રાસાયણિક પ્રક્રિયા : જેમાં એક અથવા વધુ તત્ત્વો કે સંયોજનો (પ્રક્રિયકો) ભાગ લઈ નવાં સંયોજનો (નીપજો) બનાવે તેવી પ્રવિધિ. આવો રાસાયણિક ફેરફાર અનેક રીતે થઈ શકે છે; દા. ત., બે પદાર્થો વચ્ચે સંયોજન (combination) દ્વારા, તેમની વચ્ચે પ્રતિસ્થાપન (replacement) કે એક સંયોજનના વિઘટન દ્વારા અથવા તેમના કોઈ રૂપાંતરણ (modification) દ્વારા ફેરફાર થાય છે. બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક પરમાણુઓ અથવા અણુઓમાંના બંધો તૂટે છે અને આ રીતે ઉત્પન્ન થયેલા મૂલકો વચ્ચે નવા બંધો બંધાઈ નીપજ ઉત્પન્ન થાય છે. કોલસાનું દહન, લોખંડનું કટાવું, ખોરાકનું પચવું વગેરે રાસાયણિક પ્રક્રિયાઓ છે. મોટાભાગની પ્રક્રિયાઓ ઊર્જાક્ષેપક કે ઉષ્માક્ષેપક (exoergic or exothermic) હોય છે એટલે કે પ્રક્રિયા દરમિયાન ઊર્જા કે ગરમી પેદા થાય છે.

કેટલીક પ્રક્રિયાઓ ઊર્જાશોષક (endoergic અથવા endothermic) પ્રકારની હોય છે, જેમાં ઉષ્માનું શોષણ થાય છે. પાચનક્રિયા દરમિયાન ગરમી ઉત્પન્ન થાય છે. જેને લઈને શરીરની અન્ય ક્રિયાઓ ચાલુ રહે છે તેમજ તેનું તાપમાન જળવાઈ રહે છે. પાણીમાં નવસારનું ઓગળવું એ ઉષ્માશોષક ક્રિયા છે. ક્વચિત્ આવી પ્રક્રિયા દરમિયાન ઊર્જા કે ઉષ્માનો કશો ફેરફાર થતો નથી. તેને અનૂર્જકીય અથવા ઊર્જાનિરપેક્ષ (aergic or athermic) પ્રક્રિયા પણ કહે છે.

રાસાયણિક પ્રક્રિયાની ગતિ જેને પ્રક્રિયા-વેગ કહે છે, તેનો આધાર તાપમાન અને દબાણ ઉપરાંત પ્રક્રિયામાં ભાગ લેતાં સંયોજનોની પ્રકૃતિ તથા સંકેન્દ્રિતતા ઉપર પણ રહેલો છે. કટાવાની ક્રિયા એક ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે, જ્યારે વિસ્ફોટ થવો એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા-વેગનું ઉદાહરણ છે.

રસાયણજ્ઞો પ્રક્રિયા કેવી રીતે થાય છે તે દર્શાવવા માટે રાસાયણિક સમીકરણોનો ઉપયોગ કરે છે. રાસાયણિક સમીકરણોમાં રાસાયણિક સૂત્રો તથા સંજ્ઞાઓ વપરાય છે, જે રાસાયણિક ફેરફારમાં ભાગ લેતાં સંયોજનો સૂચવે છે. ઉદાહરણાર્થે લોખંડનું કાટ ખાવું નીચે મુજબ દર્શાવી શકાય :

4Fe(s) + 3O2(g) → 2Fe2O3(s)

આ સમીકરણ દર્શાવે છે કે (ઘન) લોખંડના ચાર પરમાણુઓ [Fe(s)] ઑક્સિજન વાયુ[O2(g)]ના ત્રણ અણુઓ સાથે પ્રક્રિયા કરીને બે એકમ ઘન સ્વરૂપી કાટ [Fe2O3(s)] બનાવે છે. આ પ્રક્રિયા ઉપર કરાયેલા પ્રયોગો દર્શાવે છે કે લોખંડ તથા ઑક્સિજન હંમેશાં આ જ પ્રમાણમાં (અનુપાતમાં) પ્રક્રિયા કરે છે. કાટ તેનું પરિણામ છે. લોખંડ તથા ઑક્સિજન પ્રક્રિયકો છે. કાટ એ નીપજ છે.

રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓના પ્રકાર તથા કુલ સંખ્યા બદલાતાં નથી, જોકે એક પદાર્થ બીજા પદાર્થમાં ફેરવાઈ જાય છે. કાટના ઉપરના ઉદાહરણમાં પ્રક્રિયકોના કુલ 10 પરમાણુઓ (જેમાં ઑક્સિજન વાયુના ત્રણ અણુ બનાવતા છ પરમાણુઓ) છે. નીપજમાં પણ 10 પરમાણુઓ જણાય છે. પણ અહીં રાસાયણિક પ્રક્રિયાની નીપજો અને તેમનાં સૂત્રો પ્રક્રિયકો કરતાં જુદાં જણાય છે.

રાસાયણિક પ્રક્રિયાઓ ભૌતિક ફેરફારો તથા નાભિકીય પ્રક્રિયાઓ કરતાં જુદી પ્રક્રિયાઓ છે. બરફનું પીગળીને પાણીમાં રૂપાંતર થતું હોય તેવા ભૌતિક ફેરફાર દરમિયાન સૂત્ર એક જ H2O રહે છે. નાભિકીય પ્રક્રિયાઓમાં કોઈ એક પરમાણુ અન્ય પ્રકારના પરમાણુમાં ફેરવાય છે.

રાસાયણિક પ્રક્રિયાઓમાં અનેક પ્રક્રિયાઓ આવરી લેવાય છે; દા. ત., અપચયન-ઉપચયન પ્રક્રિયાઓ, પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયાઓ, ઉષ્મા રસાયણ વગેરે.

જ. પો. ત્રિવેદી