રાષ્ટ્રીયકરણ : ખાનગી ક્ષેત્રની માલિકી હેઠળના કોઈ પણ આર્થિક ઘટકને રાજ્યની માલિકી હેઠળ મૂકવાની નીતિ અને પ્રક્રિયા. રાષ્ટ્રીયકરણ દ્વારા એક અથવા વધારે આર્થિક એકમોની માલિકીનું હસ્તાંતરણ કરવામાં આવે છે. અપવાદજનક કિસ્સાઓમાં રાજકીય હેતુ માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોય તોપણ તે મહદ્અંશે આર્થિક વિચારસરણીને અધીન હોય છે. કેટલીક વાર રાજકીય અને આર્થિક બંને પ્રકારના સંમિશ્ર હેતુથી પણ આર્થિક એકમોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોય છે. રાષ્ટ્રીયકરણની નીતિના પાયામાં સમાજવાદી વિચારસરણી હોય છે એવો અત્યાર સુધીનો વૈશ્ર્વિક અનુભવ છે.

રાષ્ટ્રીયકરણની નીતિના કેટલાક મહત્ત્વના હેતુઓની નોંધ કરવી ઇષ્ટ ગણાશે : (1) ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. નફો એ મૂળભૂત રીતે અનિષ્ટ ગણાય નહિ; પરંતુ જ્યારે તે વાજબી મર્યાદા વટાવી જાય છે અને તેને પરિણામે જ્યારે તે નફાખોરી દ્વારા ગ્રાહકોના આર્થિક શોષણમાં પરિણમે છે, ત્યારે જે ક્ષેત્રમાં આ પરિસ્થિતિ ઊભી થાય છે તે ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. આર્થિક શોષણ અને આવક તથા સંપત્તિની તીવ્ર અસમાનતાનો ઉપાય રાષ્ટ્રીયકરણ ગણવામાં આવે છે. રાષ્ટ્રીયકરણ દ્વારા જે તે ક્ષેત્રની માલિકીનું ખાનગી ક્ષેત્ર પાસેથી જાહેર ક્ષેત્રમાં હસ્તાંતરણ કરવાથી અને રાજ્ય એ નફાખોરીને વરેલું ક્ષેત્ર ન હોવાથી રાષ્ટ્રીયકરણ દ્વારા એક કાંકરે અનેક હેતુઓ સિદ્ધ કરી શકાય છે. (2) રાજ્યની આર્થિક અને સામાજિક નીતિના આદર્શો પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીયકરણની નીતિ અખત્યાર કરવામાં આવે છે. જે દેશની સરકારની નીતિ સમાજવાદી સિદ્ધાંતો પર આધારિત હોય છે તે દેશમાં રાષ્ટ્રીયકરણની નીતિ વ્યાપક પ્રમાણમાં અમલમાં મૂકવામાં આવતી હોય છે. ઑક્ટોબર, 1917ની રાજકીય ક્રાંતિ પછી ત્યારના સોવિયેત સંઘમાં રાષ્ટ્રીયકરણની જે પ્રક્રિયા દાખલ કરવામાં આવી તેની પાછળ ત્યાંની બૉલ્શેવિક પાર્ટીની રાજકીય વિચારસરણી જવાબદાર હતી. આ જ વાત બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી પૂર્વ યુરોપના સામ્યવાદી દેશો, ક્યૂબા અને 1949 પછી ચીનમાં કરવામાં આવેલ રાષ્ટ્રીયકરણને લાગુ પડે છે. ભારતમાં પણ જ્યારથી સમાજવાદી સમાજરચનાનું ધ્યેય રાષ્ટ્રીય કૉંગ્રેસે સ્વીકાર્યું ત્યારથી રાષ્ટ્રીયકરણ માટેની ઝુંબેશ તીવ્ર બની હતી. (3) કેટલીક વાર ખાનગી ક્ષેત્રમાં ઇજારાશાહીને કારણે જ્યારે અર્થતંત્રમાં કેટલાંક દૂષણો ઊભાં થાય છે અને તેને લીધે બજારમાં મુક્ત સ્પર્ધાનાં પરિબળો નાશ પામવા લાગે છે, ત્યારે ઇજારાશાહીનાં દૂષણો નાબૂદ કરવા માટે પણ રાષ્ટ્રીયકરણની નીતિ અખત્યાર કરવામાં આવે છે. ભારતમાં જુલાઈ, 1969માં રૂપિયા 50 કરોડથી વધુ થાપણો ધરાવતી મોટી બૅંકોનું જ્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે તેના સમર્થનમાં આ જ દલીલ કરવામાં આવી હતી. (4) આર્થિક ઘટકો જ્યાં સુધી ખાનગી હસ્તક રહે છે ત્યાં સુધી તેમના નફાનો ઉપયોગ ખાનગી હેતુઓ માટે કરવામાં આવે છે. આવા ઘટકોનું રાષ્ટ્રીયકરણ કરવાથી તે ઘટકોને પ્રાપ્ત થતા નફાનો ઉપયોગ જાહેર કલ્યાણ માટે વાળી શકાય છે. ભારત જેવા દેશમાં 1951માં આર્થિક આયોજનની પ્રક્રિયા દાખલ કરવામાં આવી, જેના ઉદ્દેશોમાં ગરીબી અને બેકારી-નિવારણ, આર્થિક વિષમતાઓમાં ઘટાડો કરવો જેવા સામાજિક હેતુઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત જેવા ગરીબ દેશમાં ખાનગી ક્ષેત્રની બચતોનું પ્રમાણ જૂજ હોય છે, તેથી ગરીબી અને બેકારી-ઉન્મૂલનના કાર્યક્રમો અસરકારક રીતે દાખલ કરવા માટે મોટા પાયા પર નાણાકીય સાધનો ફાળવવાનાં હોય છે. રાષ્ટ્રીયકરણ કરવાથી રાષ્ટ્રીયકૃત ક્ષેત્રોમાં જે અધિશેષ ઊભો થાય છે તેનો ઉપયોગ સામાજિક હેતુઓની સિદ્ધિ માટે કરી શકાય છે. (5) વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનાં કૃષિ અને નાના પાયાના ઉદ્યોગો જેવાં ક્ષેત્રોનો વિકાસ દેશના ભાવિ વિકાસ પર સીધી અસર કરે છે; પરંતુ અર્થતંત્ર જ્યાં સુધી ખાનગી ક્ષેત્રની મુઠ્ઠીમાં હોય છે ત્યાં સુધી કૃષિ અને નાના પાયાના ઉદ્યોગો જેવાં અગ્રિમ ક્ષેત્રોનો વિકાસ રૂંધાઈ જાય છે. તેમ ન થાય અને આવા અગ્રિમ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે પણ અર્થતંત્રનાં કેટલાંક ક્ષેત્રોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોય છે. (6) રાજ્ય એ અર્થતંત્રનું નિયમન કરતી સંસ્થા હોય છે. અર્થતંત્રનાં મહત્ત્વનાં ક્ષેત્રો જ્યાં સુધી ખાનગી માલિકી હેઠળ હોય છે ત્યાં સુધી અર્થતંત્રનું નિયમન કરવું રાજ્ય માટે મુશ્કેલ બનતું હોય છે. રાષ્ટ્રીયકરણ દ્વારા આર્થિક ઘટકોની માલિકી રાજ્યહસ્તક મૂકવાથી રાજ્ય માટે અર્થતંત્રનું નિયમન કરવું સરળ બને છે. (7) અર્થતંત્રના જે ક્ષેત્રમાં મોટા પાયા પર લાંબા સમય સુધી મૂડીરોકાણ કરવું પડે છે, જે ક્ષેત્રમાં જોખમનું પ્રમાણ સવિશેષ હોય છે અને જે ક્ષેત્રમાં પરિપક્વતાનો ગાળો (gestation period) લાંબો હોય છે, તે ક્ષેત્રમાં ખાનગી માલિકી અસરકારક નીવડી શકે તેમ હોતું નથી. આવાં ક્ષેત્રો રાષ્ટ્રીયકરણ દ્વારા રાજ્યહસ્તક મૂકવામાં આવતાં હોય છે; દા. ત., રેલવે, વહાણવટું, વિમાનસેવાઓ, ખાણક્ષેત્ર વગેરે. કેટલીક વાર કેટલાંક ક્ષેત્રોમાં નફાનું તત્ત્વ સમાજ માટે હાનિકારક સાબિત થતું હોય છે; દા. ત., સંરક્ષણ કે અણુશક્તિનું ઉત્પાદન, જાહેર વસ્તુઓનું ઉત્પાદન વગેરે. આવાં ક્ષેત્રોનું રાષ્ટ્રીયકરણ કરવાથી સમાજના કલ્યાણમાં વધારો થતો હોય છે. રાજ્ય ખોટ કરીને પણ કેટલીક વસ્તુઓ અને સેવાઓ સમાજને પૂરી પાડતું હોય છે.

વૈશ્ર્વિક સ્તર પર જોઈએ તો દરેક દેશમાં ઓછાવત્તા પ્રમાણમાં કેટલાંક ક્ષેત્રો કે આર્થિક ઘટકો રાજ્યની માલિકી હેઠળ મૂકવામાં આવેલાં હોય છે; દા. ત., બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના લગભગ બધા જ દેશોમાં દેશની મધ્યસ્થ બૅંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું  હતું અને આજે પણ મધ્યસ્થ બૅંકની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય છે.

રાષ્ટ્રીયકરણનાં કેટલાંક દૂષણો પણ છે, જેનો અનુભવ વિશ્વના જે જે દેશોમાં અત્યાર સુધી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે તે તે દેશોને ઓછાવત્તા પ્રમાણમાં થયેલો છે. આ દૂષણો સામાન્ય રીતે આ પ્રમાણે જોવામાં આવ્યાં છે : (1) રાજ્યહસ્તકના દરેક ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં બિનકાર્યક્ષમતા, ઓછી ઉત્પાદકતા, બેજવાબદારીપૂર્વકનું વર્તન અને સાધનોનો વ્યાપક વ્યય જોવા મળે છે, જેમનું ભારણ દેશના કરદાતાઓ પર પડતું હોય છે. (2) રાજકીય હસ્તક્ષેપ, નોકરશાહી, વિલંબ વગેરેની અસર લાંબે ગાળે રાષ્ટ્રીયકૃત ઘટકો પર પડતી હોય છે. (3) મજૂરમંડળોનું બિનજરૂરી વર્ચસ્ ઊભું થાય છે; જેને કારણે હડતાળ, તાળાબંધી, ધીમું કામ કરો જેવી બાબતો રોજિંદા અનુભવની થઈ જતી હોય છે.

ઉપર્યુક્ત પરિસ્થિતિને કારણે હવે મોટાભાગના દેશોમાં ખાનગીકરણ અથવા મૂડીવિનિવેશ(disinvestment)ની પ્રક્રિયા દાખલ કરવામાં આવી રહી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે