રિયો, એમિલ વિક્ટર (જ. 1887, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1972) : જાણીતા આંગ્લ સંપાદક તથા ભાષાંતરકાર. પ્રશિષ્ટ સાહિત્યના તેઓ શ્રદ્ધેય વિદ્વાન હતા. તેમને વિવિધ પ્રશિષ્ટ કૃતિઓનાં ભાષાંતર કરતાં કરતાં પોતાનાં પત્ની સમક્ષ તે રજૂ કરતા જવાની ટેવ હતી. એ રીતે તેમનાં પત્નીને ‘ઑડિસી’ની એમની રજૂઆતમાં રસ પડ્યો; પરિણામે રિયોને ‘ઑડિસી’નું પોતીકું રૂપાંતર કરવાની પ્રેરણા મળી. ‘ઑડિસી’ના રૂપાંતરની હસ્તપ્રત પેંગ્વિન પેપરબૅક પ્રકાશનગૃહના ઍલન લેનને આપવામાં આવી હતી. પણ તે રૂપાંતર 1946માં પ્રગટ થઈ શક્યું. આનું શુભ પરિણામ એ આવ્યું કે તે ‘પેંગ્વિન ક્લાસિક્સ’ નામની નવી શ્રેણી માટે પથદર્શક બની રહ્યું. ખુદ રિયો જ તે નવતર પ્રકાશનશ્રેણીના સંપાદક બની રહ્યા. 1964માં તેઓ નિવૃત્ત થયા ત્યારે ‘ઑડિસી’ની 20 લાખ ઉપરાંત નકલો વેચાઈ ચૂકી હતી.
મહેશ ચોકસી