રાષ્ટ્રવાદ : રાષ્ટ્ર પ્રત્યે તાદાત્મ્ય અને વફાદારીની ભાવના. આધુનિક વિશ્વની વ્યાખ્યા કરનારાં અને તેને ઘાટ આપનારાં જે પરિબળો છે, તેમાં રાષ્ટ્રવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રવાદની કોઈ ચોક્કસ અને સર્વસંમત વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. નિશ્ચિત ભૂમિપ્રદેશમાં ઠીક ઠીક લાંબા સમયથી રહેતા, એક જાતિના, એક ભાષા બોલતા, એક ધર્મ પાળતા, સહિયારાં જીવનમૂલ્યો, સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસો અને આર્થિક હિતો ધરાવતા લોકોનો સમૂહ જ્યારે અમુક પ્રકારની ભાવાત્મક એકતાની લાગણી અને પોતે એવા જ બીજા લોકોના સમૂહથી નોખા છે એવું અનુભવે ત્યારે એ સમૂહને રાષ્ટ્ર કહેવામાં આવે છે. એવા રાષ્ટ્ર સાથેનાં તાદાત્મ્ય અને વફાદારી રાષ્ટ્રવાદમાં અભિપ્રેત છે.
વળી, જે ભૂમિપ્રદેશમાં લોકો લાંબા સમયથી રહ્યા હોય તેને સામાન્ય રીતે લોકો પોતાની પિતૃભૂમિ અથવા માતૃભૂમિ માને છે. તેના પ્રત્યેની ઉત્કટ નિષ્ઠા અને તે પ્રત્યેની વફાદારી, જેને દેશપ્રેમ કહેવામાં આવે છે, તે લાગણીનો સમાવેશ પણ રાષ્ટ્રવાદમાં થાય છે. આ એક એવા પ્રકારની પ્રબળ મન:સ્થિતિ છે, જેમાં લોકો અરસપરસ એકતાની લાગણી અનુભવે છે, તો બીજાં રાષ્ટ્રોથી પોતે અલગ અને સ્વતંત્ર રહેવા ઝંખે છે. જ્યારે આવી ભાવના (રાષ્ટ્રીય ભાવના) અનુભવતા લોકો રાજકીય રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ બને છે, ત્યારે તેને રાષ્ટ્ર-રાજ્ય (નૅશન-સ્ટેટ) કહેવામાં આવે છે. દરેક રાષ્ટ્ર રાજ્ય (આંતરિક રીતે સર્વોપરી અને બાહ્ય વ્યવહારોમાં સ્વતંત્ર) હોય જ એવું હંમેશાં હોતું નથી. પણ દરેક રાષ્ટ્ર રાજ્ય બનવાની ઝંખના ધરાવે છે. એવી રીતે, એક રાજ્યમાં એક જ ‘રાષ્ટ્ર’ સમાઈ જતું હોય એવું પણ હંમેશાં હોતું નથી. એક રાજ્યમાં અનેક ‘રાષ્ટ્રો’નો સમાવેશ થતો હોય, એવું પણ હોઈ શકે.
જાતિ, ભાષા, ધર્મ, સંસ્કૃતિ વગેરે ઘટકો રાષ્ટ્ર બનવા માટેનાં પ્રોત્સાહક અથવા પ્રેરક પરિબળો છે, પણ તેમાંનું એકેય પરિબળ રાષ્ટ્રના નિર્માણ માટે અનિવાર્ય હોય એવું નથી. આજે જગતમાં ભાગ્યે જ કોઈ એવું મોટું રાષ્ટ્ર હશે, જેમાં એક જ જાતિના, એક જ ધર્મ પાળતા કે એક જ ભાષા બોલતા લોકો રહેતા હોય.
રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર-રાજ્યો એ પ્રમાણમાં આધુનિક ઘટના છે. 16મી અને 17મી સદી દરમિયાન પશ્ચિમ યુરોપમાં રાષ્ટ્રવાદનો ઉદભવ અને ઉદ્વિકાસ થયો અને 18મી અને 19મી સદી દરમિયાન તે વિશેષ પ્રભાવશાળી બન્યો. ચર્ચ અને રાજ્ય (રાજા) બંનેમાં કોણ સર્વોપરી એ વિષે લાંબા સમય સુધી ચાલેલા સંઘર્ષમાં ઐહિક વિષયોમાં રાજ્ય (રાજા) સર્વોપરી એ સ્થાપિત થયું અને એણે યુરોપમાં રાષ્ટ્રવાદને મજબૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. નવજાગૃતિ (રેનેસાં) અને ધર્મસુધારણા(રેફર્મેશન)નાં આંદોલનોએ પણ રાષ્ટ્રવાદને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન ઉદભવેલ શક્તિશાળી રાજાશાહીઓએ પણ જે તે પ્રદેશમાં રાષ્ટ્રવાદને પુષ્ટ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. રાજ્યસત્તા લોકસંમતિ પર આધારિત હોવી જોઈએ અને અંતિમ સત્તા (સાર્વભૌમત્વ) તો લોકોમાં રહેલી છે, એવા વિચારોએ પણ રાષ્ટ્રવાદી ભાવનાને બલવત્તર કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.
આટલાંટિક મહાસાગરની પૂર્વે આવેલા યુરોપીય દેશોમાં લોકશાહી, ઉદારમતવાદી વિચારોનો પ્રભાવ આટલાંટિક મહાસાગરની પશ્ચિમે આવેલા અમેરિકન ખંડ પર પડ્યો. યુરોપીય સત્તાઓએ ત્યાં સ્થાપેલાં સંસ્થાનોના લોકોમાં રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાની અદમ્ય ઝંખના ઉત્પન્ન થઈ. સંસ્થાનવાદ સામેની લડત થકી અમેરિકન ખંડમાં રાષ્ટ્રવાદનો ઉદભવ અને વિકાસ થયો.
દરમિયાન યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિએ પણ રાષ્ટ્રવાદની વૃદ્ધિ અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. વાહનવ્યવહાર અને સંપર્કનાં સાધનોમાં થયેલા મહત્ત્વના ફેરફારો, વેપાર-વાણિજ્યનો વિસ્તાર, ઉત્પાદિત માલના બજારનું વિસ્તરણ વગેરે બાબતોએ પણ પશ્ચિમી રાષ્ટ્રવાદના વિકાસમાં મોટો ફાળો આપ્યો. યુરોપ અને અમેરિકન ખંડમાં થયેલી રાજક્રાંતિઓ અને ઔદ્યોગિક ક્રાંતિ આ બે ઐતિહાસિક ઘટનાઓએ આધુનિક રાષ્ટ્રવાદના ઉદભવ અને વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે એમ કહી શકાય.
પશ્ચિમી સામ્રાજ્યવાદની બેડીઓમાંથી મુક્ત થવા અને સ્વતંત્ર રાષ્ટ્ર-રાજ્ય તરીકે પોતાની આગવી પહેચાન પ્રાપ્ત કરવા માટે 19મી સદી અને 20મી સદીના પૂર્વાર્ધ દરમિયાન એશિયા-આફ્રિકા અને લૅટિન અમેરિકી દેશોમાં સ્વાતંત્ર્યચળવળો ઉદભવી. પહેલા અને બીજા વિશ્વયુદ્ધે પશ્ચિમી સામ્રાજ્યવાદને મરણતોલ ફટકો માર્યો અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં મોટા ભાગનાં સંસ્થાનો સ્વતંત્ર રાષ્ટ્ર-રાજ્ય બન્યાં છે.
રાજ્યશાસ્ત્રીઓ રાષ્ટ્રવાદના સામાન્ય રીતે ચાર પ્રકારો પાડે છે : (1) લોકશાહી રાષ્ટ્રવાદ, (2) પરંપરાગત રાષ્ટ્રવાદ, (3) ઉદારમતવાદી રાષ્ટ્રવાદ અને (4) સર્વસત્તાવાદી અથવા ઉગ્ર લડાયક રાષ્ટ્રવાદ (ફાસીવાદી રાષ્ટ્રવાદ). પહેલા ત્રણ પ્રકારના રાષ્ટ્રવાદ એકંદરે ઉપકારક ગણાય છે. અલબત્ત દરેકના આગવા ગુણદોષ છે. છેલ્લો રાષ્ટ્રવાદ (ઉગ્ર-લડાયક રાષ્ટ્રવાદ) જોખમકારક અને હાનિકારક ગણાય છે.
આધુનિક રાષ્ટ્રવાદનાં વિધાયક અને નકારાત્મક બંને પાસાં છે. હકારાત્મક એ અર્થમાં કે તે લોકોમાં એકતાની લાગણી પેદા કરે છે, ચોક્કસ હેતુઓ માટે લોકોને સંગઠિત કરે છે. આર્થિક-સામાજિક પ્રગતિ અને વિકાસ માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડે છે અને તે સિદ્ધ કરવા લોકોને કાર્ય કરવા માટે ઉદ્યુક્ત કરે છે. તો એ નકારાત્મક એ અર્થમાં છે કે તે સંકુચિતતા અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે દુશ્મનાવટની લાગણીને પ્રોત્સાહન આપે છે. તે કટ્ટર જાતિવાદ, મિથ્યા દેશાભિમાનને પોષે છે. હિંસા અને ધિક્કાર ફેલાવીને યુદ્ધોન્માદ પેદા કરે છે. આવો રાષ્ટ્રવાદ વિશ્વશાંતિ અને વિશ્વસહકારમાં મોટો અવરોધ બને છે.
રાષ્ટ્રવાદની આત્યંતિકતાઓથી મનુષ્યજાતિને ઉગારી લેવા અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર અને એખલાસની ભાવના ઊભી કરવા માટે આંતરરાષ્ટ્રીયવાદનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે.
દિનેશ શુક્લ