રાસાયણિક સંયોજન (chemical compound) : બે અથવા વધુ તત્વોના એકબીજા સાથે નિશ્ચિત (fixed) પ્રમાણમાંના સંયોગ(combination)થી ઉદભવતો પદાર્થ. સંયોજન બનવા સાથે રાસાયણિક પ્રક્રિયા સંકળાયેલી છે એટલે કે તેમાં ભાગ લેતા પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંરચનામાં ફેરફાર થાય છે. સંયોજનનું રાસાયણિક સૂત્ર (formula) તેમાં રહેલાં તત્વોના રૂપમાં તેનું સંઘટન દર્શાવે છે; દા.ત., પાણીનું અણુસૂત્ર H2O એમ દર્શાવે છે કે તે હાઇડ્રોજનના બે અને ઑક્સિજનનો એક પરમાણુ ધરાવે છે. આવું દરેક રાસાયણિક સંયોજન તેના બંધારણ મુજબ ચોક્કસ રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો ધરાવે છે. મિશ્રણોની માફક સંયોજનોને તેમના ઘટકોમાં સાદી ભૌતિક રીતો વડે અલગ કરી શકાતાં નથી. આ માટે રાસાયણિક પદ્ધતિઓનો આશરો લેવો પડે છે. સંયોજનોનું વર્ગીકરણ અનેક રીતે થાય છે; પણ તેમાં મુખ્યત્વે નીચેની બાબતો પાયારૂપ હોય છે : (i) સંયોજનોનું તાત્વિક (elemental) સંઘટન, (ii) સંયોજનોના અણુઓમાં રહેલા વિવિધ પરમાણુઓ વચ્ચેના રાસાયણિક આબંધન(bonds)ના પ્રકારો અને (iii) સંયોજનો દ્વારા થતી પ્રક્રિયાઓ.

જ. પો. ત્રિવેદી