રાહરનાં મેદાનો (Rahr plains) : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલાં નીચલી ગંગાનાં મેદાનો. આ મેદાનોનો વિસ્તાર આશરે 32,000 ચોકિમી. જેટલો છે. તે બાંકુડા, બીરભૂમ, વર્ધમાન તેમજ મેદિનીપુર જિલ્લાઓના વિસ્તારોને આવરી લે છે. આ પ્રદેશ પ્રાચીન કાળમાં આર્યોના પ્રદેશની છેક પૂર્વના છેડાની ભૂમિ તરીકે ઓળખાતો હતો. વેદમાં પણ તેનો વંગ (બંગ) રાજ્ય તરીકે ઉલ્લેખ મળે છે. સાતમી સદીમાં ભારતમાં આવેલા ઇતિહાસપ્રસિદ્ધ ચીની યાત્રી હુઅન શ્ર્વાંગે પણ તેનાં લખાણોમાં આ મેદાનોનો ઉલ્લેખ કરેલો છે. બારમી સદીના ઉત્તરાર્ધ પછી આ વિસ્તાર પર મુસ્લિમોનું અને 1757ના પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોનું શાસન રહેલું.
ઉત્તરના પહાડી વિસ્તારોને બાદ કરતાં કાંપથી બનેલાં આ મેદાનો સપાટ લક્ષણ ધરાવે છે, જોકે ક્યાંક ક્યાંક ભૂપૃષ્ઠ નીચેના સખત ખડકો અહીં વિવૃત થયેલા જણાય છે. અહીં ભેજવાળાં ખરાઉ જંગલો આવેલાં છે, તેમાં સાલ, ચંપક અને બાવળ વિશેષ છે. આ ઉપરાંત વાંસ, લૉરેલ, ઑર્કિડ અને મોટા વેલાઓ પણ જોવા મળે છે. ઉત્તર તરફ ગાઢ જંગલ-વિસ્તાર આવેલો છે. ત્યાંના જલદાપાડા વન્યજીવન અભયારણ્યમાં એકશૃંગી ગેંડો, હાથી અને વાઘ છે.
આ મેદાનોમાં ભાગીરથી, દામોદર અને અજય નદીઓ જુદા જુદા વળાંકો લઈને સર્પાકારે વહે છે. અહીંની દામોદર અને મયૂરાક્ષી ખીણ યોજનાઓને કારણે સિંચાઈ, જળવિદ્યુત, જળમાર્ગવ્યવહાર અને માછીમારી વિકસ્યાં છે.
આ વિસ્તારનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ-આધારિત છે. અહીં અનાજ, કઠોળ, તેલીબિયાં, ફળો, શાકભાજી, સોપારી, ખજૂરી અને ચાના કૃષિપાકો લેવાય છે. પશુપાલન તેમજ મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. ખનિજક્ષેત્રે આ વિસ્તાર ખૂબ જ સમૃદ્ધ છે. લોહ, તાંબા, સીસા અને જસતના અયસ્કના વિપુલ જથ્થા તેમજ ભારતનું મોટું ગણાતું રાણીગંજ કોલસાક્ષેત્ર આ પ્રદેશમાં આવેલાં છે. આસનસોલ અને દુર્ગાપુરનાં ઔદ્યોગિક સંકુલો પણ અહીં જ ઊભાં થયેલાં છે. અન્ય ઉદ્યોગોમાં સુતરાઉ અને રેશમનો ઉદ્યોગ, શણ, કાગળ, રસાયણો, ખાતરો, સાઇકલો, ગાડીનાં એંજિનો, સ્ટીમ-બોટ, મોટરબોટ વગેરેનો સમાવેશ થાય છે. સડકમાર્ગો તેમજ રેલમાર્ગોની સુવિધા ધરાવતાં દુર્ગાપુર, આસનસોલ, વર્ધમાન, બાંકુડા, મેદિનીપુર અને સૂરી જેવાં મુખ્ય નગરો પણ અહીં આવેલાં છે.
જાહ્નવી ભટ્ટ