટનગરને ખેસવી લેવાયું. સરકારી કચેરીઓમાં કામ કરતા કેટલાક લોકો રિયો છોડીને ગયા નહિ અને નોકરીઓ ગુમાવી. રિયોમાં 1970ના દાયકામાં નવા ઔદ્યોગિક એકમો ઊભા થયા. 1975માં રિયો ગુઆનાબારા રાજ્યનું શહેર કહેવાતું બંધ થયું, રિયો ડી જાનેરોને રાજ્ય તરીકે જાહેર કરાયું અને તેમાં રિયોને તેમજ પરાં અને અન્ય કેટલાક ભાગોને ભેળવવામાં આવ્યા; પરિણામે શહેરનો વિસ્તાર અગાઉ જે માત્ર 151 ચોકિમી. હતો તે વધી 1,171 ચોકિમી. થયો અને તેની વસ્તીમાં પણ 20 % જેટલો વધારો થયો.
બીજલ પરમાર
ગિરીશભાઈ પંડ્યા