રિચર્ડ્ઝ, આઇવર આર્મસ્ટ્રૉંગ (જ. 26 ફેબ્રુઆરી 1893, સૅન્ડબૅચ, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 7 સપ્ટેમ્બર 1979, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : આંગ્લ વિવેચક, કવિ અને વિદ્વાન શિક્ષક. કાવ્યવાચનની નવી રીતિ વિકસાવવામાં તેઓ અત્યંત પ્રભાવક પરિબળ બની રહ્યા અને તેમના અભિગમના પરિણામે ‘ન્યૂ ક્રિટિસિઝમ’ એટલે કે નવ્ય વિવેચનાની સંકલ્પના પ્રચલિત બની. તેઓ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હતા. તેમની દૃઢ માન્યતા હતી કે કવિતા માનવજીવનમાં ઉપચારલક્ષી (therapeutic) કામગીરી બજાવે છે, કેમ કે માનવચિત્તના વિવિધ આવેશોને સંકલિત કરી તે સુંદરતાગ્રાહી અવબોધ કરાવે છે; પરિણામે કવિ-લેખક તેમજ વાચક બંનેનું મન:સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
કેમ્બ્રિજમાં અભ્યાસ કરી, ત્યાં જ અંગ્રેજી તથા નીતિશાસ્ત્રના વિષયમાં અધ્યાપન કર્યું (1922થી 1929), તેમનાં પ્રભાવક પુસ્તકો આ ગાળા દરમિયાન લખાયાં. અર્થનિર્ધારણ વિજ્ઞાન(semantics)ને લગતો સંશોધનાત્મક (સી. કે. ઑગડનના સહયોગમાં લખેલ) ગ્રંથ ‘ધ મીનિંગ ઑવ્ મીનિંગ’ (1923) એ દિશામાં પથદર્શક બની રહ્યો. ‘પ્રિન્સિપલ્સ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ’ (1924) તથા ‘પ્રૅક્ટિકલ ક્રિટિસિઝમ’ (1929) તેમની વિવેચનાપદ્ધતિના પરસ્પર પૂરક એવા ગ્રંથો છે.
1930ના દાયકા દરમિયાન ઑગડને પ્રયોજેલી ‘બેઝિક ઇંગ્લિશ’ની પ્રથાની સુધારણા માટે તેમણે ઘણો પરિશ્રમ કર્યો, એ પદ્ધતિમાં કેવળ 850 શબ્દો હતા અને તેનાથી આંતરરાષ્ટ્રીય સદભાવમાં સહાય થશે એવું રિચર્ડ્ઝ માનતા. ચીનમાં મુલાકાતી પ્રાધ્યાપક (1929–1930) તરીકે ગયા ત્યારે ચીનમાં પણ ‘બેઝિક ઇંગ્લિશ’નો ખ્યાલ તેમણે રમતો કર્યો. 1936–1938 સુધી તે ઑર્થોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાઇનાના નિયામક રહ્યા. 1942માં તેમણે પ્લેટોના ‘રિપબ્લિક’નું બેઝિક ઇંગ્લિશમાં રૂપાંતર કર્યું. 1944માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક નિમાયા અને મુખ્યત્વે પ્રાથમિક શિક્ષણ વિશે કાર્ય કર્યું. 1963માં તેઓ ત્યાં માનાર્હ પ્રાધ્યાપક બન્યા. ‘ઇન્ટર્નલ કૉલોક્વિઝ’ (1971) તથા ‘ન્યૂ ઍન્ડ સિલેક્ટેડ પોએમ્સ’ (1978) – એ તેમના કાવ્યસંગ્રહો છે, તો ‘સાયન્સ ઍન્ડ પોએટ્રી’ (1926), ‘સ્પેક્યુલેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ (1955), ‘બિયૉન્ડ’ (1974) તથા ‘પોએટ્રિઝ’ (1974) એ તેમના નિબંધસંગ્રહો છે.
મહેશ ચોકસી