રાસાયણિક ઇજનેરી : જેમાં પદાર્થો તેમની ભૌતિક કે રાસાયણિક અવસ્થામાં ફેરફાર પામતાં હોય તેવાં સંયંત્રો(plants)ની ડિઝાઇન અને પ્રચાલન (operation) તથા પ્રવિધિઓ(processes)ના વિકાસ સાથે સંકળાયેલ ઇજનેરીની એક શાખા. રાસાયણિક ઇજનેરીને લગતી સંકલ્પનાઓ (concepts) તો આશરે એક સૈકા અગાઉ જ વિકસાવવામાં આવી છે, પણ જેમને રાસાયણિક ઇજનેરીના ક્ષેત્રમાં સમાવી લેવામાં આવી છે તેવી સંકલ્પનાઓ તો હજારો વર્ષ થયાં જાણીતી છે; દા. ત., આલ્કોહૉલીય પીણાં માટે નિસ્યંદન-(distillation)ની વિધિ, પાણીનું બાષ્પીભવન વગેરે.
રાસાયણિક ઇજનેરીમાં મૂળભૂત રીતે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર સમાયેલાં છે; જ્યારે અર્થશાસ્ત્ર વ્યવહારમાં તેના માર્ગદર્શક તરીકે કામ આપે છે, કારણ કે કાચા માલના સ્રોતો ક્યાં છે અને તૈયાર માલ ક્યાં વેચાશે તેમજ ઉદ્યોગ માટે મૂડીનું રોકાણ અને પ્રચાલનખર્ચ કેટલું થશે તે પણ જાણવું મહત્ત્વનું છે.
રાસાયણિક ઉદ્યોગ વીસમી સદીના બીજા દાયકા દરમિયાન મહત્ત્વપૂર્ણ રીતે વિકસ્યો છે. ઔદ્યોગિક હેતુઓ માટે જોઈતાં રસાયણોના જથ્થાબંધ ઉત્પાદન સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસના ઉદ્વર્ધ (out-growth) તરીકે રાસાયણિક ઇજનેરીનું ક્ષેત્ર વિકાસ પામ્યું. આ સમયે જે ચાર મોટા ઇજનેરી વ્યવસાયો વિકસ્યા તેમાં તે નવીનતમ હતો. આ ઉદ્યોગના જે પુરાણા ફાંટાઓ હતા તેમાંનો એક, પશ્ચિમ યુરોપના રાસાયણિક ઉદ્યોગો કે જે કાચા માલ તરીકે ખાસ કરીને કોલસા ઉપર આધારિત હતા તેમાંથી ઉદ્ગમ પામ્યો; જ્યારે બીજો, ઉત્તર અમેરિકાના તેલ-શુદ્ધીકરણ ઉદ્યોગમાંથી ઉદભવ્યો. આ બીજામાં નિસ્યંદન, અવશોષણ (absorptions), અને નિષ્કર્ષણ (extraction) જેવાં એકમ-પ્રચાલનો કે જેમાં દળ-સ્થાનાંતરણ (mass transfer), તરલ-યાંત્રિકી (fluid dynamics) અને ઉષ્મા-સ્થાનાંતરણ(heat transfer)ના સિદ્ધાંતોને ઉપકરણોની ડિઝાઇન સાથે જોડી દેવામાં આવ્યા હતા તેમના પ્રત્યે અભિગમ કેળવવામાં આવેલો. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ઘણા દેશોમાં બહારથી માલ આવતો બંધ થઈ જવાથી તેમને પોતાના રાસાયણિક ઉદ્યોગો વિકસાવવાની ફરજ પડેલી. સાથે સાથે ઉત્તર અમેરિકામાં મોટર-ઉદ્યોગ માટે પેટ્રોલિયમ આધારિત પેદાશોની જરૂર પડવાથી તેમની માંગ વધી જતાં તેલની અસાધારણ માંગ(oil boom)ને કારણે નવા નવા ઉદ્યોગો સ્થપાતા ગયા.
રાસાયણિક ઇજનેરીના ક્ષેત્ર સાથે મુખ્ય છ પ્રકારની પ્રવૃત્તિઓ (activity) સંકળાયેલી છે : સંશોધન, અભિકલ્પન, બાંધકામ, પ્રચાલન, વેચાણ અને સંચાલન. આમાંની ઘણીનું એકબીજા પર અતિવ્યાપન (overlapping) થાય છે. આથી રાસાયણિક ઇજનેરના કાર્યમાં મોટા કદના રાસાયણિક સંયંત્રો, પેટ્રોલિયમ રિફાઇનરીઓ તેમજ અન્ય રાસાયણિક ઉદ્યોગોમાં ઉત્પાદન, સંશોધન, ડિઝાઇન, પ્રવિધિ અને નીપજનો વિકાસ, બજારને લગતો અભ્યાસ, માહિતી-પ્રક્રમણ (data processing), વેચાણ અને ઉચ્ચતર સંચાલનનો સમાવેશ થાય છે. રાસાયણિક ઇજનેરને રાસાયણિક પ્રક્રિયાની પ્રકૃતિ ઉપરાંત રાસાયણિક સમતોલન ઉપર તાપમાન અને દબાણની અસરો તેમજ પ્રક્રિયાદરો ઉપર ઉદ્દીપકોની અસરોનો પણ ખ્યાલ હોવો જરૂરી છે. વળી તેને તરલનું વહન (fluid flow), ઉષ્મા-સ્થાનાંતરણ, બાષ્પીભવન, નિસ્યંદન, અવશોષણ, ગાળણ, નિષ્કર્ષણ, સ્ફટિકીકરણ અને અન્ય એકમ-પ્રચાલનોની પણ માહિતી હોવી જરૂરી છે. તદુપરાંત રાસાયણિક ઇજનેરને નાઇટ્રેશન, હાઇડ્રોજનીકરણ (hydrogenation), આથવણ (fermantation), બહુલીકરણ (polymerization) જેવી એકમ પ્રવિધિઓનો પણ ખ્યાલ હોવો જરૂરી છે.
અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ એન્જિનિયર્સે રાસાયણિક ઇજનેરીની અત્યંત શ્રેષ્ઠ એવી જે દસ ઉપલબ્ધિઓ તારવી છે તેમાં વિખંડનીય (fissionable) સમસ્થાનિકોનું ઉત્પાદન, સંશ્ર્લેષિત એમોનિયા, પેટ્રોરસાયણો, રાસાયણિક ખાતરો, પ્રતિજૈવિકો-(antibiotics)નું વ્યાપારી ધોરણે ઉત્પાદન, પ્લાસ્ટિક ઉદ્યોગ, સંશ્ર્લેષિત રેસાઓનો ઉદ્યોગ, સંશ્ર્લેષિત રબરનો ઉદ્યોગ, ઉચ્ચ ઑક્ટેન આંક ધરાવતા ગૅસોલિનનો વિકાસ તથા વિદ્યુતવિભાજન દ્વારા ઍલ્યુમિનિયમના ઉત્પાદનનો સમાવેશ થાય છે.
જ. દા. તલાટી