રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન ખડકોમાં કે આલ્કલાઇન અગ્નિકૃત ખડકોમાં ઉષ્ણજળજન્ય પેદાશ તરીકે મળે છે. કૉલોરાડો(યુ.એસ.)ની આયર્ન હિલ તેનું લાક્ષણિક પ્રાપ્તિસ્થાન છે.

ગિરીશભાઈ પંડ્યા