રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, નવી દિલ્હી  (National War Memorial)

July, 2026

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, નવી દિલ્હી  (National War Memorial) (અનાવરણ : ફેબ્રુઆરી 2019) : ઇન્ડિયા ગેટ સર્કલ પર ભારતના સશસ્ત્ર સંઘર્ષોમાં લડનારા ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોના સન્માન માટે બનાવવામાં અવેલું સ્મારક. પાકિસ્તાન અને ચીન સાથેના સશસ્ત્ર સંઘર્ષો તેમજ 1961ના ગોવાના યુદ્ધ, ઑપરેશન પવન અને ઑપરેશન રક્ષક જેવાં અન્ય ઑપરેશનો દરમિયાન માર્યા ગયેલા સશસ્ત્ર દળોના કર્મચારીઓનાં નામ આ સ્મારકની દીવાલો પર સુવર્ણ અક્ષરોમાં અંકિત કરવામાં આવ્યા છે.

આ રાષ્ટ્રીય યુદ્ધસ્મારકની નિર્માણપ્રક્રિયાના ભાગ રૂપે એક વૈશ્વિક ડિઝાઇનસ્પર્ધા યોજવામાં આવી હતી અને પરિણામ એપ્રિલ 2017 ની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ સ્થિત આર્કિટૅક્ચરલ ફર્મ WeBe ડિઝાઇન લૅબના પ્રસ્તાવને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. આ સ્મારક 40 એકર જમીનમાં ફેલાયેલું છે અને જાન્યુઆરી 2019 માં તેનું નિર્માણકાર્ય સંપન્ન થયું હતું અને 25 ફેબ્રુઆરી 2019 ના રોજ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ભારતીય સશસ્ત્ર દળોના ત્રણ ચીફ ઑફ સ્ટાફની હાજરીમાં, સ્મારકના મુખ્ય સ્તંભ નીચે અમરચક્ર પર અમર જવાન જ્યોતિની શાશ્વત જ્યોત પ્રગટાવી હતી. આ સ્મારક યુદ્ધો અને બળવાખોરી વિરોધી કામગીરી સહિત વિવિધ સંઘર્ષોમાં પોતાના જીવનું બલિદાન આપનારા 26,000 થી વધુ સૈનિકોનું સન્માન કરે છે.

ઇન્ડિયા ગેટ પર સ્થિત જૂની અમર જવાન જ્યોતિ, અગાઉ રાષ્ટ્રીય યુદ્ધસ્મારક તરીકે જાણીતી હતી. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ઇચ્છા મુજબ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી ટૂંક સમયમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી યુદ્ધના શહીદોના સન્માનમાં 26 જાન્યુઆરી, 1972 ના રોજ તેનું ઉદ્ઘાટન કરી શકાય. બાદ માં આ જ્યોતને 21 જાન્યુઆરી, 2022ના રોજ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા ઍર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણ દ્વારા નવા રાષ્ટ્રીય યુદ્ધસ્મારકની જ્યોત સાથે એક કરી દેવામાં આવી હતી.

આ સ્મારક ચાર કેન્દ્રિત વર્તુળોના રૂપમાં અનન્ય રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, દરેક વર્તુળ લશ્કરી સેવાનાં વિવિધ પાસાંઓનું પ્રતીક છે:

  1. અમરચક્ર (અમરત્વનું વર્તુળ) : સૌથી અંદરનું વર્તુળ, જેમાં શાશ્વત જ્યોત (અમર જવાન જ્યોતિ જેવી ભાવના) દર્શાવવામાં આવી છે. મધ્યમાં એક ઊંચો સ્તંભ ઊભો છે, જે સૈનિકોના બલિદાનની અમરતા દર્શાવે છે.
  2. વીરતાચક્ર (બહાદુરીનું વર્તુળ) : આ વર્તુળ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા લડવામાં આવેલાં પ્રખ્યાત યુદ્ધોને દર્શાવતાં કાંસ્ય ભીંતચિત્રો દર્શાવે છે. અહીં પ્રદર્શિત યુદ્ધો ગંગાસાગરનું યુદ્ધ, લોંગેવાલા, તિથવાલ, રિઝાંગલા, ઑપરેશન મેઘદૂત અને ઑપરેશન ટ્રાઇડેન્ટ છે. તે અસાધારણ હિંમત અને વીરતાનાં કાર્યો દર્શાવે છે.
  3. ત્યાગચક્ર (બલિદાનનું વર્તુળ) : આ ચક્ર શહીદોનાં નામ કોતરેલા ગ્રૅનાઈટ તક્તીઓની દીવાલોથી બનેલું છે. આ ગોઠવણી પ્રાચીન ભારતીય યુદ્ધરચના-‘ચક્રવ્યૂહ’ જેવી લાગે છે, જે બલિદાનનું પ્રતીક છે.
  4. રક્ષકચક્ર (રક્ષણનું વર્તુળ) : સૌથી બહારનું વર્તુળ, જેમાં વૃક્ષોની હરોળનો સમાવેશ થાય છે.

તે સૈનિકોને રાષ્ટ્રના રક્ષકો તરીકે રજૂ કરે છે.

પરમ યોદ્ધા સ્થળ : પરમ વીર ચક્ર પ્રાપ્ત કરનારા સૈનિકોના સન્માનમાં એક ખાસ વિસ્તાર કે જેમાં કૅપ્ટન વિક્રમ બત્રા અને મેજર સોમનાથ શર્મા જેવા નાયકો સહિત 21 પુરસ્કાર વિજેતાઓની પ્રતિમાઓ છે. આ વિભાગ અસાધારણ બહાદુરીનાં વ્યક્તિગત કાર્યોને પ્રકાશિત કરે છે.

શાશ્વત જ્યોત અને શ્રદ્ધાંજલિ : આ સ્મારકમાં શાશ્વત જ્યોત છે, જે શહીદ સૈનિકોની અમર ભાવનાનું પ્રતીક છે.

આ રાષ્ટ્રીય યુદ્ધસ્મારક ભારતના બહાદુર સૈનિકોને એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક શ્રદ્ધાંજલિ છે. તે આપણા વીરોનાં બલિદાન અને બહાદુરીના વારસાને જાળવે છે અને એ સુનિશ્ચિત કરે છે કે ભાવિ પેઢીઓ સ્વતંત્રતાની કિંમત સમજે અને તેનો બચાવ કરનારાઓની હિંમતને યાદ રાખે.

ત્રિલોક સંઘાણી