રાષ્ટ્રીય બાલ અને યુવા-ચલચિત્ર કેન્દ્ર
January, 2003
રાષ્ટ્રીય બાલ અને યુવા-ચલચિત્ર કેન્દ્ર (નૅશનલ સેન્ટર ઑવ્ ફિલ્મ્સ ફૉર ચિલ્ડ્રન ઍન્ડ યંગ પીપલ) : બાળકો અને યુવાઓ માટે સ્વચ્છ અને ઉત્કૃષ્ટ ચલચિત્રોનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ધરાવતી સંસ્થા. તેની સ્થાપના 1955માં કરવામાં આવી. પ્રારંભે તેનું નામ ‘બાલ ચલચિત્ર સમિતિ’ હતું. દેશની પરંપરાગત સંસ્કૃતિ અને કળાનો બાળકોને પરિચય કરાવીને નવી પેઢીના વિકાસમાં સહાય કરવાનો આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં છે. ચેન્નાઈ અને દિલ્હીમાં તેની શાખાઓ છે.
ખાસ બાળકો અને યુવાનો માટે હિંદી અને અંગ્રેજી ઉપરાંત મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં 16 એમએમ, 35 એમએમનાં ચલચિત્રો, લઘુચિત્રો, કાર્ટૂન-ફિલ્મો તથા ટીવી-શ્રેણીઓનું આ સંસ્થા નિર્માણ કરે છે. તેના દ્વારા નિર્મિત બાલફિલ્મ ‘અભયમ્’ને 39મા રાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં શ્રેષ્ઠ ચિત્રનું પારિતોષિક અપાયું હતું. લઘુ-કાર્ટૂન-ચિત્ર ‘બાલુશાહ’ને સીરિયા આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં કાંસ્યચંદ્રક મળ્યો હતો. આ સંસ્થા ભારતમાં દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવનું આયોજન કરે છે.
હરસુખ થાનકી