રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation (N.I.D.C.)
January, 2003
રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation (N.I.D.C.) : પાયાના ઉદ્યોગો શરૂ કરવામાં મદદરૂપ થવા ભારત સરકારે સ્થાપેલું નિગમ. ભારત સરકારે ઑક્ટોબર, 1954માં ખાનગી કંપની તરીકે રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનની રૂપિયા એક કરોડની મૂડીથી સ્થાપના કરેલી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે જે પાયાના ઉદ્યોગો જરૂરી છે તે શરૂ કરવામાં આગેવાની લેવાનો અને શરૂ કરેલી કંપનીને વહેલામાં વહેલી તકે ખાનગી સાહસને સોંપી દેવાનો હેતુ આ કૉર્પોરેશનની સ્થાપના પાછળ છે. આમ છતાં, સરકારે સ્થાપેલી કોઈ કંપનીની માલિકી વાજબી કારણોસર પોતાની પાસે રાખવાનો વિકલ્પ ખુલ્લો રાખેલો છે. નવી કંપનીઓ શરૂ કરવા ઉપરાંત ખાનગી સાહસની ચાલતી કંપનીઓને આ કૉર્પોરેશન મદદ કરે છે. કોઈ પણ પાયાનો ઉદ્યોગ શરૂ કરવાનો હોય ત્યારે કૉર્પોરેશન તેમને સાધનો અને જરૂરી માર્ગદર્શન પૂરાં પાડે છે. વાણિજ્ય અને ઔદ્યોગિક ખાતાના પ્રધાન આ બૉર્ડના અધ્યક્ષ છે. એક ધંધાદારી પેઢીના જેવી લવચીકતા (flexibility) જાળવી શકે તે હેતુથી તેના સંચાલક મંડળમાં સરકારી અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ઔદ્યોગિક નિષ્ણાતને સ્થાન આપવામાં આવ્યું છે. શરૂઆતમાં તેના સંચાલક મંડળમાં ટાટા, બિરલા જેવા ઉદ્યોગપતિઓને સભ્યો તરીકે લેવામાં આવ્યા હતા. કૉર્પોરેશન વર્તમાન સમયમાં દેશમાં અને વિદેશમાં ઇજનેરી સેવા પૂરી પાડે છે. વળી, પ્રવર્તમાન કંપનીઓ નવી ચીજોનું ઉત્પાદન કરે અને આધુનિકીકરણ કરે તે માટે તેમને મદદ કરે છે.
આમ કૉર્પોરેશને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો છે. વિકાસ પામતા અન્ય દેશો, ઇટાલી જેવા વિકસિત દેશો અને યુનોને પણ આ સંસ્થાએ નિષ્ણાતની સેવા આપીને વિશ્વના ઔદ્યોગિક નકશામાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. આવી સલાહકારની સેવાના બદલામાં આ કૉર્પોરેશને કરોડો રૂપિયાનું હૂંડિયામણ દેશને રળી આપ્યું છે.
અશ્વિની કાપડિયા