રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો
રાષ્ટ્રવ્યાપી વ્યવહાર માટે યાતાયાતના માધ્યમરૂપ મોટા રસ્તાઓ. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક, ઔદ્યોગિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ માટે તથા રાજકીય સ્થિરતા માટે યોગ્ય યાતાયાત-વ્યવસ્થા હોવી જરૂરી છે. યોગ્ય યાતાયાત-વ્યવસ્થાના માધ્યમથી દેશના તથા દુનિયાના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઔદ્યોગિક કાચો માલ તથા ઉત્પાદન, જીવનજરૂરિયાતની ચીજો તથા લોકોની સરળતાથી હેરફેર થઈ શકે છે. યાતાયાતનાં વિવિધ માધ્યમો જેવાં કે ધોરી માર્ગ (રસ્તાઓ), રેલમાર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, બોગદાંઓ, પાઇપલાઇન વગેરે દરેકના વપરાશ અંગેના ફાયદાઓ તથા ગેરફાયદાઓ છે. ભારત જેવા ભૌગોલિક વિશાળતા ધરાવતા તથા વધારે વસ્તી ધરાવતા દેશ માટે ધોરી માર્ગોનું વિશેષ મહત્ત્વ રહેલું છે. યાતાયાતનાં તમામ માધ્યમોની સરખામણીમાં ધોરી માર્ગો નીચેના વિશેષ ફાયદાઓ આપે છે :
(1) ચોક્કસ સ્થળેથી અન્ય ચોક્કસ સ્થળે જઈ શકાય છે (door to door dilivery).
(2) તમામ પ્રકારનાં વાહનો, ચાલનાર વ્યક્તિઓ તથા પશુઓ માટે ખુલ્લા હોય છે.
(3) રાષ્ટ્રીય ધોરી માર્ગથી લઈને ગ્રામીણ રસ્તાઓ અને સિમેન્ટ-કૉન્ક્રીટના રસ્તાઓથી માંડીને માટીના રસ્તાઓ બનાવી શકાય છે.
આ ત્રણ ફાયદાઓ એકસાથે અન્ય કોઈ યાતાયાત-વ્યવસ્થામાંથી મળતા નથી.
ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગોનું ઊડતું અવલોકન કરીએ :
નાગપુર યોજના :
1943માં નાગપુર ખાતે ભારતનાં તમામ રાજ્યો તથા પ્રાંતોના મુખ્ય ઇજનેરોની બેઠકનું આયોજન થયેલું. તે બેઠકમાં ભારતમાં ધોરી માર્ગોના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા થયેલી તથા 1943-1963 એમ 20 વર્ષ માટે ભારતમાં ધોરી માર્ગોના વિકાસ માટે આયોજન થયેલું, જે ‘નાગપુર પ્લાન’ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં માર્ગોનું દરેકના મહત્ત્વ મુજબ નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવેલું :
(1) રાષ્ટ્રીય ધોરી માર્ગો
(2) રાજ્ય ધોરી માર્ગો
(3) મહત્ત્વના જિલ્લામાર્ગો
(4) ગૌણ જિલ્લામાર્ગો
(5) ગ્રામીણ માર્ગો
ભારતમાં આજે વર્ષ 2001-02 મુજબ રસ્તાઓની કુલ લંબાઈ આશરે 33 લાખ કિમી. થવા જાય છે, જે દુનિયાના સૌથી મોટા રોડ નેટવર્કમાંનું એક છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગો દેશનાં મહત્ત્વનાં શહેરો, રાજ્યોની રાજધાનીઓ, બંદરો તેમજ એકબીજા દેશોને જોડે છે.
1956માં સંસદે નૅશનલ હાઇવે ઍક્ટ પસાર કરેલો, તે મુજબ
(અ) રાષ્ટ્રીય ધોરી માર્ગોની સંરચના, બાંધકામ તથા જાળવણીની જવાબદારી કેન્દ્ર સરકાર સંભાળે છે.
(બ) કોઈ પણ ધોરી માર્ગને રાષ્ટ્રીય ધોરી માર્ગ જાહેર કરવાની તથા રદ કરવાની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવેલી છે.
ભારતમાં રાષ્ટ્રીય ધોરી માર્ગના વિકાસનું કાર્ય સી. પી. ડબ્લ્યૂ. ડી., ભારતીય માર્ગ કૉંગ્રેસ, કેન્દ્રીય માર્ગ સંશોધન સંસ્થા વગેરે વિભાગો સરકારી અનુદાનોની મદદથી સંભાળે છે.
ભારતમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો ડામરના બનાવવામાં આવે છે, જેની પહોળાઈ સામાન્ય રીતે એક લેન માટે 3.8 મીટર તથા ડબલ લેન માટે 7.5 મીટર હોય છે. જ્યારે માટીકામ સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગની કુલ પહોળાઈ 12 મીટરની હોય છે. ભારતમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો વાહનની 100 કિમી./કલાકની ઝડપ માટે રચવામાં આવે છે.
અન્ય યોજનાઓ :
નાગપુર યોજના બાદ ભારતમાં ધોરી માર્ગોના વિકાસ માટે અન્ય યોજનાઓ નીચે મુજબ છે :
(i) બીજી 20 વર્ષીય માર્ગ વિકાસ યોજના 1961-81
(ii) ત્રીજી 20 વર્ષીય માર્ગ વિકાસ યોજના 1981-2001
આ ઉપરાંત ભારતના ઝડપી આર્થિક તેમજ સામાજિક વિકાસને અનુલક્ષીને ભારતની કરોડરજ્જુ સમા ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમનાં સર્વે રાજ્યોને જોડતી એવી પ્રધાનમંત્રીની ‘સુવર્ણ ચતુષ્કોણ યોજના’ (Golden Quadrilateral GQ) હાલ કાર્ય કરી રહેલ છે. આ યોજનામાં ત્વરિત (એક્સપ્રેસ) ધોરી માર્ગોનું નિર્માણ કરવામાં આવનાર છે, જેનું કાર્ય હાલના તબક્કે પુરઝડપે ચાલુ છે. આ યોજના અંતર્ગત દેશના સર્વાંગી વિકાસમાં મહત્ત્વનો ફાળો આપતા ધોરી માર્ગોને હાલના બે લેનના ધોરી માર્ગોમાંથી ચાર લેનના માર્ગોમાં તબદીલ કરવામાં આવી રહ્યા છે, જે ભારતીય ધોરી માર્ગ ક્ષેત્રે એક અવલ પગલું ગણી શકાય.
આ યોજના હેઠળ અલગ નાણાકીય જોગવાઈ હાથ ધરીને અંદાજિત રૂ. 60,000 કરોડ જેવી માતબર રકમની અલાયદી વ્યવસ્થા કરવામાં આવનાર છે, જે આ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ ગણાય.
આ યોજના 2007ની સાલમાં પૂર્ણ થશે, જે પૂર્ણ થયે ભારતમાં આશરે 67,000 કિમી. મુખ્ય ધોરી માર્ગ કાર્યરત હશે.
ધોરી માર્ગ બાંધકામ માટે મોટા પાયે મૂડીરોકાણની જરૂરિયાત ઊભી થાય છે. 2002-03ના ધોરણે ચાર લેનવાળા ધોરી માર્ગનું ખર્ચ આશરે રૂ. 4.5 કરોડ દર કિમી. થાય છે અને છ લેનવાળા એક્સપ્રેસ હાઇ-વેનું ખર્ચ આશરે રૂ. 8.5 દર કિમી. થાય. ધોરી માર્ગના ખર્ચને પહોંચી વળવું એ મુશ્કેલ બાબત છે. આના ઉકેલ માટે કેન્દ્ર સરકારે કેન્દ્રીય માર્ગ ઍક્ટ 2000 દ્વારા કેન્દ્રીય માર્ગ ફંડ (Central Road Fund CRF) ઊભું કર્યું છે. માર્ગરચનાના ફંડ માટે ગ્રાહક (ઉપભોક્તા) પાસેથી નાણાં ઊભાં કરવામાં આ નવું સીમાચિહ્નરૂપ પગલું છે. ધોરી માર્ગના ખર્ચને પહોંચી વળવા CRF ઉપરાંત વિશ્વબૅંક, એશિયન ડેવલપમેન્ટ બૅંક અને જાપાનની આંતરરાષ્ટ્રીય સહકારી બૅંક પાસેથી નાણાં મેળવાય છે. ટૉલ દ્વારા આશરે 12 % નાણાં મેળવવાની ધારણા છે. નવી ‘સુવર્ણ ચતુષ્કોણ’ (GQ) યોજના નીચે ચાર લેન રસ્તામાં રાષ્ટ્રનાં મુખ્ય ચાર શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાને જોડતા રસ્તાઓની લંબાઈ 5,846 કિમી. અને તેને આનુષંગિક જોડાયેલા પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણના ધોરી માર્ગના નવીનીકરણની લંબાઈ આશરે 7,300 કિમી.ની રહેશે. આ સમગ્ર કાર્યને phase I અને IIમાં વહેંચવામાં આવેલ છે અને પ્રૉજેક્ટની જવાબદારી નૅશનલ હાઇવે ઑથોરિટી ઑવ્ ઇન્ડિય(NHOI)ને સોંપવામાં આવી છે. નીચેના નકશામાં phase I અને II ની વિગત દર્શાવેલ છે :
ભારતના તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગોની યાદી નીચેના કોઠામાં આપવામાં આવી છે :
રાષ્ટ્રીય ધોરી કયાં સ્થળોને જોડે છે ?
માર્ગ નંબર
1 2
1 દિલ્હી, અમૃતસર (અંબાલા, જલંધર થઈને)
1-A જલંધર પીઉરી (માધવપુર, જમ્મુ, શ્રીનગર, બારામુલ્લા થઈને)
1-B બતોલથી કીરતવાર (ડોડા થઈને)
2 દિલ્હીથી કોલકાતા (મથુરા-વારાણસી થઈને)
3 આગ્રાથી મુંબઈ (ગ્વાલિયર, નાશિક થઈને)
4 થાણેથી ચેન્નાઈ (પુણે, બેલગામ, હુબલી, બૅંગલોર થઈને)
4-A બેલગામથી પણજી
5 બેહરાગોથી ચેન્નાઈ (કટક, વિશાખાપટનમ્, વિજયવાડા થઈને)
6 ધુલિયાથી કોલકાતા (નાગપુર, રાયપુર, સંબલપુર થઈને)
7 વારાણસીથી ક્ન્યાકુમારી (નાગપુર, બૅંગલોર, મદુરાઈ થઈને)
8 દિલ્હીથી મુંબઈ (જયપુર, અમદાવાદ, વડોદરા થઈને)
8-A અમદાવાદથી કંડલા (મોરબી થઈને)
8-B અમદાવાદથી પોરબંદર (રાજકોટ થઈને)
9 પુણેથી વિજયવાડા (સોલાપુર, હૈદરાબાદ થઈને)
10 દિલ્હીથી ફાઝિલ્કા (પાક. સરહદ તરફ)
11 આગ્રાથી બીકાનેર (જયપુર થઈને)
12 જબલપુરથી જયપુર (ભોપાલ, કોટા થઈને)
13 સોલાપુરથી ચિત્રદુર્ગ
15 પઠાણકોટથી કંડલા (અમૃતસર, ગંગાનગર, જેસલમેર થઈને)
17 પનવેલથી કર્ણગોર (કારવાડ, કાલિકટ થઈને)
21 ચંડીગઢથી મનાલી (મંડી, કુલુ થઈને)
22 અમ્બાલાથી શીપ્કીલા-ચીન સરહદ (સિમલા થઈને)
23 ચોસથી તાલ્ચેર (રાંચી, રાઉરકેલા થઈને)
24 દિલ્હીથી લખનૌ (બરેલી થઈને)
25 દિલ્હીથી શિવપુરી (કાનપુર, ઝાંસી થઈને)
26 ઝાંસીથી લખણાદિન
27 અલ્લાહાબાદથી વારાણસી
28 બરોનીથી લખનૌ (ગોરખપુર થઈને)
29 ગોરખપુરથી વારાણસી (ગામીપુર થઈને)
30 મોહનિયાથી બખ્તિયારપુર (પટણા થઈને)
31 બરહીથી પાંડુ (પૂર્ણિયા, સીલીગુડી થઈને)
31-A સીવોકથી ગંગટોક
31-B નૉર્થ સાલપારાથી ગોલપાડા
32 ગોવિંદપુરથી જમશેદપુર (ધનબાદ થઈને)
33 બરહીથી બરગોડા (રાંચી, જમશેદપુર થઈને)
34 દાલકોલાથી કોલકાતા (બહેરામપુર થઈને)
36 નૌંગાવથી દિમાપુર
37 ગોલપાડાથી શૈખોવાઘાટ (ગોહાટી, જોરહાટ થઈને)
38 માકુમથી લેખપાની (લેદો થઈને)
39 નુમાલીગઢથી મ્યાનમાર સરહદ (ઇમ્ફાલ થઈને)
40 જોરહાટથી બાંગ્લાદેશ સરહદ (શિલૉંગ થઈને)
41 ગોપાલઘાટથી હલ્દિયા બંદર
42 સંબલપુરથી કટક (ઓંગુલ થઈને)
43 રાયપુરથી વિજયનગર
44 શિલૉંગથી અગરતલા
45 ચેન્નાઈથી ડાંડીગુબ
46 કૃષ્ણનગરથી રાનીપેટ
47 સેલમથી કન્યાકુમારી (કૉઇમ્બતુર, તિરુઅનંતપુરમ્ થઈને)
48 બૅંગલોરથી મૅંગલોર (હાસન થઈને)
49 મદુરાઈથી ધનુષ્કોડી
50 નાશિકથી પુણે
52 બેહરાથી સીતાપાણી (તેજપુર થઈને)
52-A બંદેરથી ઇટાનગર (દેવાસ થઈને)
રાજ્ય ધોરી માર્ગો
નાગપુર પ્લાન મુજબ રાષ્ટ્રીય ધોરી માર્ગ પછી મહત્ત્વના માર્ગ તરીકે રાજ્ય ધોરી માર્ગ આવે છે. રાજ્ય ધોરી માર્ગો રાજ્યનાં મહત્ત્વનાં શહેરોને એકબીજાં સાથે જોડે છે. તે રાજ્યમાં આવતા રાષ્ટ્રીય ધોરી માર્ગો તથા મહત્ત્વના જિલ્લામાર્ગોને જોડતી કડી છે.
રાજ્ય ધોરી માર્ગોની રચના, બાંધકામ તથા જાળવણી જે તે રાજ્યનું જાહેર બાંધકામ ખાતું કરે છે. તે માટે કેન્દ્ર સરકાર તરફથી સમય સમય પર અનુદાન મળે છે.
રાજ્ય ધોરી માર્ગો (ગુજરાત રાજ્યના) : ગુજરાત રાજ્ય કે જેનો વિસ્તાર 1.96 લાખ ચોકિમી. છે અને જે સમગ્ર દેશના વિસ્તારના 5.96 ટકા જેટલો થવા જાય છે તેમાં આવેલ રાજ્યનિર્મિત માર્ગોની વિગત જોઈએ તો 1947માં આઝાદી મળી ત્યારે ગુજરાતમાં માત્ર 7,622 કિમી.ની કુલ લંબાઈના રસ્તાઓ હતા જે સમગ્ર દેશના તે વખતના રસ્તાઓની કુલ લંબાઈના માત્ર 2.15 ટકા જેટલા હતા. વર્ષ 1999ની સ્થિતિ મુજબ ગુજરાતના રસ્તાઓની વિગત નીચે પ્રમાણે હતી :
રસ્તાની કક્ષા ગુજરાતમાં તે
રસ્તાની લંબાઈ (કિમી.માં)
રાષ્ટ્રીય ધોરી માર્ગ 01,877
રાજ્ય ધોરી માર્ગ 19,518
મુખ્ય જિલ્લામાર્ગ 20,939
અન્ય જિલ્લામાર્ગ 10,540
ગ્રામીણ માર્ગ 20,075
કુલ 72,952
આ ઉપરાંત બિનઆયોજિત યોજનાઓ અને જિલ્લા પંચાયત દ્વારા 21,220 કિમી. લંબાઈના રસ્તાઓ (1999ની સ્થિતિ) બાંધવામાં આવ્યા છે.
પ્રથમ માર્ગ વિકાસ યોજના (નાગપુર પ્લાન) મુજબ 1971 સુધીમાં રાજ્યમાં 39,147 કિમી. લંબાઈના રસ્તાઓ એટલે કે પ્રત્યેક 100 ચોકિમી. વિસ્તારદીઠ 21 કિમી. લંબાઈના રસ્તાઓ પ્રાપ્ત કરવાનું ધ્યેય રાખવામાં આવેલ; દ્વિતીય 20 વર્ષીય માર્ગ વિકાસ યોજના (1961-81) મુંબઈ પ્લાન મુજબ રાજ્યમાં કુલ 57,620 કિમી. એટલે કે 32 કિમી./100 ચોકિમી. લંબાઈના રસ્તાઓનું લક્ષ્ય રાખવામાં આવેલ; જેની સામે ખરેખર રસ્તાઓની લંબાઈ 47,426 કિમી. એટલે કે 24 કિમી./100 ચોકિમી. જેટલી લંબાઈ થઈ શકેલ. ત્રીજી 20 વર્ષીય માર્ગ વિકાસ યોજના (1981-2001) લખનઉ પ્લાન મુજબ માર્ચ 2001ના અંતે રાજ્યમાં કુલ 1,14,886 કિમી. લંબાઈના રસ્તાઓ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ હતો, પણ તે હજુ (2003 સુધી) પૂર્ણ થયેલ નથી.
મધુકાન્ત રમણીકલાલ ભટ્ટ
રાજેશ માનશંકર આચાર્ય