રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)

January, 2004

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં આવેલાં. ત્યારબાદ રાજા લૂઈએ તે સંગ્રહને જનતા માટે ખુલ્લો મૂક્યો, તેમાં જીવંત કલાકારોની પ્રાસ્તાવિક કૃતિઓ ગોઠવવામાં આવી.

નેપોલિયનની હાર થયા બાદ આ સંગ્રહને ટ્રિપેન્હૂસમાં ગોઠવીને 1817માં રિક્સ મ્યુઝિયમ તરીકે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. સંગ્રહને પ્રદર્શિત કરવા જગ્યાની સંકડાશ વરતાતી હતી. તેથી ગૉથિક રિવાઇવલ શૈલી મુજબ પી. જે. એસ. કુપરે નવા મકાનની ડિઝાઇન તૈયાર કરી અને 1885માં હાલના મ્યુઝિયમને કાયમી સ્વરૂપ આપી ખુલ્લું મૂકવામાં આવ્યું. ત્રણ માળવાળા આ મકાનમાં 260 ખંડો છે, છતાં મ્યુઝિયમમાં ફરતાં થાક ન લાગે તે માટે વસ્તુઓનું પ્રદર્શન કરવામાં વિશિષ્ટ કાળજી લેવાઈ છે.

આ મ્યુઝિયમમાંના સંગ્રહમાં મોટેભાગે ચિત્રો છે. એક ભાગમાં એશિયા ખંડની કલા, શિલ્પ વિભાગ, પ્રયોજિત કલા તથા ડચ ઇતિહાસ વિભાગના સંગ્રહો ગોઠવવામાં આવ્યા છે. મ્યુઝિયમનો પ્રભાવ પંદરમી સદીથી અઢારમી સદી સુધીનાં ડચ ચિત્રોને કારણે જળવાઈ રહ્યો છે. આ બધાં ચિત્રો બીજા માળે પ્રદર્શિત કરાયાં છે. મશહૂર ચિત્રકાર રૅમ્બ્રાંનાં ચિત્રો માટે 5 ખંડો ફાળવાયા છે. નીચેના માળે મુદ્રણકાર્ય માટેના ખંડમાં પણ રૅમ્બ્રાંના ચિત્રની ધાતુના પતરા પર છાપેલી નકલો તથા ડુરર નામના કલાકારની કૃતિઓ તથા ઍમ્સ્ટરડૅમ કૅબિનેટના કોઈ અજાણ્યા કલાકારની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

તદુપરાંત તેમાં પશ્ચિમ યુરોપીય ચિત્રો, શિલ્પ, પૌર્વાત્ય કલા અને શોભનકલાના નમૂનાઓ, સોનેરી અક્ષરોથી અંકિત હસ્તપ્રતો તેમજ યુરોપના ઉત્તમ નકશીકામ તથા ચિત્રોનો સંગ્રહ, ચાંદીની વસ્તુઓ, ફર્નિચર અને ડચ સંસ્કૃતિને લગતી ચીજવસ્તુઓ તેમજ 1,700થી શરૂ કરીને 2,000 સુધીની ઢીંગલીઓનો સંગ્રહ અત્યંત પ્રશંસનીય છે.

બળદેવભાઈ કનીજિયા