રાસાયણિક સંજ્ઞા (chemical symbol) : રાસાયણિક તત્વોને તેમનાં વૈજ્ઞાનિક નામો ઉપરથી દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સંક્ષિપ્ત સંકેતલિપિ. રાસાયણિક સંજ્ઞાઓ માટે અક્ષરોનો સૌપ્રથમ ઉપયોગ સ્કૉટલૅન્ડના રસાયણવિદ્ ટૉમસ ટૉમ્સને 1801માં તેમના ‘મિનરલૉજી’ (mineralogy) નામના અધિકરણમાં કર્યો હતો. 1813માં જે. જે. બર્ઝેલિયસે તત્વોનાં લૅટિન નામો ઉપરથી રાસાયણિક સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. સામાન્ય રીતે જે તે તત્વના અંગ્રેજી કે લૅટિન નામના (અથવા કોઈક વાર અન્ય ભાષાના નામના પણ) પ્રથમ અથવા પ્રથમ ઉપરાંત એક અન્ય એમ બે અક્ષરોનો સંજ્ઞા તરીકે ઉપયોગ થાય છે. દા.ત., કાર્બન માટે C, સલ્ફર માટે S, સિલિકન માટે Si, ક્યુરિયમ માટે Cm, સોડિયમ માટે Na (લૅટિન natrium ઉપરથી), આયર્ન માટે Fe (લૅટિન ferrum ઉપરથી), પોટૅશિયમ માટે K (જર્મન kalium ઉપરથી). સંજ્ઞા માટેનો પ્રથમ અક્ષર મોટો (capital), જ્યારે બીજો અક્ષર નાનો (lower case letter) લખાય છે. અત્યાર સુધીમાં 109 તત્વોને સંજ્ઞાઓ આપવામાં આવી છે. જૉન ડૉલ્ટને એક અગત્યનું સૂચન કર્યું કે તત્વની સંજ્ઞા એ તેના એક પરમાણુનો નિર્દેશ કરે છે. રાસાયણિક સંજ્ઞાઓ દ્રવ્યના પરમાણુ સિદ્ધાંત દ્વારા રસાયણશાસ્ત્રને વ્યવસ્થિત સ્વરૂપમાં રજૂ કરે છે. એટલે કે તત્વની સંજ્ઞા વડે તેનો પરમાણુભાર, તેની ઇલેક્ટ્રૉનીય રચના વગેરે પણ દર્શાવી શકાય છે.
જ. પો. ત્રિવેદી