રિંગેલ, ફ્રાન્ઝ (Ringel, Franz), (જ. 1940, ગ્રાઝ, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. આરંભે ગ્રાઝની સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં પ્રો. એડેમેટ્ઝના માર્ગદર્શન હેઠળ અને વિયેનાની વિયેના એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પ્રો. કુટરસ્લોહ(Giitersloh)ના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. તેમણે 1966માં વિયેના ખાતે પોતાની કલાનું વૈયક્તિક પ્રદર્શન કર્યું.
1968માં હર્ઝિગ, જુન્ગ્વર્થ, કોખર્શીટ, પૉન્ગ્રેટ્ઝ અને ઝેપેલસ્પર્લ સાથે કલાકારોના જૂથ ‘વર્ખ્લીખીટન’ની સ્થાપના કરી. 1970થી તેમણે માનસિક બીમાર માણસોએ સર્જેલ ચિત્રોનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો. પોતાનાં ચિત્રોમાં પ્રબળ અભિવ્યક્તિવાદી શૈલીએ બિહામણા ચહેરાઓનું આલેખન શરૂ કર્યું. આ ચિત્રો ફ્રેંચ ચિત્રકાર દુબ્યુફે(Dubuffet)ને મળતાં આવે છે. 1980 પછી તેમણે પુષ્પો ચીતરવાં શરૂ કર્યાં.
રિંગેલે 1981, 1982 અને 1991માં વિયેનામાં તથા 1985માં ગ્રાઝમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શન કરેલાં. હાલમાં તેઓ વિયેનામાં રહીને કલાસર્જન કરે છે.
અમિતાભ મડિયા