રાસક (નાટ્યશાસ્ત્રની ભારતીય પરંપરા અનુસાર)
January, 2003
રાસક (નાટ્યશાસ્ત્રની ભારતીય પરંપરા અનુસાર) : ઉપરૂપકનો એક પ્રકાર. ‘રાસક’ની ઉત્પત્તિ કેટલાક ‘रसानां समूहो रास:’ અથવા ‘रासयति सभ्यभ्यो रोचयति ।’ (પ્રેક્ષકોને ખુશ કરે તે) એવી આપે છે, પણ તે બરાબર નથી. પણ આને ગુજરાતમાં પ્રચલિત (ગરબા અને) રાસ સાથે ચોક્કસ સંબંધ છે. લાસ્ય-માર્દવયુક્ત મધુર નૃત્ય સાથે रासक સીધું જોડાય છે. નન્દિકેશ્વરે નોંધેલી (તથા પાછળથી જામનગરના સોળમી સદીના શ્રીકંઠે ‘રસકૌમુદી’માં પણ નિર્દેશેલી) પરંપરા પ્રમાણે પાર્વતીએ લાસ્ય બાણાસુરની પુત્રી ઉષાને શીખવ્યું, પછી ઉષાએ અનિરુદ્ધ સાથે વિવાહ થયા પછી દ્વારિકા આવીને ત્યાંની ગોપીઓ(આહીરાણીઓ)ને અને પછી સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું અને એમ ગુજરાતમાં લાસ્ય – રાસ પ્રચલિત થયો.
ભાવપ્રકાશનમાં રાસકના ત્રણ પ્રકાર કહ્યા છે : રાસક, દંડરાસક અને નાટ્યરાસક. આમાં દંડરાસક તે જ ગુજરાતનો દાંડિયા(स. दण्डिक)રાસ. થોડોઘણો ભેદ રાસક અને નાટ્યરાસકમાં છે. ઉપરૂપકોની પરંપરા સીધી ગુજરાતનાં લોકનૃત્યો સાથે સંકળાયેલી છે અને વિદ્વાનો બહુ સ્પષ્ટ રીતે તેમનાં લક્ષણો બાંધી શક્યા નથી. ઘણાં ઉપરૂપકોની કેટલાક શાસ્ત્રકારો નૃત્યપ્રધાન તો કેટલાક નાટ્યપ્રધાન એમ વ્યાખ્યાઓ આપે છે. રાસકની બાબતમાં એનાં નૃત્યપ્રધાન પ્રકારનાં લક્ષણો આવાં અપાય છે : (1) રાસ છંદમાં, રાસ તાલમાં ગવાતા ગીતના સંયોજનથી રાસ પ્રકારનું જે નૃત્ય કરાય તે રાસક. (‘સંગીતરત્નાકર’). (2) ચોસઠ સુધીની જોડીઓમાં – એમ અનેક નર્તકીઓ દ્વારા યોજાતું, વિવિધ તાલ-લયોથી યુક્ત, કોમળ છતાં ઉદ્વત એવું (સમૂહ) નૃત્ય તે રાસક. (હેમચંદ્ર). (3) સોળ, બાર કે આઠ નાયિકાઓ પિણ્ડિબંધ ઇત્યાદિ મુદ્રાઓ સાથે નૃત્ય કરે તે રાસક. (નૃત્ય કરતાં કરતાં નર્તક કોઈક દેવ/દેવીની સૂચક દેહમુદ્રાની ઝલક બતાવી દે તે પિણ્ડિબંધ) ‘ભાવપ્રકાશન’ તથા ‘સાહિત્યદર્પણ’માં રાસકનું બીજું નાટ્યપ્રધાન લક્ષણ આવું છે : એક અંકનું, સૂત્રધાર વિનાનું પણ સુશ્ર્લિષ્ટ નાન્દીવાળું, મુખ્ય નાયક અને વિખ્યાત નાયિકા સહિત પાંચ પાત્રોવાળું, ઉદાત્ત ભાવને ઉત્તરોત્તર વિકસિત કરતા, કેવળ મુખ (ક્યાંક પ્રતિમુખ) અને નિર્વહણ સંધિયુક્ત કથાનકવાળું, વીથીનાં અંગોવાળું, વિવિધ પ્રાકૃત ભાષા-વિભાષાઓના પ્રયોગને લીધે ભારતી અને કૈશિકી વૃત્તિથી કલાત્મક બનેલું એવું ઉપરૂપક તે રાસક. ઉદા. મેનકાહિત.
નાટ્યરાસકનાં પણ આમ બે પ્રકારનાં લક્ષણો છે. ‘નાટ્યદર્પણ’ ‘જેમાં વસંત ઋતુને જોઈને સ્ત્રીઓ રાગ-પ્રેમવશ રાજાની ચેષ્ટાઓને નૃત્યમાં નિરૂપે તે નાટ્યરાસક’ – એમ નૃત્યપ્રધાન લક્ષણ આપે છે, જ્યારે નાટ્યપ્રધાન લક્ષણોમાં ‘ભાવપ્રકાશન’ અનુસાર, પાત્રોનો પડદા પાછળથી નાન્દીપાઠ, પછી સૂત્રધાર – નટ/નટીનો પણ પ્રવેશ, પ્રતિમુખ સિવાયની સંધિઓવાળું, કૈશિકી સાથે ગમે તેટલી વૃત્તિઓવાળું દિવ્ય કે માનુષી વિપ્રલમ્ભ રસવાળું કથાનક, જેમાં સ્ત્રીઓ પ્રખ્યાત નાયક સમક્ષ રાજાની ક્રિયાઓનું નૃત્ય-ગીત પ્રસ્તુત કરે તે નાટ્યરાસક. તો ‘સાહિત્યદર્પણ’ એક અંકમાં ઉદાત્ત નાયક, વાસકસજ્જા નાયિકા તથા પીઠમર્દ (ઉપનાયક) દ્વારા મુખનિર્વહણ સંધિ અને બધાં લાસ્યાંગોવાળા હાસ્ય-શૃંગારપ્રધાન કથાનકની વિવિધ તાલ-લયો સાથેની નૃત્યગીતાત્મક પ્રસ્તુતિને નાટ્યરાસક કહે છે.
રાજેન્દ્ર નાણાવટી