રિબેકાઇટ (riebeckite = crocidolite)

January, 2004

રિબેકાઇટ (riebeckite = crocidolite) : ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. રાસા. બંધારણ : Na2Fe32+ Fe23+ Si8O22(OH)2. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો લાંબા, પ્રિઝમૅટિક, લંબાઈને સમાંતર રેખાંકિત; દળદાર, રેસાદાર, સ્તંભાકાર, દાણાદાર. યુગ્મતા : (100) ફલક પર, સાદી પત્રવત્. પારભાસકથી લગભગ અપારદર્શક. સંભેદ : (110) પૂર્ણ. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : કાચમય, રેશમી. રંગ : ઘેરો વાદળીથી કાળો. કઠિનતા : 5. વિ. ઘ. : 3.32થી 3.382. પ્રકા. અચ. : α = 1.654થી 1.701, β = 1.662થી 1.711, γ = 1.668થી 1.717. પ્રકા. સંજ્ઞા. : – Ve કે + Ve; 2V = 40°થી 90°.

પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે તે ગ્રૅનાઇટ, સાયનાઇટ, ર્હાયોલાઇટ, ટ્રેકાઇટ, સ્તરબદ્ધ લોહપાષાણ (bedded ironstones) અને પ્રાકૃતિક વિકૃતિજન્ય શિસ્ટ ખડકોમાં મળે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, ગ્રીનલૅન્ડ, સ્કૉટલૅન્ડ, પૉર્ટુગલ, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, કૉર્સિકા, નાઇજીરિયા, દક્ષિણ આફ્રિકા, ઝામ્બિયા, કોરિયા, માડાગાસ્કર અને ઑસ્ટ્રેલિયામાં મળે છે.

રેસાયુક્ત રિબેકાઇટ ખડકો દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. આ ખનિજને ક્રોસીડોલાઇટ (crocidolite) ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. આ ખનિજના છ પ્રકારો છે. જેમાંનો એક Blue Asbestos તરીકે ઓળખાય છે. આ પ્રકારનો ઍસ્બેસ્ટૉસ અગાઉ સિગારેટના ફિલ્ટર અને gas maskમાં વાપરવામાં આવતો. તે દરમિયાન તેની જોખમી (Hazardous) અસરો જોવા મળી. આથી તેનો ઉપયોગ માનવસંપર્કમાં આવતી તમામ ચીજો માટે સ્થગિત કરવામાં આવ્યો.

ગિરીશભાઈ પંડ્યા

પ્રકાશ ભગવતી