રાષ્ટ્રીય ધાતુકર્મીય પ્રયોગશાળા (National Metallurgical Laboratory) :
January, 2003
રાષ્ટ્રીય ધાતુકર્મીય પ્રયોગશાળા (National Metallurgical Laboratory) : જમશેદપુરમાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની ધાતુશોધન પ્રયોગશાળા. સ્થાપના : 1950. આ પ્રયોગશાળાનાં કર્તવ્યોમાં ખનિજો અને ધાતુખનિજોનાં ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોનાં લક્ષણોનું નિર્ધારણ કરવું; તેની પેદાશો-આડપેદાશોના નિર્માણ માટેની પ્રક્રિયાઓનો વિકાસ કરવો; ખનિજખનન માટે કાર્યરત ખાણસંકુલોનું પદ્ધતિસરનું આલેખન કરવું; ખનિજીય પ્રક્રિયાઓ માટે વેપારી અને તક્નીકી સંભાવનાઓની સેવાઓ પૂરી પાડવી; ખનિજો, ધાતુખનિજો અને કોલસામાં રહેલી સંકલિત અશુદ્ધિઓનું નિવારણ-સજ્જીકરણ કરવું; જરૂરી સંકુલો સ્થાપવાં તથા કાર્યરત સંકુલોમાં રહેલી ત્રુટિઓનું નિવારણ કરવું, તક્નીકો તૈયાર કરવા માટે શૈક્ષણિક અને તાલીમી કાર્યશિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરવું તથા ધાતુખનિજોની ઉપલબ્ધ રજકણોનું સંકેન્દ્રણ કરવું વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રયોગશાળાના ખનિજ-પ્રક્રિયા વિભાગમાં શુદ્ધીકરણ-સજ્જીકરણ, લક્ષણ-નિર્ધારણ અને સંકેન્દ્રણની સુવિધાઓ પ્રયોગશાળાના 1950માં થયેલા આરંભ વખતથી જ ઊભી કરવામાં આવેલી છે. પ્રયોગશાળામાં ખનિજ-પ્રક્રિયાઓનો ક્રમશ: વિકાસ થતો ગયો; ખનિજ-પ્રક્રિયાઓને વેપારી ધોરણે કાર્યરત કરવાના હેતુથી સંકલિત શુદ્ધીકરણનાં પ્રાથમિક સંકુલોની સ્થાપના 1962માં કરવામાં આવી. તેની સાથે સાથે તક્નીકીકરણ અને વેપારીકરણના અભ્યાસનું તેમજ ખનિજ-પ્રક્રિયા-નિરૂપણનું કાર્ય પણ સામેલ કરવામાં આવેલું છે. વિવિધ પ્રકારનાં ખનિજો અને ધાતુખનિજોનો સંગ્રહ તેમજ વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ થાય તે માટે આધુનિક ધોરણે સંશોધન થાય અને વિકાસ થાય એ રીતે તેને સુસજ્જ કરવામાં આવી છે. રાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં તક્નીકી વિદ્યાની ઉપયોગિતા વધારીને ખાનગી તેમજ જાહેર ક્ષેત્રે ધાતુકીય અને બિનધાતુકીય સંકુલો ઊભાં કરવામાં આવ્યાં છે. આ પ્રયોગ શાળા કોલસા પ્રક્ષાલન સંકુલો માટે રજ્જુમાર્ગ ઊભો કરવાની કુશળતા પણ ધરાવે છે.
ખનિજ-લક્ષણ-નિર્ધારણ માટે આ પ્રયોગશાળામાં સૂક્ષ્મકઠિનતા, પ્રતિબિંબ-પૃથક્કરણ, પરાવર્તિતતા અને સૂક્ષ્મકણોના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો જાણવા માટે ઑટોમેટિક ઇમેજ ઍનાલિસિસ સિસ્ટમ, ઑટોમેટિક ડીટીએડીટીજી ઍનલાઇઝર, ઝૂમસ્ટિરિયો માઇક્રોસ્કોપ, પૉર્ટેબલ એક્સઆરએફ ઍનલાઇઝર, સાઇક્લોસિઝર, સેન્ટ્રી-ફ્યુઝલ પાર્ટિકલ સાઇઝ ઍનલાઇઝર જેવાં સૂક્ષ્મદર્શકો અને સાધનો ઉપલબ્ધ છે.
આ પ્રયોગશાળામાં યાંત્રિક શુદ્ધીકરણ માટેની બૉલમિલ, શલાકા-ચક્કી, પલ્વરાઇઝર, માઇક્રોચૂર્ણકારક નાઇઝર તથા ગુરુત્વ-અલગીકરણ, ચુંબકીય અલગીકરણ, વીજ-સ્થૈતિક અલગીકરણનાં સાધનો ઉપલબ્ધ છે. આ પ્રકારની શુદ્ધીકરણ-સજ્જીકરણ પ્રક્રિયા અંગેના પ્રયોગો હાથ પર લઈ તેના અભ્યાસ-અહેવાલો તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં વિશાળ સ્તરના પ્રયોગો માટે દળામણ, ભૂકીકરણ, ધોવાણ, ભૂંજન-પ્રેરિત સંકોચન, ગુરુત્વ-સંકેન્દ્રણ, તારણ (પ્લવન) વીજલન, સ્થૂલીકરણ, ગાળણ, શુષ્કન, સ્થિરવિદ્યુત, નિમ્ન તથા ઉચ્ચ ચુંબકીય અલગીકરણ-ક્ષમતા, ઇદૃષ્ટિકાકરણ, ટીકડીઓ, નિસાદીકરણ (sintering) જેવી સગવડો પણ ઉપલબ્ધ છે.
જયંતી વિ. ભટ્ટ