રાવ, સુખલતા (જ. 1886, કોલકાતા; અ. 1969) : બંગાળી કલાકાર અને વાર્તાકાર. ઉપેન્દ્રકિશોર રાયચૌધરીનાં પુત્રી. બ્રહ્મો બાલિકા શિક્ષાલય અને બેથુન કૉલેજ, કોલકાતામાં અભ્યાસ. ડૉ. જયન્ત રાવ સાથે લગ્ન કર્યા પછી મોટેભાગે કટકમાં રહ્યાં. ત્યાં તેમણે ‘શિશુ ઓ માતૃમંગલ’ અને ‘ઊડિયા નારી સેવા સંઘ’ની સ્થાપના કરી. તેમણે બાળકો અને મહિલાઓ માટે બજાવેલ સેવાકાર્ય બદલ ભારત સરકારે તેમનું સન્માન કર્યું હતું.
તેઓ જળરંગોનાં નોંધપાત્ર કલાકાર હતાં. 1913માં તેમના પિતાએ સ્થાપેલ બાળકોના માસિક ‘સંદેશ’માં મહદંશે જુદા જુદા દેશની પરીકથાઓ પ્રગટ કરી હતી. તે સુંદર પરીકથાઓ પાછળથી પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે સંખ્યાબંધ ઊર્મિકાવ્યોની રચના કરી હતી. તે કાવ્યો સંગીતથી મઢીને દૂરદર્શન પરથી પ્રસારિત કરવામાં આવતાં હતાં.
તેમની કૃતિઓમાં ‘હિતોપદેશેર ગલ્પ’; ‘નાનાન દેશેર રૂપકથા’; ‘દુઈ ભાઈ’; ‘ઇસપેર ગલ્પ’; ‘સોનાર મયૂર’; ‘ખોકા એલો બેરિયે’; ‘વને ભાઈ કાટો મજાઈ’; ‘નાનાન ગલ્પ’; ‘ખેલેર દાદા’; ‘પથેર આલો’; ‘આરઓ ગલ્પ (1915); ‘ગલ્પેર બઈ’ (1917, વિદેશી પરીકથાઓ); ‘ગલ્પ આર ગલ્પ’ (પરીકથા તથા લોકકથાઓ); ‘નતૂન છડા’ અને ‘લાલી ભુલીર દેશે’, ટૂંકી વાર્તાના સંગ્રહો તેમજ કલ્પનાશીલ રચના ‘નિજે પડો’ ઉલ્લેખનીય છે. ‘નિજે પડો’ માટે તેમને ભારત સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો (1956).
બળદેવભાઈ કનીજિયા