રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ મૅગ્નિટ્યૂડ સ્કેલની ફૉર્મ્યુલા શોધી હતી. 1958માં રિક્ટરે પ્રાથમિક સિસ્મૉલોજીનું પ્રકાશન કર્યું હતું. તેમણે અખબારી માધ્યમોને ભૂકંપના પ્રમાણ અને તીવ્રતાની સમજૂતી આપી હતી.
1935માં શોધાયેલા ભૂકંપના સ્કેલનું નામ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીના આ ભૌતિકશાસ્ત્રી ચાર્લ્સ એફ. રિક્ટરના નામ પરથી પડાયું છે. રિક્ટરે 1 વર્ષમાં 200 ભૂકંપોનો અભ્યાસ કર્યા પછી તારવેલી પૅટર્નના આધારે આ સ્કેલની શોધ કરી હતી.
રિક્ટર સ્કેલ વધુ યથાર્થ અને ભૂકંપની જથ્થાત્મક તીવ્રતા માપવાનો એકમ છે. ભૂકંપના આ માનાંકો માટે કોઈ મહત્તમ મર્યાદા હોતી નથી. પ્રત્યેક એકમ અગાઉના એકમ કરતાં દસગણો મોટો હોય છે. ગણિતશાસ્ત્રીઓ સ્કેલ ઉપર આંકડા ગોઠવવા લઘુગણક તરીકે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. દૃષ્ટાંત તરીકે 3.5 માનાંકવાળા ભૂકંપ મંદ ગણાય, 5.3ના માનાંકવાળા ભૂકંપ મધ્યમ ગણી શકાય, જ્યારે 6.3ના માનાંકવાળા ભૂકંપ વિનાશક કહી શકાય. 7 અને વધુ માનાંકવાળા ભૂકંપ અતિવિનાશક ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા