રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં 100 કિગ્રા.માં પણ વિજેતા બન્યા હતા; 1971–76 દરમિયાન તથા 1978 અને 1980માં 90 કિગ્રા.માં યુરોપિયન ચૅમ્પિયન અને 1979માં 100 કિગ્રા.માં યુરોપિયન ચૅમ્પિયન નીવડ્યા હતા. 1972 અને 1980 એમ બે પ્રસંગોએ ત્રણ પ્રયત્ને તેઓ વજન ઊંચકી શક્યા નહિ અને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા હતા; જ્યારે 1976માં તેઓ ધાર્યા પ્રમાણે સફળ રહેલા અને સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા હતા. 1970ના દાયકામાં તેમણે 82.5, 90 અથવા 100 કિગ્રા.ના 63 વિશ્વવિક્રમો સ્થાપ્યા હતા.
મહેશ ચોકસી