રાસાયણિક તત્ત્વો : સામાન્ય રાસાયણિક રીતો દ્વારા (વધુ સાદા ઘટકોમાં) જેનું વિભાજન કરી ન શકાય તેવા પદાર્થો. સઘળાં દ્રવ્યોમાં રાસાયણિક તત્ત્વો મૂળભૂત પદાર્થો તરીકે રહેલા છે. કોઈ એક તત્વના બધા જ પરમાણુઓના કેન્દ્રમાં એકસરખી સંખ્યામાં પ્રોટૉન હોય છે. આને તત્વનો પરમાણુ-આંક કહે છે. તત્ત્વોનું વર્ગીકરણ આવર્તક કોષ્ટકરૂપે કરવામાં આવે છે. કુલ જાણીતાં 112 તત્ત્વોમાંથી 92 તત્ત્વો (પરમાણુ-આંક 1થી 92) કુદરતમાં મળી આવે છે. ક્રમાંક 96થી 112વાળાં તત્ત્વો કુદરતી સ્વરૂપે મળતાં નથી. તેમને સંશ્લેષણ દ્વારા જ મેળવી શકાયાં છે. તત્ત્વો પૈકીનાં 81 તત્ત્વો સ્થાયિત્વ ધરાવે છે, જ્યારે બાકીનાં બીજાં – પરમાણુ-આંક 43, 61 તેમજ 84થી આગળનાં વિકિરણ-ઉત્સર્ગી (radioactive) – જણાયાં છે.

તત્ત્વોનું વર્ગીકરણ તેમના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો અનુસાર ધાતુઓ, અધાતુઓ કે અર્ધધાતુઓ તરીકે પણ કરવામાં આવે છે. લગભગ 75 % તત્ત્વો ધાતુરૂપ છે. કેટલાંક તત્ત્વો [દા. ત., ઑક્સિજન (46.6 %), સિલિકન (27.7 %), ઍલ્યુમિનિયમ (8.1 %)] વિપુલ પ્રમાણમાં મળે છે. જ્યારે બાકીનાં સામાન્ય કે અલ્પ પ્રમાણમાં (દા. ત., નિયૉન, ક્રોમિયમ), કેટલાક વિકિરણધર્મીઓ અતિઅલ્પ (દા. ત., નેપ્ચૂનિયમ, પ્લૂટોનિયમ) કે અલ્પાતિઅલ્પ (દા. ત., ટૅક્નીશિયમ) પ્રમાણમાં મળે છે.

તત્ત્વોને સૂચવવા માટે સ્વીડિશ રસાયણવિદ બર્ઝેલિયસ દ્વારા રજૂ થયેલ સંજ્ઞાઓ વપરાય છે. આ સંજ્ઞા સામાન્ય રીતે અંગ્રેજી કે લૅટિન નામના પ્રથમ અક્ષર દ્વારા સૂચવાયેલી હોય છે. (દા. ત., હાઇડ્રોજન, H; ઑક્સિજન O). ઘણી વાર બે અક્ષરો પણ ઉપયોગમાં લેવાય છે. સંજ્ઞા તત્વનો એક પરમાણુ સૂચવે છે.

આધુનિક સિદ્ધાંતો મુજબ, હાઇડ્રોજન તથા હિલિયમ વિશ્વની ઉત્પત્તિ વખતે થયેલ મહાવિસ્ફોટ (Big Bang) સમયે (તાપમાન ~ 108 અંશ સે.) સર્જાયાં છે. વિશ્વમાં વિપુલતાની દૃષ્ટિએ હાઇડ્રોજન સૌથી વધુ (કુલ પરમાણુઓના 90 %) જોવા મળે છે. તે પછી હીલિયમ (7 પરમાણુ-ટકા) આવે છે. બાકીનાં તત્ત્વો પૈકી પરમાણુ-આંક 26 (આયર્ન, Fe) સુધીનાં તારાઓમાં કેન્દ્રીય સંગલન, સંલયન (fusion) દ્વારા બન્યાં છે. ખૂબ ભારે તત્ત્વો  જેવાં કે લેડ તથા યુરેનિયમ  જૂનોપુરાણો તારો વિસ્ફોટ સાથે નષ્ટ થાય ત્યારે, તેનું કેન્દ્ર તૂટી પડ્યા બાદ, ગુરુત્વાકર્ષણીય ઊર્જા આવાં કેન્દ્રોને વિભિન્ન પ્રમાણમાં ભેગાં કરી દે ત્યારે (નવાં તત્ત્વો) બને છે.

જ. પો. ત્રિવેદી