રિયલગાર (realgar) : આર્સેનિકનું સલ્ફાઇડ. રાસા. બં. : AsS. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા પ્રિઝમૅટિક, c અક્ષને સમાંતર રેખાંકિત. મોટેભાગે દળદાર, ઘનિષ્ઠ, સ્થૂળથી સૂક્ષ્મ દાણાદાર; ચૂર્ણમય પોપડી કે આચ્છાદન સ્વરૂપે પણ મળે. યુગ્મતા : (100) ફલક પર, સાદા યુગ્મ સ્વરૂપે મળે. પારદર્શકથી પારભાસક.

રિયલગાર

સંભેદ : (010) સ્પષ્ટ; (101), (100), (120) અસ્પષ્ટ. ભંગસપાટી : વલયાકાર, છેદ્ય (sectile). ચમક : રાળમયથી ગ્રીઝ જેવી. રંગ : ઘેરા રાતાથી કેસરી રાતો. પ્રકાશમાં લાંબો વખત ખુલ્લા રહેવાથી પીળા-કેસરી ચૂર્ણમાં પરિવર્તન પામે. ચૂર્ણરંગ : કેસરી-પીળો. કઠિનતા : 1.5થી 2. વિ. ઘ. : 3.56. પ્રકા. અચ. : a = 2.538, b = 2.684, g = 2.704. પ્રકા. સંજ્ઞા : – Ve, 2V = 40° 34´.

પ્રાપ્તિસ્થિતિ : ઓછી ઉષ્ણતાવાળા ઉષ્ણજળજન્ય શિરાનિક્ષેપોમાં હરતાળ (ઑર્પિમેન્ટ) અને સ્ટિબ્નાઇટ સાથે મળે છે. ઊર્ધ્વપાતન પેદાશ તરીકે કે ગરમ પાણીના ઝરા નિક્ષેપોમાં ઓછા પ્રમાણમાં મળી રહે.

પ્રાપ્તિસ્થાનો : યુરોપીય દેશોમાં ઘણાં સ્થાનોમાં; ખાસ કરીને હંગેરી, જર્મની, ચેકોસ્લોવૅકિયા, સ્વિટ્ઝર્લૅન્ડ અને મૅસિડોનિયા-રુમાનિયામાંથી મળે છે. યુ.એસ.માં તે નેવાડા, યૂટાહ, તેમજ વાયોમિંગ(યલોસ્ટૉન નૅશનલ પાર્કના ગરમ પાણીના ફુવારાના નિક્ષેપો)માંથી પણ મળે છે.

ગિરીશભાઈ પંડ્યા