રાસાયણિક સમીકરણ : રાસાયણિક પ્રક્રિયાને, તેમાં ભાગ લેતા તેમજ પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થતા પદાર્થોના કણો (પરમાણુઓ, અણુઓ, આયનો) માટે સંજ્ઞાઓ (symbols) અને સૂત્રો વાપરીને, દર્શાવવાની એક રીત. આવા સમીકરણમાં પ્રક્રિયા કરતા પદાર્થો (પ્રક્રિયકો) સામાન્ય રીતે ડાબી બાજુએ જ્યારે પ્રક્રિયા થયા બાદ ઉદભવતી નીપજોને જમણી બાજુએ દર્શાવવામાં આવે છે અને તેમને બરાબરની સંજ્ઞા (=), એક તીર (→) અથવા બેવડા તીર () વડે દર્શાવવામાં આવે છે. આ પૈકી બરાબર અથવા સમાન સંજ્ઞા પ્રક્રિયા દ્વારા શું બને છે તે સૂચવે છે, જ્યારે બેવડા તીરની સંજ્ઞા એમ સૂચવે છે કે પ્રક્રિયા ગમે તે દિશામાં થઈ શકે છે. કોઈ કોઈ વાર = સંજ્ઞાને બદલે એક જ તીર વપરાય છે, પણ ખરેખર એક તીર એમ દર્શાવે છે કે પ્રક્રિયા અપ્રતિવર્તી છે અને તે તીર વડે દર્શાવેલ દિશામાં જ થાય છે. દા.ત.,

આમાં બીજું સમીકરણ એમ સૂચવે છે કે બે ક્લોરીન પરમાણુઓ સંયોજાઈ ક્લોરીનનો એક અણુ બનાવે છે, પણ તે પ્રક્રિયા સંજોગો અનુસાર ઊલટી દિશામાં પણ થઈ શકે છે. જેમ કે ઓરડાના તાપમાને પ્રક્રિયા ડાબેથી જમણી બાજુ થાય છે, જ્યારે ઊંચા તાપમાને તે જમણી તરફથી ડાબી તરફ થાય છે, આ દર્શાવવા તીર ઉપર તાપમાન પણ લખવામાં આવે છે.

પહેલા સમીકરણમાં a, b, c, d વગેરે જે તે પદાર્થના (અનુક્રમે A, B, C, Dના) કેટલા કણો પ્રક્રિયામાં ભાગ લે છે તે દર્શાવે છે. આ સાપેક્ષ અંકોને ઉચિત તત્વપ્રમાણી ગુણાંક (stoichiometric co-efficient) કહે છે. જો પ્રક્રિયામાં વિભિન્ન પ્રાવસ્થા (phases) સંકળાયેલી હોય તો તે પદાર્થની સંજ્ઞા પછી કૌંસમાં તેની પ્રાવસ્થા પણ દર્શાવવામાં આવે છે. દા.ત.,

CaCO3(s)  CaO(s) + CO2(g)

(s = ઘન; l = પ્રવાહી; g = વાયુ; aq = જલીય)

જો દ્રાવણમાં થતી પ્રક્રિયા દરમિયાન ઘન અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો તે નીચે બેસી જવાની પ્રકૃતિ ધરાવતા હોવાથી તેમને નીચેની તરફ જતા તીર વડે અને જો વાયુ ઉત્પન્ન થતો હોય તો ઉપરની દિશા દર્શાવતા (લંબ, vertical) તીર વડે દર્શાવવામાં આવે છે,

અહીં Dનો ઉપયોગ પદાર્થને ઉષ્મા આપવામાં આવી છે (ગરમ કરવામાં આવ્યો છે) તે દર્શાવવા માટે થાય છે.

રાસાયણિક સમીકરણ મુખ્યત્વે બે મૂળભૂત માહિતી દર્શાવે છે :

(1) પ્રક્રિયકો (ડાબી બાજુએ) તથા નીપજો (જમણી બાજુએ) અને (2) પ્રક્રિયામાં ભાગ લેતા એકમોનું પ્રમાણ (proportion) એટલે કે પ્રત્યેક પ્રક્રિયક તથા નીપજના કેટલા એકમો પ્રક્રિયામાં સંડોવાયેલા છે તે.

સમીકરણ હંમેશાં સંતુલિત હોવું જોઈએ એટલે કે ડાબી બાજુએ રહેલા કોઈ એક ચોક્કસ તત્વના કુલ પરમાણુઓની સંખ્યા જમણી બાજુએ આવેલા તે તત્વના કુલ પરમાણુઓની સંખ્યા જેટલી જ હોવી જોઈએ.

Na2CO3 + 2HCl → 2NaCl + CO2 + H2O

પ્રક્રિયકો → નીપજો

આ સમીકરણ સૂચવે છે કે સોડિયમ કાર્બોનેટનો એક અણુ હાઇડ્રોક્લોરિક ઍસિડના બે અણુઓ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડના બે અણુઓ અને કાર્બન ડાયૉક્સાઇડ તથા પાણીનો એક એક અણુ આપે છે.

જ. પો. ત્રિવેદી