રાષ્ટ્રીય કળા કેન્દ્ર, સૂરત (સ્થા. 1955) : સૂરતની એક સાંસ્કૃતિક સંસ્થા. લગભગ છેલ્લા સાડા ચાર દાયકાથી સતત પ્રવૃત્ત રહેલી આ સંસ્થાનો આરંભ સ્વ. વજુભાઈ ટાંક, સ્વ. નાથુભાઈ પહાડે, સ્વ. મહાદેવ શાસ્ત્રી, સ્વ. વાસુદેવ સ્માર્ત, સ્વ. ગનીભાઈ દહીંવાળા, સ્વ. પુષ્પાબહેન દવે અને ચંદ્રકાંત પુરોહિતના સહયોગથી થયો હતો. પ્રતિવર્ષ પોતાનાં નાટકો રજૂ કરવા ઉપરાંત રંગભૂમિ, દર્પણ, જવનિકા અને આઇ.એન.ટી. જેવી સંસ્થાઓને આમંત્રી નાટ્યોત્સવો પણ ઊજવાતા રહ્યા છે. સાથિયા-રંગોળીથી માંડી સંગીત, ચિત્રકળા, નૃત્ય, ગરબા કે સાહિત્ય જેવી કલા-સંસ્કારની પ્રવૃત્તિઓમાં આ સંસ્થાનું સંચાલન હોય છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જ્યોતીન્દ્ર દવે, ચંદ્રવદન મહેતા, ગની દહીંવાળા જેવા ગુજરાતના સાહિત્યકારોના સન્માન-સમારંભો આ રાષ્ટ્રીય કળા કેન્દ્રે યોજ્યા હતા. સંસ્થાના પ્રમુખ તરીકે વર્ષોથી પોપટભાઈ વ્યાસ સેવા આપી રહ્યા છે; જ્યારે ચંદ્રકાંત પુરોહિત સંસ્થાના આરંભથી જ તેના મહામંત્રી હતા, પણ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે 2002માં નિવૃત્ત થયા છે. મહામંત્રી તરીકે હવે રૂપીન પચ્ચીગર છે; જ્યારે કોષાધ્યક્ષ તરીકે હેમંત માવાવાળા છે.
આ સંસ્થામાંથી સૂરતમાં અને સૂરતની બહાર ગુજરાતમાં અનેક કળાકારોએ ખૂબ સારો દેખાવ કર્યો છે. એમાં કુકુલ તારમાસ્તર, મહેરનોચ કરંજિયા, એલ. બી. પટેલ, વસંત ઘાસવાળા, મુકેશ ભટ્ટ, હિમાંશુ ભટ્ટ, શંકર પટેલ, દિલીપ શાસ્ત્રી, મુકેશ દેસાઈ, મનીષ ટેકરાવાળા, જિતેન્દ્ર સુમરા, મનીષા શુક્લ, રચના ઝવેરી, દિનેશ ભગતજી, દિલીપ ઘાસવાળા વગેરેનો ફાળો ઉલ્લેખનીય છે. સંસ્થાએ આશરે ચાળીસેક ત્રિઅંકી અને અનેક એકાંકી નાટકો કર્યાં છે, જેમાં ‘બ્રહ્મા, વિષ્ણુ, મહેશ’, ‘લોપ-અલોપ’ જેવાં નાટકોના તો 25થી વધારે પ્રયોગો થયા હતા. સંસ્થાએ રજૂ કરેલાં ચાળીસેક નાટકોમાંથી ‘બ્રહ્મા, વિષ્ણુ, મહેશ’, ‘પુનરાગમન’, ‘કંથારનાં છોરુ’, ‘વળામણાં’, ‘અલબેલો અતિથિ’, ‘આષાઢી મૃગજળને કિનારે’, ‘વાસનાકાંડ’, ‘સ્ટીલ ફ્રેઇમ’, ‘રાજભોગ’, ‘કબીરા’, ‘પગલા ઘોડા’, ‘વમળ’, ‘લોપ-અલોપ’, ‘સૂર્યસૂત્ર’, ‘રાક્ષસ’, ‘એક લાલની રાણી’ અને ‘નષ્ટ નીડ’ મુખ્ય છે. રાષ્ટ્રીય કળા કેન્દ્રે અનેક રેડિયો-નાટકો અને એક ટી.વી. ફિલ્મ ‘સ્વીકાર’ પણ રજૂ કર્યાં છે.
શ્રીમતી નૈનાક્ષી વૈદ્યે ગરબા-વિભાગ સંભાળ્યો છે અને સંસ્થા અને શહેરને નાટકની જેમ જ અનેક પારિતોષિકો અપાવ્યાં છે. આ ઉપરાંત રાગોત્સવ, રંગોત્સવ અને નવરંગ તાળી જેવા સંગીત, ગરબા તેમજ નૃત્યોના કાર્યક્રમો કર્યા છે. ડૉ. માલતીબહેન શાહ સંગીત વિભાગની દેખરેખ રાખે છે અને દર વર્ષે અનેક શાસ્ત્રીય સંગીતના તેમજ સુગમ સંગીતના કાર્યક્રમો યોજે છે. ચિત્રકળા વિભાગ સ્વ. વાસુદેવ સ્માર્ત પછી તેમના ભત્રીજા જગદીપ સ્માર્ત સંભાળે છે. ચિત્રકળાના વર્ગો ઉપરાંત દર વર્ષે 26મી જાન્યુઆરીએ ચિત્રકળા સ્પર્ધા યોજાય છે. જયંત પાઠક અને ભગવતીકુમાર શર્માની રાહબરી હેઠળ સાહિત્યની પ્રવૃત્તિ પણ ચાલે છે. આ એક જ એવી બિનસરકારી સંસ્થા છે, જે પોતાનું વજુભાઈ ટાંક સ્મૃતિભવન અને ચં. ચી. મહેતા નાટ્યશાળા જેવી સુવિધા ધરાવે છે.
જ્યોતિ વૈદ્ય