રિઝા, આકા (જ. આશરે 1565, હેરાત, ઈરાન; અ. ?, આગ્રા) : જહાંગીર યુગના મુઘલ ચિત્રકાર. જહાંગીરના પ્રીતિપાત્ર. ઈરાનના હેરાત નગરમાં સફાવીદ શૈલીમાં તેમણે લઘુચિત્રકલાની તાલીમ લીધી હતી. તેમના તાલીમકાળની એક ચિત્રકૃતિ ‘ફીસ્ટ ઑવ્ ધ કિંગ ઑવ્ યેમેન’ હજી સુધી સચવાઈ રહી છે. જર્મન કલા-ઇતિહાસકાર શ્રોડર(Schroeder)ના મતાનુસાર રિઝા હેરાતના સફાવીદ ચિત્રકાર મહમ્મદીના શિષ્ય હતા. રિઝાના પુત્ર અબુલ હસન મુઘલ ચિત્રકલાના એક સમર્થ ચિત્રકાર બન્યા. રિઝાને જહાંગીર આગ્રાની ચિત્રકાર્યશાળા- (workshop)માં લઈ આવેલા. ઈરાનમાં રહી તેમણે ચીતરેલાં ચિત્રો તેહરાનની ગુલિસ્તાન લાઇબ્રેરીમાં સચવાયેલાં છે. મુઘલ ચિત્રકલામાં વાસ્તવદર્શન (realism) લાવવામાં આકા રિઝાનો મોટો ફાળો છે. વિખ્યાત મુઘલ ચિત્રમાળા ‘અન્વર-ઇ-સુહેલી’માં ચિત્રકારો બિશન દાસ, મધુ, અનંત અને પોતાના પુત્ર અબુલ હસન સાથે રિઝાએ પણ ચિત્રકામ કરેલું.
અમિતાભ મડિયા