રાસાયણિક સંયોજન(combination)ના નિયમો
January, 2003
રાસાયણિક સંયોજન(combination)ના નિયમો : જ્યારે તત્વો રાસાયણિક રીતે સંયોજાય ત્યારે તેમનાં વજનોના (અથવા કદના) સાપેક્ષ પ્રમાણને લગતા નિયમો.
નિયત પ્રમાણનો નિયમ (law of definite proportions) : કોઈ પણ સંયોજન ગમે તે રીત દ્વારા બનાવવામાં આવે તો પણ તેમાં રહેલાં તત્વોનું વજનમાં દર્શાવેલું પ્રમાણ નિયત રહે છે; દા.ત., પાણી કોઈ પણ રીતે (કુદરતી કે સંશ્લેષિત) બનાવવામાં આવે તો તેમાં 2.016 ગ્રા. હાઇડ્રોજન 16.0 ગ્રા. ઑક્સિજન સાથે સંયોજાયેલ હોય છે. NaCl દરિયાઈ પાણીમાંથી, ખનિજમાંથી કે રાસાયણિક પ્રક્રિયાથી બનાવીએ તોપણ તેમાં સોડિયમ અને ક્લોરીનનું વજનપ્રમાણ 23 : 35.5 હોય છે. એટલે કે તેમાં વજનથી 39.32 % સોડિયમ તથા 60.68 % ક્લોરીન રહેલાં હોય છે. આ નિયમને અચળ સંઘટન (constant composition) અથવા અચળ પ્રમાણનો નિયમ પણ કહે છે.
ગુણક-પ્રમાણનો નિયમ : જ્યારે બે કે વધુ તત્વો સંયોજાઈ એક કરતાં વધુ સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વના ચોક્કસ (fixed) વજન સાથે સંયોજાતા બીજા તત્વનાં વજનો એકબીજા સાથે સાદા પૂર્ણ સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. દા.ત., નાઇટ્રોજન તથા ઑક્સિજન પાંચ જુદા જુદા ઑક્સાઇડ બનાવે છે. N2O, NO, N2O3, N2O4 (અથવા NO2), N2O5. આમાં નાઇટ્રોજનના ચોક્કસ વજન 14 ગ્રા. સાથે સંયોજાતા ઑક્સિજનના વજનનો ગુણોત્તર 8 : 16 : 24 : 32 : 40 અથવા 1 : 2 : 3 : 4 : 5 મળે છે, જે સાદી પૂર્ણાંક સંખ્યાઓ છે.
સમતુલ્યતાનો અથવા વ્યસ્ત પ્રમાણનો નિયમ : જો બે તત્વો અલગ અલગ રીતે ત્રીજા તત્વ સાથે સંયોજાતાં હોય અને જો એ તત્વો વચ્ચે પણ સંયોજન થઈ શકે તેમ હોય તો આ સંયોજનમાં સંયુક્ત થતાં બે તત્વોનાં વજનનું પ્રમાણ ત્રીજા તત્વના નિશ્ચિત વજન સાથે આ બે તત્વોનાં વજનો જે પ્રમાણમાં સંયુક્ત થતાં હોય તે જ પ્રમાણમાં અથવા તેના સાદા ગુણાંક જેટલું હોય છે; દા.ત.,
C H O
મિથેન (CH4) 12 4 −
કાર્બન ડાયૉક્સાઇડ (CO2) 12 − 32
કાર્બનના નિયત વજન 12 ગ્રા. સાથે સંયોજાતા હાઇડ્રોજન અને ઑક્સિજનનું પ્રમાણ 4 : 32 અથવા 1 : 8 છે. હવે જ્યારે હાઇડ્રોજન અને ઑક્સિજન સંયોજાઈને પાણી H2O બનાવે છે ત્યારે તેમનો ગુણોત્તર 2 : 16 અથવા 1 : 8 હોય છે, જે ઉપરના જેટલો (1 : 8) જ છે.
ગે-લ્યુસૅકનો વાયુ-કદ સંયોજનનો નિયમ : અચળ તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા વાયુઓનાં કદ તેમજ ઉદભવતી નીપજ પણ વાયુરૂપ હોય તે પણ સાદી સંખ્યાના ગુણોત્તરમાં હોય છે.
દા.ત., નાઇટ્રોજન + હાઇડ્રોજન = એમોનિયા
1 કદ 3 કદ 2 કદ
સલ્ફર + ઑક્સિજન = સલ્ફર ડાયૉક્સાઇડ
1 કદ 1 કદ 1 કદ
હાઇડ્રોજન + ઑક્સિજન = પાણી
2 કદ 1 કદ 2 કદ
જ. પો. ત્રિવેદી